- મમ્મી તો આ બધું સાંભળતી જ રહી ગઈ. કહે, 'શું આખો દિવસ દાદી-દાદી કર્યા કરે છે? તું નાનો કિકલો છે કે આખો દિવસ દાદા-દાદીના ખોળામાં રમ્યા કરે છે?'
- ઈશ્વર અંચેલીકર
આમ તો આરવની ઉંમર હજુ દસ વર્ષની હતી, પરંતુ એની સમજશક્તિ ખૂબ જ સમૃદ્ધ.
સ્કૂલમાં અવ્વલ નંબરે રહે. મોનિટર બની સૌને શિસ્તમાં રાખે.
આરવના પિતા શહેરમાં કાપડના મોટા વેપારી હતા. મમ્મી એમને ધંધામાં મદદરૂપ થતી. આરવ એનાં દાદા-દાદીનો ખૂબ જ વ્હાલો. સવારે ઊઠીને અને રાત્રે સૂતી વખતે એ દાદા-દાદીનાં ચરણસ્પર્શ અચૂક કરે.
આરવને કોઈ વાતની ખોટ નહોતી. હા, એને પૈસાનો ખોટો દેખાડો જરાય ન ગમતો.
એક દિવસની વાત છે. આરવના પિતાએ કહ્યું, 'બેટા આરવ, હવે તું માધ્યમિક સ્કૂલમાં આવી ગયો છે. તારી મમ્મીની ઇચ્છા છે કે આ વાતને સેલિબ્રેટ કરવી જોઈએ! એટલે મેં એક મોટી હોટલમાં સરસ મજાની પાર્ટીનું આયોજન કર્યું છે. અમે અમારા સૌ મિત્રોને ઇન્વ ાઇટ કર્યા છે. તારે પણ તારા મિત્રોને આમંત્રણ આપવું જોઈએ. તારા ફ્રેન્ડ્ઝને પણ લાગવું જોઈએ કે તું અમીર છો. તારી સાદાઈના કારણે કદાચ તારા દોસ્તો તને ગરીબ ગણી લેતા હશે.'
આરવ કહે, 'પપ્પા, કોઈની સામે સંપત્તિનો વેડફાટ કરવાથી કે ખોટા દેખાડા કરવાથી શાન વધતી નથી. શાન તો વધે છે, નિરાધાર લોકોનો આધાર બનવાથી. કોઈ બાળાશ્રમ, વૃદ્ધાશ્રમને તમારા ધનની વધારે જરૂર છે, તમારા મિત્રોને નહીં! તમે પાર્ટી ગોઠવશો એટલે અન્નનો વેડફાટ થશે. સૌ વાતોના તડાકા મારશે ને સમય પણ બગાડશે.'
દાદા આ વાતચીત સાંભળી રહ્યા હતા. એમણે કહ્યું, 'બેટા આરવ, નાની-મોટી ઉજવણી કરવામાં કશો વાંધો નથી. હું તારા પપ્પા જેટલો પૈસાદાર નહોતો, તો પણ અમે તારા પપ્પાની નાની-મોટી કામિયાબી જરૂર સેલિબ્રેટ કરતા. આપણે સૌ પાર્ટીમાં મજા કરીશું.'
આ સાંભળીને આરવના પપ્પાએ કહ્યું, 'બાપુજી, એમાં એવું છે કે પાર્ટીમાંડીજે હશે. ફિલ્મી ગીતો ગવાશે, સૌ ડાન્સ કરશે. આરવની મમ્મી કહે છે, તમને આવી ધમાલ નહીં ગમે. એટલે તમે અને બા ઘરે જ રહેજો. તમારા માટે ઓનલાઇન ગુજરાતી થાળી ઓર્ડર કરી દીધી છે. તે ખાઈને સૂઈ જજો!'
આ સાંભળીને આરવના દાદાજી ચુપ થઈ ગયા. નિરાશ થઈને તેઓ કહે, 'ઠીક છે, બેટા. તારી વાત સાચી છે. અમે રહ્યાં પીળાં પાંદડાં. આ ઉંમરે અમારે શું મજા કરવાની હોય? અમે ઘરે જ રહીશંુ. આમેય મારી તબિયત આજે ઠીક નથી લાગતી... '
આટલું કહીને દાદાજી પોતાનાં કમરામાં ચાલી ગયા.
