લદ્દાખની કુદરતી અજાયબી ગ્રેવિટી હિલ
ભારતના લદ્દાખમાં લેહ-કારગીલ-શ્રીનગર હાઈવે ઉપર લેહથી ૫૦ કિલોમીટર દૂર હાઈવે એક ટેકરી ઉપરથી પસાર થાય છે. આ સ્થળ સમુદ્રની સપાટીના ૧૧૦૦૦ ફૂટની ઊંચાઈએ છે. આ ટેકરી સામાન્ય છે તેમાં જોવા જેવું કંઈ નથી પણ ઢાળ ચઢવાનો અનુભવ આશ્ચર્યજનક છે. આ ટેકરી સહેલાણીઓના આકર્ષણનું કેન્દ્ર બની છે. સામાન્ય રીતે ઢાળ ઉપરથી ઉતરતા વાહનો આપમેળે ચાલે પરંતુ આ ટેકરી પર ઢાળ ચઢતા વાહનો આપમેળે દોડે છે. ટેકરીની ટોચે કોઈ શક્તિશાળી ચૂંબક વાહનને ખેંચતું હોય તેવું લાગે. ટેકરી ઉપરથી પસાર થતું વિમાન પણ ટેકરીથી આકર્ષાઈને નીચું ઉતરી આવતું હોય તેમ લાગે. જો કે આ માત્ર દ્રષ્ટિભ્રમ છે. ઘણા સંશોધનો થયા પણ ટેકરીમાં કોઈ ચુંબકીય બળ કે અન્ય શક્તિ મળી આવી નથી. વિશ્વમાં ઘણા સ્થળોએ આવી ટેકરી છે. તે ગ્રેવીટી હિલ, મેગ્નેટિક હિલ, મેજિક હિલ જેવા નામથી જાણીતી છે. ઓસ્ટ્રેલિયાના ઓરોરો, બોવેન માઉન્ટન અને વિક્ટોરિયામાં આવી ટેકરીઓ છે. કેનેડામાં પાંચ સ્થળોએ અને ચીનમાં એક સ્થળે આવી ગ્રેવિટી હીલ છે. ગ્રેવીટી હીલ આગળ તેની લાક્ષણિકતાનું વર્ણન કરતાં બોર્ડ મૂકાયેલા હોય છે. લોકો આપમેળે ઢાળ ચઢતાં વાહનો જોવા જાય છે.