Get The App

કાબર અને ખિસકોલી : કાબર અને ખિસકોલીનું ઘર પણ એક લીલાંછમ લીમડા પર

Updated: Dec 9th, 2022

GS TEAM


Google News
Google News
કાબર અને ખિસકોલી : કાબર અને ખિસકોલીનું ઘર પણ એક લીલાંછમ લીમડા પર 1 - image

એક હતી કાબર અને એક હતી ખિસકોલી.

બન્ને પાક્કાં ફ્રેન્ડ.

કાબરને ખિસકોલી વિના ન ચાલે અને ખિસકોલીને કાબર વિના ઘડીકવારેય ન ગમે. બન્ને સાથે ભણવા જાય. સાથે રમતો રમે. સાથે નાસ્તો કરે અને પિકનિકમાં પણ સાથે જ હોય!

કાબર અને ખિસકોલીનું ઘર પણ એક લીલાંછમ લીમડા પર! આ લીમડાભાઇ સાથે પણ બન્નેને સારી એવી દોસ્તી થઇ ગઇ હતી. કયારેક બન્ને મળીને લીમડાભાઇનું ગીત પણ ગાતી...

'લીમડાભાઇ લીલાંછમ લીલાંછમ,

ડાળે-ડાળે ઝુલાવે..

હરખે-હરખે બોલાવે..

મારી સાથે,આવી રમ! આવી રમ!'

ગમે તેટલાં દૂર જાય, પણ કાબર અને ખિસકોલી, પોતાના પ્રિય લીમડાભાઇ પાસે આવે, ત્યારે જ બન્નેને શાંતિ થાય! ત્યારે જ ખરી મજા આવે! લીમડાભાઇને પણ આ બેય વિના બિલકુલ ન ગમે! કાબર કે ખિસકોલી સ્કૂલ જાય કે રમવા જાય...  લીમડાભાઇ હંમેશા બન્નેની રાહ જોતા હોય!

ખિસકોલી ક્યારેક લીમડાભાઇના લીલાંછમ છાંયડે બેસીને પોતાની સરસ કવિતા, બધાંય મિત્રોને સંભળાવે..

'હું  નાની-શી  ખિસકોલી,

              હું  જાગું  વ્હેલી-વ્હેલી !

હું  ચિક ચિક..ચિક ચિક.. બોલું

કવિતાઓ સાવ સ્હેલી!

હું  સ્કૂલે જાઉં  દોડી,

           લઇ દફતર નાનું-નાનું!

હું  લેસન કરતી ઝાઝું,

            ને વાત ટીચરની માનું!

આ લીમડાભાઇની ડાળે,

            હું કાયમ કરતી સ્કેટીંગ!

હું કમ્પ્યુટર ખોલીને

            કરું કાબર સાથે ચેટીંગ!'

આ સાંભળીને લીમડાભાઇ પણ રાજી અને કાબર પણ ખૂબ રાજી થાય, પરંતુ  આ બધું જોઇને પાસે જ રહેતા કાચીંડાને બહુ અદેખાઇ આવે! એને આ ખિસકોલી અને કાબરની ફ્રેન્ડશિપ અને લીમડાભાઇ સાથેનો પ્રેમ જરાય ન ગમે.  એ તો મનોમન બળ્યા કરે.

એક દિવસ કાબરમામાને ઘેર ગઇ હતી. ખિસકોલી એકલી જ સ્કૂલે જતી હતી ત્યાં તક જોઇને રસ્તામાં કાચીંડાએ તેને આંતરીને ઉભી રાખી.

કાચીંંડાએ કહ્યું- 'ખિસકોલીબેન! જરા ઊભા તો રહો! અમે પણ તમારા પાડોશી જ છીએ! અમારી સાથે પણ કોઇવાર વાત કરો!'

'હા,હા, કાચીંડાભાઇ! બોલો, બોલો... કેમ છો?' ખિસકોલીએ તો સહજતાથી જ પૂછયું.