આરવને આ વાત જરાય ગમી નહીં, પણ એ મૌન રહ્યો.
દાદાજીનું મોઢું ઉતરી ગયું હતું તે જોઈને દાદીએ પૂછ્યું, 'શું થયું? કેમ ઢીલા લાગો છો?'
'કશું થયું નથી. સહેજ થાક ગયો છું, એટલું જ.' આટલું કહીને દાદાએ વાત ટાળી દીધી.
આરવ સાથે એનાં મમ્મી-પપ્પા નિર્ધારીત સમયે હોટલ પર પહોંચી ગયાં. બન્નેના ખૂબ બધા મિત્રો પાર્ટી હોલમાં એકઠા થવા લાગ્યા. મમ્મી અને પપ્પા તો પોતપોતાના દોસ્તારોના ટોળામાં ખોવાઈ ગયા હતા.
આરવનું મન માનતું નહોતું. દાદા આજે ખરેખર બીમાર છે?
આરવી સૌની નજર ચૂકાવીને હોટલમાંથી બહાર આવી ગયો. એક ઑટો રિક્ષા પકડીને એ ઘરે પહોંચ્યો.
દાદા-દાદી એમના બેડરુમમાં ટીવી જોઈ રહ્યાં હતાં.
આરવને જોઈને દાદાજી કહે, 'અરે? આવી ગયા તમે લોકો?'
'હા, દાદાજી,' આરવે કહ્યું. એ બોલ્યો નહીં કે એ તો પાર્ટી છોડીને એકલો ઘરે આવી ગયો છે.
'દાદાજી, તમારી તબિયત કેમ છે?' આરવે પૂછ્યું.
'થોડી વાર પહેલાં ઉલ્ટી થઈ હતી, પણ હવે ઠીક છે.'
આરવને ચિંતા થઈ આવી.
દાદીએ પૂછ્યું, 'બેટા, પાર્ટી પૂરી થઈ ગઈ?'
'હા. દાદી, તમે જમી લીધું?'
'હા, બેટા. તમે પાર્ટી માટે નીકળ્યા ત્યારે જ અમારું ડીનર આવી ગયું હતું,' દાદાએ કહ્યું.
આરવ ક્યાંય સુધી દાદા-દાદીની વચ્ચે, બન્નેનો હાથ પકડીને બેસી રહ્યો. આખરે બન્નેનાં ચરણસ્પર્શ કરી એ પોતાના કમરામાં આવ્યો.
થોડી વારમાં મમ્મીનો ફોન આવ્યો:'અરે આરવ, ક્યાં છે તું? અમે સૌ તને અડધા કલાકથી શોધી રહ્યા છીએ. કેક કાપવાની છે...'
ત્યાં બહારથી કશોક અવાજ આવ્યો.
આરવે કહ્યું, 'મમ્મી, હું તને પછી ફોન કરું છું. મને લાગે છે કે દાદાની તબિયત બગડી છે. એમને વોમિટ થઈ હોય એવું લાગે છે. હું એમને દવા આપી આવું...'
આટલું કહીને આરવ સડસડાટ પોતાના કમરામાંથી બહાર દોડીને દાદા પાસે આવી ગયો. દાદાને ફરીથી ઉલ્ટી થઈ.
આરવ કહે, 'દાદાજી, તમે ચિંતા ન કરો. લો, આ દવા અને પાણી પી લો.'
આરવે દાદાની વોમિટ સાફ કરી. પહેરવા માટે તાજાં કપડાં આપ્યાં. પછી એમની બાજુમાં લપાઈ ગયો.
દાદી બોલ્યા, 'બેટા, તું હવે સૂઈ જા! દાદાને પણ સારું છે. એમને ઊંઘ પણ આવી ગઈ છે...'
'ના દાદી, આજે રાત્રે હું તમારા રુમમાં જ સૂઈશ. રાત્રે જરૂર પડે તો...' આરવ બોલ્યો.
આરવનાં મમ્મી-પપ્પાના ફોન આવતા રહ્યા, પણ દાદાજી ડિસ્ટર્બ ન થાય તે માટે આરવે પોતોનો ફોન સાયલન્ટ મોડ પર મૂકી દીધો હતો. તેથી તે એક પણ ફોન ઉપાડી શક્યો નહીં. એને તો દાદાની જ ચિંતા થતી હતી.
