- કોઈક વખત વાઘ ઘૂરકિયું કરી દે, પગે પડી રહેલો હોય તો પગની ઘંટી ચાટે કે દાંતથી રમે, પગ ખેંચી લેવો પડે.દાદીમાનો તે લાડકો હતો. છતાં દાદીમા કહે - 'હવે એને પાછો જંગલમાં મૂકી આવો. બંધાવું એને ગમતું નથી અને દૂધ-મલાઈ-કેળાં-રોટલી-ભાખરી તેને ખપતાં નથી.'
- મખ્ખનને યમના પેટમાં જ શોધવો પડશે!
- 'પણ દાદાજી, આ તમારો વાઘ નથી...'
- હરીશ નાયક
અમારા વાઘનું નામ - યમ.
દાદાજી જંગલમાંથી તેને લઈ આવ્યા ત્યારે તે સાવ નાનું બચ્ચું હતું. કેળનાં વૃક્ષો હેઠળ દબાયેલું હતું. એની માતાએ તેને ત્યજી દીધું હશે કે માતા મરી ગઈ હશે! આ સાવ નાનકડું ભૂલકું ઊંડાણમાં દબાઈને પડયું હતું. સારું કે દાદાજીની નજરે પડયું. નહીં તો કોઈ વરૂ, શિયાળ કે જરખ એને મારી નાખત.
દાદાજીની જંગલ ખાતામાં નોકરી હતી. તેઓ શિકારી ન હતા, પણ જંગલના રખેવાળ હતા. જંગલમાંથી ચોર લોકો ચોરી કરી વાઘ, વરૂ, શિયાળ, જરખ જેવાં પશુઓને પકડી જતાં, તેને વેચી મારતાં, જંગલી પશુઓ જીવતાં કે મરેલાં ઊંચા ભાવે વેચાતાં હોય છે. હાથીઓનો શિકાર કરી, હાથીદાંત વેચવાનો પણ છૂપો ધંધો ધમધોકાર ચાલે છે.
આવી જ એક 'રેઈડ' વખતે દાદાજીને આ વાઘડું મળ્યું. ત્યારે તો તે સાવ સૂકલું મુડદાલ અને દયામણું હતું. દાદીએ એનું નામ યમ પાડી દીધું. તેઓ કહે - 'આજે લાડકું છે, પણ જો જોને મોટો થશે એટલે સાક્ષાત્ યમ બની જશે.'
અમારું હેડક્વાર્ટર દહેરાદૂનમાં હતું. આપણા આ નાજુક નમણા બચ્ચાને અમારા વાંસના નિવાસસ્થાનમાં ફાવી ગયું. ઘરમાં ગમે ત્યાં તે ફરતું પણ તેની ખાસ જગા દીવાન-ખંડના સોફા પર હતી. કોઈને આવીને બેસવું હોય તો બાજુમાં બેસે, બાકી યમ ઊઠીને તેને માટે જગા કરી દે નહીં. ઘરનાં સિવાય બહારનાં કોઈ આવે તે યમને બહુ ગમે નહીં.
આ વાઘજીભાઈ ઘરનાં બાળકોના દોસ્ત હતા. મારી સાથે રમવાની તેને મઝા પડતી. હું જ્યારે તેને બજારમાં લઈ જતો ત્યારે લોકો આઘા પાછાં થઇ જતા. તેને જોઈને હસતા, પણ યમરાજામાં હજી યમ-વૃત્તિ આવી ન હતી.
અમારા રસોઈયા મખ્ખન સાથે જ તે રહે. મખ્ખનની પથારીમાં જ સૂવે. દાદી કહે - 'કોઈક વખતે આપણે મખ્ખનને શોધવો પડશે, યમના પેટમાં જ.'
જરા મોટો થતાં વાઘજીભાઈએ જાત બતાવવા માંડી. કોઈક વખત વાઘ ઘૂરકિયું કરી દે, પગે પડી રહેલો હોય તો પગની ઘંટી ચાટે કે દાંતથી રમે, પગ ખેંચી લેવો પડે.
દાદીમાનો તે લાડકો હતો. છતાં દાદીમા કહે - 'હવે એને પાછો જંગલમાં મૂકી આવો. બંધાવું એને ગમતું નથી અને દૂધ-મલાઈ-કેળાં-રોટલી-ભાખરી તેને ખપતાં નથી.'
તેની ઉંમર હજી છ મહિનાની જ થઈ હતી. અમારી સાથે દાદાજી કહે - 'આપણે એને પ્રાણીબાગમાં મૂકી આવીએ.'
નજીકમાં નજીકનો પ્રાણીબાગ લખનઉનો હતો. બસો માઈલ દૂર. દાદાજીને જવા-આવવાનું થતું. એકવખત પહેલા વર્ગમાં યમને સાથે લઈ દાદાજી લખનઉ પહોંચ્યા.
