સારું કામ : સારી રસોઈ .
ઘણી વાર માણસથી ભલાઈના કામ થઈ જાય છે.
એક ભાઈથી પણ એવું ભલાઈનું કામ થઈ ગયું. તેમનું નામ રાજુભાઈ.
રાજુભાઈની ભલાઈથી મિત્રોને ઘણો ફાયદો થયો. સાથીઓ ઉપર ઉપકાર થયો. પાડોસીઓ ઉપર પાડ થયો.
લોકો રાજુભાઈની ભારે પ્રશંસા કરવા લાગ્યા.
રાજુભાઈ એથી રાજી રાજી થઈ ગયા.
પણ સમય પસાર થઈ ગયો. લોકો ફરી ફરીને ક્યાં સુધી પ્રશંસા કરે? વાહવાહી તે વળી કેટલા દિવસ સુધીની હોય?
રાજુભાઈ એક દિવસ એકલા બેઠા હતા ત્યારે તેમને આ વાત યાદ આવી. તેમનો ઉપકાર તેમના સાથીઓ ભૂલી ગયા છે, એ વાતનો તેમને ખ્યાલ આવ્યો.
તેમની સ્ત્રી તેમને ખાવા બોલાવતી હતી છતાં તેમનું ધ્યાન ન હતું. તેઓ તો મનોમન દુ:ખી થતાં હતા 'દુનિયા કેવી છે? ઉપકારને ભૂલતાં વાર જ થતી નથી !'
સ્ત્રીએ જ્યારે આગ્રહ કરીને પૂછ્યું : 'શી ચિંતામાં પડયા છો?'
ત્યારે તેમણે વાત કહી, 'આ લોકો કેવા છે? ભલાઈને ભૂલતાં વાર જ નથી લાગતી?'
સ્ત્રી હસી. તે કહે, 'મારી રસોઈ કેવી થઈ છે?'
મન ન હતું છતાં રસોઈ ચાખી. રાજુભાઈ કહે : 'સારી થઈ છે.'
સ્ત્રી કહે : 'રોજ કેવી થાય છે ?'
રાજુભાઈ કહે : 'રોજ સારી થાય છે.'
સ્ત્રી કહે : 'એકાદ દિવસ રસોઈ બગડી જાય તો? કોઈ વાર દાળમાં મીઠું વધારે પડી જાય. શાક બળી જાય. ભાત ચોંટી જાય તો તમને કેવું લાગે?'
રાજુભાઈ કહે : 'ના. એવું ન ચાલે. રસોઈ તો કાયમ સારી જ થવી જોઈએ.'
સ્ત્રી કહે : 'એવું જ જીવનનું છે. રસોઈ જેમ હંમેશા સારી જ થવી જોઈએ તેમજ આપણાથી હંમેશાં ભલાઈના કામ જ થવા જોઈએ. રસોઈ એક વખત સારી થવાથી કોઈ કાયમ પ્રશંસા કરવાનું નથી અને રસોઈ તો સારી જ થવી જોઈએ. એક વખત સારી રસોઈની આદત પડશે પછી પ્રશંસાની જરૂર નહીં રહે. સારાં કામોની સારી રસોઈની જેમ આદત પડી જવી જોઈએ. પછી જમનારને સંતોષ અને આનંદ જ થશે અને લોકો ગુણ ગાય છે કે નહીં તેની પરવા પણ નહીં રહે. ભલા કામ કર્યા પછી તેના ગુણગાનની આશા રાખવી તે ભલાઈ કરીને કૂવામાં નાખવા જેવી વાત છે.'
રાજુભાઈને જમતાં જમતાં જીવન જીવવાની સાચી વાત સમજાઈ ગઈ.