આખરે રાત્રે મોડે મોડે આરવનાં મમ્મી-પપ્પા ઘરે આવ્યાં. આરવ પોતાના કમરામાં નહોતો. બંન્નેનો ગુસ્સો આસમાને પહોંચી ગયો.
પપ્પા કહે, 'આ છોકરો બદતમીઝ થઈ ગયો છે. એને હવે સીધો કરવો પડશે...'
મમ્મી કહે, 'વાત સાચી છે. આજે મારી બધી ફ્રેન્ડ્ઝ સામે મારે નીચું જોવું પડયું. મારી કિટી પાર્ટીની પેલી મિસિસ દત્તા શું બોલી, ખબર છે? એ કહે, તું આવા દીકરાના વખાણ કરે છે, જે ચાલુ પાર્ટીએ નાસી જાય છે ને તારા ફોન પણ ઉપાડતો નથી? હું એને એક શબ્દ બોલી શકી ન શકી. શું બોલું?'
ત્યાં જ આરવ આવ્યો.
એ કહે, 'પપ્પા... મમ્મી! મેં તમારું દિલ દુખાવ્યું હોય તો, સોરી. મમ્મીનો ફોન આવ્યો હતો ત્યારે દાદાજીની તબિયત એકદમ બગડી હતી, એમણે વોમિટ કરી હતી. હું એ બધું સાફ કરવામાં, એમને દવા આપવામાં પડયો હતો... પણ તમે કેમ એક પણ વાર દાદાજીને ફોન કરીને ખબરઅંતર ન પૂછ્યા?'
પપ્પા ગુસ્સે થઈ ગયા, 'અરે... તારા દાદાની તબિયતની ચિંતા કરવા સિવાય અમારી પાસે બીજાં ઘણાં કામ છે... ્પાર્ટીમાં કેટલાય બિઝનેસ ક્લાયન્ટ્સ આવ્યા હતા. એમની સાથે મેં આજે પચાસ લાખના સોદા કરી નાખ્યા. એ બધું તારા માટે જ છને?'
આરવ કહે, 'પણ પપ્પા, દાદીએ મને શીખવ્યું છે કે સંતાન સંસ્કારી હોય તો ધન શા માટે ભેગું કરવું? સાચું ધન તો મા-બાપ તરફથી મળેલાં સંસ્કારો છે. સંતાન જો અસંસ્કારી હોય તો એને ધન શા માટે આપવું? એ તો ધનનો વેડફાટ જ કરશે... '
મમ્મી તો આ બધું સાંભળતી જ રહી ગઈ. કહે, 'શું આખો દિવસ દાદી-દાદી કર્યા કરે છે? તું નાનો કિકલો છે કે આખો દિવસ દાદા-દાદીના ખોળામાં રમ્યા કરે છે?'
આરવ કહે, 'મમ્મી, યાદ રાખો... કુદરતની કરવત આવતાં જતાં બંને વખત લાકડું કાપે છે! તમારી યુવાની પણ જતી રહેશે. તમે પણ એક દિવસ દાદા-દાદી જેવાં અશક્ત બની જશો. શું ત્યારે મારે પણ તમારાં પગલે ચાલવું જોઈએ? શું તમે મને એવા સંસ્કાર આપવા માગો છો? અને ઘડપણમાં ઓનલાઈન ફૂડ ખાવાનું? આવું ખાવાનું કેટલું અનહેલ્દી હોય! મમ્મી, તેં દાદા-દાદી માટે ઓનલાઈન થાળી ઓર્ડર કરી દીધી એના બદલે બીજી કંઈક વ્યવસ્થા કરી હોત તો?'
મમ્મી કશુંય બોલવા જાય ત્યાં તો દાદી રઘવાયાં થતાં પોતાના ઓરડામાંથી બહાર આવ્યાં અને લગભગ ચીસ પાડીને બોલ્યાં, 'આરવ... તારા દાદા આપણને છોડીને જતા રહ્યા....'
...અને દાદીમા મોંફાટ રડી પડયાં.
આરવ સ્તબ્ધ થઈ ગયો. દાદાજી મૃત્યુ પામ્યા?ને બીજી પળે એ પણ મોટેથી રડી પડયો.
મમ્મી-પપ્પા પૂતળાની જેમ ઊભાં હતાં. રડવું તો એમને પણ આવ્યું હતું, પણ એમના હોઠ સીવાઈ ગયા..