'બસ,મજામાં છું,ખિસકોલીબેન! પણ મારે તમારું કામ હતું! ખાસ કામ! ને સારું થયું આજે તમે સામેથી જ મળી ગયાં!' કાચીંડાએ કહ્યું.

'હા,બોલો! મારું શું કામ હતું?' ખિસકોલીએ પૂછયું.

કાચીંડો બોલ્યો- 'અરે ખિસકોલીબેન! શું વાત કરું! તમે પેલી કાબરને બેસ્ટ ફ્રેન્ડ માનો છોને!'

અધવચ્ચે જ ખિસકોલીએ કહ્યું - 'એ મારી બેસ્ટ ફ્રેન્ડ છે જ! માનવાની વાત જ ન આવે!'

'ત્યાં જ તમારી ભૂલ થાય છે, ખિસકોલીબેન!'એમ કહીને કાચીંડાએ મનમાં ભરેલું ઝેર ઓકવાનું શરૂ કર્યું- 'એ કાબર બહુ કજિયાખોર છે! દોસ્તીને લાયક જ નથી! આ કાગડાભાઇ, હોલો,મોર... બધાંયની સાથે એણે ઝઘડા કરેલા છે! પહેલાં બધાની સાથે ફ્રેન્ડશિપ કરે અને પછી તક જોઇને દગો કરે છે આ લુચ્ચી કાબરડી!'

'બસ,બસ, તમે મારી બેસ્ટ ફ્રેન્ડ વિશે આવું ન બોલો,કાચીંડાભાઇ! તમે કહો છો એ ખોટી વાત છે. કાબર એવી બિલકુલ નથી. ભૂલ મારી નથી થાતી, કાચીંડાભાઇ! એ કાબરને ઓળખવામાં તમારી ભૂલ થાય છે.' ખિસકોલીએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું.

કાચીંડો ઘડીકવાર ચૂપ રહીને બોલ્યો-  'મારી વાત માનો, ખિસકોલીબેન! તમે ભોળાં છો. ફ્રેન્ડશિપના નામે એ તમને છેતરી જશે! તમને વિશ્વાસ ન આવતો હોય તો કાગડાભાઇને પૂછી લેજો. એમની પાસે આ કાબર તમારા વિશે ખૂબ ખરાબ વાતો કરતી હોય છે. તમે એનો મોબાઇલ ચેક કરી જોજો.એમાં પણ કાગડાભાઇના નંબર હશે અને એને કાલ કરે છે કે નહીં એ પણ ચેક કરી જોજો!'

કાચીંડાની આ વાતથી ખિસકોલીનાં મનમાં શંકા ઉત્પન્ન થઈ. તે મનોમન વિચારવા લાગી -  'શું આ કાચીંડાની વાત સાચી હશે? શું ખરેખર, કાબર આવી હશે? ના,ના,એવું તે કેમ બને? એ તો મારી બેસ્ટ ફ્રેન્ડ છે. એ કદી મારા વિશે કોઇને ખરાબ વાત કરે જ નહીં...'

'શું વિચારમાં પડી ગયાં ખિસકોલીબેન! મારી વાત પર હજી તમને વિશ્વાસ નથી? આ તો હું તમારો પાડોશી છું એટલે થયું કે તમને આ કાબરની સચ્ચાઈ જણાવી દઉં. બાકી આજકાલ ભલાઇનો તો જમાનો જ નથી રહ્યો...' કાચીંડાએ ડોક જરા ઊંચી-નીચી કરીને કહ્યું અને પછી ત્યાંથી ચાલ્યો ગયો.