પ્રાણીબાગના અધિકારીઓ આવા તૈયાર, સમજુ પાળેલા વાઘને મેળવીને ઘણા રાજી થયા.
ટ્રેનમાં આવતી વખતે જ 'યમ'ની ખ્યાતિ વધી ગઈ હતી. લખનઉ પ્રાણીબાગ તો યમના નામથી જ ઓળખાવા લાગ્યું. ટોળેટોળાં લોકો સાક્ષાત્ યમનાં દર્શને આવવા લાગ્યા. છાપામાં તેના સમાચારો પ્રગટ થતા રહેતા.
લાંબા સમય સુધી દાદાજી પોતાના કામે લાગેલા રહ્યા. પછી એકાદ વર્ષે તેમને ફરીથી લખનઉ જવાનું થયું.
દાદાજી કંઈ 'યમ'ને મળ્યા વગર રહે? પોતાનું સરકારી કામ પત્યું કે તરત જ દાદાજી પહોંચ્યા પ્રાણીબાગમાં.
જે પાંજરામાં તેને વિધિસર મુકામ આપ્યો હતો, એ પાંજરા પાસે વહેલા વહેલા દોડી ગયા. એક કર્મચારી હમણાં જ ખાણી-પીણી મૂકીને ગયો હતો. દાદાજીએ તેને પૂછ્યું - 'યમ કોઈ તોફાન તો નથી કરતો ને? કોઈને તકલીફ આપે છે?'
પેલો કર્મચારી કંઈ જ સમજ્યો નહીં. હાથ ઊંધો કરીને બીજાં પાંજરાઓની સેવામાં ચાલ્યો ગયો.
દાદાજીએ પાંજરામાં હાથ નાખી વાઘને બોલાવ્યો. તેના નામથી અને ડચકારા બુચકારાથી વાઘ સળિયા નજીક આવ્યો. દાદાજીએ પૂરા વિશ્વાસથી વાઘને માથે હાથ ફેરવ્યો. તેના કાન નીચે તેને પંપાળ્યો. તેની સાથે વાત શરૂ કરી - 'કેમ યમરાજા, તમારું બાળપણ યાદ આવે છે કે? દાદી, છોકરાંઓ, મખ્ખન...?'
'એ-એ- શું કહો છો?' કરતો એક બીજો રખેવાળ દાદાજી પાસે દોડી આવ્યો.
દાદાજી તેને ઓળખી ગયા. જ્યારે તેઓ યમને અહીં મૂકવા આવ્યા ત્યારે આ જ પિંજરિયો હતો.
દાદાજી કહે - 'ઓહ! તમે જ કે? મને ઓળખ્યો કે નહીં? ગયા વર્ષે આ વાઘને હું જ અહીં મૂકી ગયો હતો, યાદ છે?'
પિંજરિયો આશ્ચર્ય, નવાઈ, કૌતુક પામીને કહે - 'હા, દાદાજી, યાદ છે, બરાબર યાદ છે, પણ...!'
'પણ શું?' દાદાજીએ પૂછ્યું. તેમનો હાથ રખેવાળે ક્યારનો ખેંચાવી લીધો હતો.
તે કહે - 'પણ દાદાજી, આ તમારો વાઘ નથી...'
'આ... યમ નથી?'
'હા અને ના...'
'એ વળી શું?'
'સાક્ષાત્ યમ છે, એટલે હા. અને તમારો યમ નથી એટલે ના. તમારા વાઘને તો ત્રણેક મહિના અગાઉ જ ન્યુમોનિયા થઈ ગયો હતો અને તે મરી ગયો. ત્યાર પછી આને પૂરવામાં આવ્યો છે. આને વિષે જાણો છો?'
'ના, કોઈ જાણવા જેવી વાત છે?'
'અરે દાદાજી, આ વાઘે તો તેહરીમ કાળો કકળાટ મચાવ્યો હતો. ઘેંટા, બકરાં, ગાય, ભેંસ તો ઠીક પણ એ તો માણસખાઉં બની ગયો હતો. ગામમાંથી ચાર માણસોને ઉપાડી ગયો હતો!'
'હેંએઅંઅં...!'
'અરે દાદાજી, એને પકડતાં તો અમારે દમ નીકળી ગયો. ઠેર ઠેર પાંજરાં ગોઠવ્યાં, ખાડા તૈયાર કર્યા, મારણો બાંધ્યા! અને જ્યારે પકડાયો ત્યારનો એનો તરફરાટ તમે જુઓ...'
દાદાજીએ જે હાથે આ સાક્ષાત્ યમરાજને પંપાળ્યા હતા. એ હાથને જ પંપાળવા લાગ્યા!


