- એક ચકલી ચીં ચીં કરી રહી હતી. મોન્ટુને થયું આ પંખીઓને પણ ગરમી લાગતી હશે. બિચારાંને ઉનાળામાં પાણી પણ નહીં મળતું હોય.
- કીર્તિ પટેલ 'ઓજસ'
ઉનાળાના દિવસો હતા. સખત ગરમી પડતી હતી. રસ્તાઓ બપોરે સૂમસામ થઈ જતા. પંખીઓ માળામાં લપાઈ જતાં.
વેકેશન હોવાથી મોન્ટુ પણ ઘરની બહાર નીકળતો નહીં. પરી કહે ; 'મોન્ટુ, ઘરની બહાર નીકળીએ તો લૂ લાગી જાય.'
મોન્ટુ અને પરી ઘરમાં જ રમતાં. મમ્મી માટલાનું ઠંડું પાણી આપે, શરબત આપે. મોન્ટુ અને પરીને સમજાવે કે આવી ઉનાળાની ગરમીમાં બહાર નીકળીએ તો બીમાર પડી જવાય.
મોન્ટુને ઘરમાં ગમતું નહીં. એ બારી બહાર જોતો હતો.
તેવામાં એક ચકલી ચીં ચીં કરી રહી હતી.
મોન્ટુને થયું આ પંખીઓને પણ ગરમી લાગતી હશે. બિચારાંને ઉનાળામાં પાણી પણ નહીં મળતું હોય.
મોન્ટુ ધીરે રહીને ઊભો થયો. એણે માટીનાં કૂંડામાં પાણી ભર્યું. પછી બારીમાંથી જોવા લાગ્યો.
થોડીવાર થઈ એટલે ચકી-ચકો એ કૂંડામાંથી પાણી પીવા આવ્યાં અને પાંખો ફફડાવીને નહાવા લાગ્યાં. પછી તો કાબર, કબૂતર, હોલો જેવા પંખીઓ પણ આવવા લાગ્યા.
મોન્ટુએ પરીને આ બતાવ્યું. બંને ભાઈ-બહેનને પાણી પીતા અને પાણીમાં મસ્તી કરતાં પંખીઓને જોઈને બહુ મજા પડતી.
સાંજના સમયે રમવા બહાર નીકળ્યા એટલે મિત્રોપણ સમજાવ્યા. તેમણે સૌએ બધા ભેગા મળી ઠેર-ઠેર પાણીનાં કૂંડાં ભર્યા ઘરે ઘરે જઈ એક-એક મુઠ્ઠી દાણા ભેગા કર્યા. વડીલો પણ બાળકોની સેવા પ્રવૃત્તિમાં જોડાયા.
સૌએ આંગણામાં, ઓસરીમાં, છત પર પાણીનાં કૂડાં ભર્યા. આવી આનંદદાયી અને સેવાની પ્રવૃત્તિથી સૌ ખુશ થયાં.
બધાં જ બાળકો ગાવા લાગ્યાં;
'આવો પોપટભાઈ,
આવો ચકલીબેન,
અમારા આંગણે આવો,
પાણીનાં પાણી પીજો,
પાંખો ફફડાવીને ન્હાજો,
દાણા ખાજો, પાણી પીજો,
ગીત મધુરાં ગાજો.'