ખિસકોલી લીમડાભાઇ પાસે આવી. છાંયડે બેસીને તે વિચારવા લાગી- 'શું ખરેખર કાચીંડાની વાતો સાચી હશે? ના,ના...' ખિસકોલીનું મન માનવા તૈયાર નહોતું. કોઇને આ કહેવાય નહીં અને પોતાની બેસ્ટ ફ્રેન્ડ કાબર વિશે મનમાં શંકા રાખવી  એ પણ સારી વાત ન કહેવાય.

ખિસકોલી મનોમન મૂંઝાઈ રહી હતી. તે કોઈ નિર્ણય કરી શકતી નહોતી. તેની આ દશા લીમડાભાઇથી છાની ન રહી. તેને આમ બેચેન જોઇને લીમડાભાઇએ તરત જ પૂછયું-  'કેમ ખિસકોલી! ક્યારની આમ ઉદાસ અને બેચેન કેમ બેઠી છો? મનમાં કોઇ વાત છે? કોઈ મૂંઝવણ છે? તો મને જણાવ. '

'હા,લીમડાભાઇ... હું એક મૂંઝવણમાં મૂકાઇ ગઇ છું.વાત જાણે એમ છે કે...'

ખિસકોલીએ બધી જ વાત લીમડાભાઇને વિસ્તારથી કહી દીધી.

આ  બધું સાંભળીને લીમડાભાઇ ખડખડાટ હસી પડયા. આ જોઇને ખિસકોલીએ કહ્યું- 'મારી મૂંઝવણ સાંભળીને તમે હસો છો?'

લીમડાભાઇ બોલ્યા- 'હા, કેમ કે તું ખૂબ સરળ અને ભોળી છે! અને પેલો કાચીંડો લુચ્ચો અને અદેખો છે! એ તારી અને કાબરની ફ્રેન્ડશિપ તોડવા માગે છે. એથી એણે આ રીતે તારા કાન ભંભેર્યા છે.'

'ઓહ... એવી વાત છે?' ખિસકોલીએ કહ્યું.

'હા,ખિસકોલી! આ કાચીંડો તો આમ પણ રંગ-બદલુ છે! એની વાતોમાં આવીને તારે તારી બેસ્ટ ફ્રેન્ડને ખોઇ નાખવી છે?'

'ના,ના... કદી નહીં!' ખિસકોલીએ કહ્યું.

'તો પછી મનમાંથી કાચીંડાએ કહેલી બધી વાતો કાઢી નાખ!' લીમડાભાઇ બોલ્યા.

'હા, તમે ખરું કહો છો, લીમડાભાઇ! હું એ અદેખા કાચીંડાની વાતોથી ખોટી જ ચિંતિત થઇ રહી હતી!' ખિસકોલીએ કહ્યું.

લીમડાભાઇ બોલ્યા- 'હા, આમ બીજા કોઇની વાતો સાંભળીને આપણા બેસ્ટ ફ્રેન્ડ પર ક્યારેય શંકા કરવી ન જોઈએ!'

'સાચું, લીમડાભાઇ! સાવ સાચું..!' ખિસકોલીએ કહ્યું. હવે તેના મનની બધી મૂંઝવણ દૂર થઇ ગઇ હતી. હવે કોઇ શંકા રહી નહોતી. એથી તે ખૂબ જ ખુશ હતી. એટલામાં કાબર આવી. ખિસકોલી દોડીને તેને ભેટી પડી અને પછી બોલી - 'આવી ગઇ! મારી બેસ્ટ ફ્રેન્ડ! મિસ યુ, યાર!'

કાબર પણ બોલી- 'મને પણ તારા વગર બિલકુલ ગમતું નહોતું...'

ત્યાં વચ્ચે લીમડાભાઇ બોલ્યા- 'તમારા બન્ને વિના મને પણ જરાય ગમતું નહોતું!'

'એટલે તો અમે તમને છોડીને ક્યાંય જતાં નથી!' કાબર અને ખિસકોલી બન્ને સાથે જ બોલી ઉઠયાં. એ સાંભળીને લીમડાભાઇ લીલુંછમ હસી પડયા.

Tags :