ખેતીમાં કલમ પધ્ધતિ બીજ વિના જ વૃક્ષ ઊગે
દરેક શાકભાજીના ફળોમાં બી હોય છે. અનાજ અને કઠોળના પણ બિયારણ હોય છે. બીજને જમીનમાં વાવવાથી છોડ કે વૃક્ષ ઊગે. આ કુદરતી ક્રમ છે. માણસ કે પશુપક્ષીઓ મોટા ભાગે ફળોનાં બીજ ખાતાં નથી એટલે વંશવૃદ્ધિ સરળતાથી થાય છે. માણસ અનાજ
ઉપરાંત ફળો અને ફૂલોની ખેતી કરે છે. કેરી, સફરજન, ચીકુ, લીંબુ જેવા ફળો મોટા વૃક્ષ ઉપર થાય છે. તેના બીજ વાવ્યા પછી વર્ષો બાદ તેમાં કેરી આવે. આવા વૃક્ષ ઝડપથી મોટા થાય તે માટે ખેતીમાં કલમ પધ્ધતિનો ઉપયોગ થાય છે. જેમાં બી વાવવાની જરૂર નથી. તમે ગુલાબ કે કોઈ વૃક્ષની ડાળી જોશો તો તેમાં કેટલીક જગ્યાએ આંખ આકારના ખાડા હોય છે. આ ખાડા અંકુર હોય છે અને તેમાંથી નવંુ વૃક્ષ ઊગી શકે છે. આવી ડાળીનો નાનકડો ટૂકડો જમીનમાં ખોસવાથી તે ઊગી નીકળે છે અને વૃક્ષ તરીકે વિકાસ પામે છે. જમીનમાં વાવતા પહેલા ડાળી પર ત્રાંસો છેદ કરવામાં આવે છે. એટલે તેને કલમ કહેવાય છે. આવા વૃક્ષોને કલમી વૃક્ષ કહેવાય છે. તે ઝડપથી વિકાસ પામે છે. આંબાની વાડીમાં કલમી આંબાનું પ્રમાણ વધુ હોય છે.