ગૂગલમાં મધપૂડો .
- કિરીટ ગોસ્વામી
- રીંછભાઇએ ઘણું બધું મધ એકઠું કર્યું. પછી ધરાઇને મનભાવન મધ ખાધું. વધેલા મધની જાગતી આંખે ચોકી કરવા લાગ્યા.
એવામાં એમની પાસે કીડી આવી. કીડીએ કહ્યું- - 'રીંછભાઇ! બહુ ભૂખ લાગી છેત થોડું મધ આપોને!'
'ના... હો! મધ એમ ના મળે! મેં આ મધ બહુ મહેનત કરીને એકઠું કરેલું છે! ને તું મફતમાં મધ ખાવા ચાલી આવી? ભાગ, અહીંથી!' રીંછભાઇએ ડોળા કાઢીને કીડીને ભગાડી.
રીંછભાઇના આવા જવાબથી કીડીને તો ખોટું લાગી ગયું.
રડતી રડતી કીડી તો ખિસકોલી પાસે ગઈ-'રીંછભાઇ પાસે ઘણું મધ છે, પણ મને જરાકેય મધ ખાવા આપતા નથી!'
'એમ?' ખિસકોલીએ પુછયું.
'હા!' કહીને કીડી બોલી- 'ને મને ડોળા કાઢી ડરાવી દીધી!'
'ઓહોહો! આવું કરે છે આ રીંછડો!' ખિસકોલીએ નારાજ થઇને કહ્યું.
'હા,મારે મધ ખાવું છે! કંઇક કરોને, ખિસકોલીબેન!' કીડીએ કહ્યું.
'અમ્મ્...' કરતી ખિસકોલી મગજને કસવા લાગી. એવામાં તેને એક યુક્તિ સૂઝી! તે કીડીને કહે -'ચાલ, મારી સાથે!'
કીડી અને ખિસકોલી બંને ખૂબ મધ ખાઈને રીંછભાઇ પડયા હતા ત્યાં જઈ પહોંચ્યાં.
જઈને ખિસકોલીએ રીંછને પૂછયું - 'આ શું કરો છો, રીંછભાઇ?'
'અરે, દેખાતું નથી? હું મારા મધની ચોકી કરું છું!' રીંછભાઇએ ઘોઘરા અવાજે કહ્યું.
ખિસકોલીએ ખી-ખી હસી પડતાં કહ્યું, 'આટલાંક જ મધની ચોકી? રીંછભાઇ તમે તો...' ફરી ખિસકોલી હસતી રહી.
રીંછભાઇ ગુસ્સાભેર બોલ્યા- 'આટલુંક જ નથી! આ ઘણું મધ છે! ને ખૂબ મહેનત કરીને મેં આ મધ એકઠું કર્યું છે. એટલે ચોકી તો કરવી જ પડે ને!'
'પણ તમારે આનાથી પણ વધારે મધ જોઈએ છે? ને એ પણ બિલકુલ મહેનત વિના?' ખિસકોલીએ કહ્યું.
'હેં... ક્યાં છે? ક્યાં છે? હજી વધારે મધ? મહેનત વિના મધ?'રીંછભાઇએ જીભ લપલપાવતાં પૂછયું.
'હા! મહેનત વિના જ !' ખિસકોલીએ એમ કહીને પોતાના મોબાઈલમાં ગૂગલ ખોલી એમાં મધ બતાવતાં રીંછભાઇને કહ્યું -'આમાં તો મધના દરિયા છે! આવો મારી સાથે!'
આટલું કહીને ખિસકોલી દોડી. લાલચુ રીંછભાઇએ ગૂગલમાં દેખાતા મધપૂડાને સાચો માનીને ખિસકોલીની પાછળ દોટ લગાવી.
આ તરફ કીડીએ રીંછભાઇના સંઘરેલા મધમાંથી ધરાઈને મધ ખાઇ લીધું! ને રાજીના રેડ થઈ ગઈ!