mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ગોલ્ડી માછલી અને બન્ની બગલો .

Updated: Sep 15th, 2023

ગોલ્ડી માછલી અને બન્ની બગલો                        . 1 - image


- ગોલ્ડી માછલીએ મદદ માટે બૂમો પાડી,  બચાવો બચાવો... એણે જોયું તો આ બાજુથી વાવાઝોડું અને પેલી બાજુથી શિકાર કરવા નીકળેલો બન્ની બગલો એના મિત્રો. ગોલ્ડી માછલીને મમ્મી અને એના દોસ્તો યાદ આવ્યાં. 

પારુલ અમિત 'પંખુડી'

આ જે સવારથી વાવાઝોડાની એલર્ટના સમાચાર ચારે બાજુ આવી રહ્યા હતા. વાવાઝોડું દરિયામાં આવી ચૂક્યું હતું.

દરિયાદાદાએ દરિયામાં રહેતા તમામ નાના મોટા જીવને મેસેજ કરી દીધો હતો અને સમાચાર પણ મોકલી દીધા હતા.

સમાચાર મળતાં જ ગોલ્ડી માછલીની મમ્મીએ એને કહી દીધું હતું કે, 'ગોલ્ડુ બેટા, આજે ઘરે જ રહેવાનું છે અને હા, વાવાઝોડાના કારણે લાઈટો જશે એટલે મોબાઈલ પણ રમવાનો નથી.'

પરંતુ ગોલ્ડી માછલી માને ખરી? એણે તો કાનમાં ઈયર ફોન ભરાવી રાખ્યા હતા. એની મમ્મીની વાત એણે સાંભળી જ ક્યાં હતી.

હવે ગોલ્ડી માછલી ફુટબોલ રમવાની જીદે ચડી હતી. તેની મમ્મી એને વારંવાર સમજાવી તે છતાં પણ એને તો રમવું હતું.

ગોલ્ડી માછલીને મમ્મીએ વોર્નિંગ આપી દીધી આજે ક્યાંય બહાર રમવા જવાનું નથી.

પરંતુ ગોલ્ડી માછલી તો ભારે જિદ્દી. એને સાંભળ્યું ના સાંભળ્યું કર્યું. મોબાઈલમાં એના વોટ્સએપ ગુ્રપના દોસ્તો કલ્લુ કાચબો, કિત્તુ કરચલો, ઝિલ્લુ ઝીંગા, અન્ના ઓક્ટોપસને અને ડીગ્ગી દેડકીને ઈન્વાઈટ કર્યા કે 'હલો ફ્રેન્ડ્સ, આપણે કલાકમાં દરિયા કાંઠે ફુટબોલ રમવા ભેગાં થઈએ છીએ.'

બધા દોસ્તોએ ના પાડી કે આજે વાવાઝોડાની પધરામણી છે અને વાવાઝોડાથી બધા થરથરે છે. આપણને દરિયાકાંઠે જોઈ દરિયા દાદા ખીજાશે એ અલગ.

પણ ઉતાવળી ગોલ્ડી માછલીએ દોસ્તોના રિપ્લાય જોયા નહીં.

એની મમ્મી એને ઘણીવાર કેહતી હતી કે તારી ઉતાવળ કરવાની આદત સુધાર. વાતે વાતે સ્ટેટસ મૂકવાની આદતના કારણે ક્યારેક તને પસ્તાવો થશે.

પરંતુ ગોલ્ડી માછલીને તો ખાધું, પીધું, રમવું, આ બધું સ્ટેટસમાં મુકવાની આદત. ગોલ્ડ માછલીએ તો સ્પોર્ટ શૂઝ પહેયાંર્ ડિજિટલ વોચ પહેરી, અને ગળે સ્કાર્ફ બાંધી, સેલ્ફી પાડી સ્ટેટસમાં મૂકી. પછી એ તો ચાલી ફૂટબોલ રમવા. એ ગીત ગાવા લાગીઃ

'ગોલ્ડી માછલી ફૂટબોલ રમતી'તી

ગોલ્ડી માછલી ફૂટબોલ રમતી'તી

સ્પોર્ટ્સનાં બૂટ પહેરી લટક મટક કરતી'તી

ગોલ્ડી માછલી ફૂટબોલ રમતી'તી

હાથમાં પહેરી એણે તો વોચ, 

કાને ઈયર ફોન

સૌ એને અચરજથી જોતા આ તો છે કોણ?

સ્પોર્ટ્સનાં પહેરી કપડાં ચમક ચમક થતી'તી

ગોલ્ડી માછલી ફૂટબોલ રમતી'તી

નાકમાં પહેરી નથ ને ગળામાં રેશમી સ્કાર્ફ

ભૂલ વાવઝોડાની વાત દરિયાઈ રમત રમતી'તી

ગોલ્ડી માછલી ફૂટબોલ રમતી'તી...'

બીજી બાજુ બન્ની બગલો અને તેના ફ્રેન્ડ આજના મસ્ત મજાના વરસાદી વાતાવરણમાં માછલીનાં ભજીયા ખાવાનો પ્લાન કરી રહ્યા હતા.

તેઓ વિચારી રહ્યા હતા કે આવા વાતાવરણમાં કોઈ મળી જાય તો મોજ 

પડી જાય.

એટલામાં તો બગલાએ જોયું કે ગોલ્ડી માછલીએ એના સ્ટેટસમાં લખ્યું છે કે ગોલ્ડી ગોઈન્ગ ફોર ફૂટબોલ મેચ.

મોકાનો ફાયદો ઉઠાવી બન્ની બગલાએ પણ એના વ્હોટ્સએપ ફ્રેન્ડને દરિયાકિનારે ઈન્વાઈટ કર્યા મિજબાની કરવા માટે.

વાતાવરણ ધીમેધીમે પલટાઈ રહ્યું હતું. લાલચી બગલાએ પણ વાતાવરણની પરવા કર્યા વગર નીકળી પડયા.

એમની પાંખો થાકી રહી હતી, પરંતુ માછલી ખાવાની જીદે ચડેલા લાલચી બગલાઓ દરિયાકિનારે જવા માટે નીકળી પડયા.

આ બાજુ સવારથી લાઈટ ના હોવાના કારણે ગોલ્ડી માછલીના મોબાઈલમાં બેટરી લૉ હતી એણે એ પણ દરકાર ન લીધી કે એના ફ્રેન્ડ આવી રહ્યા છે કે નહીં. એણે તો સ્ટેટસ મૂકી દીધું, બસ.

ફૂટબોલ લઈને ગોલ્ડી માછલી પહોંચી દરિયા કાંઠે.

વાવાઝોડું જોરથી ફૂંકાયું. દરિયાનાં મોજાં જોરથી ઉછળવા લાગ્યાં. માછલીને તો લાગી બીક. એણે જોયું કે વરસાદી વાતાવરણ અને વાવાઝોડાના કારણે એને કશું દેખાતું નહોતું.

અને આ શું? એનો મોબાઈલ પણ સ્વિચ ઓફ થઈ ગયો હતો.

વાવાઝોડાથી ગોલ્ડી બેલેન્સ ગુમાવી રહી હતી. એ જોરજોરથી રડી હતી.

એણે મદદ માટે બૂમો પાડી,  બચાવો બચાવો... એણે જોયું તો આ બાજુથી વાવાઝોડું અને પેલી બાજુથી શિકાર કરવા નીકળેલો બન્ની બગલો એના મિત્રો.  

ગોલ્ડી માછલીને મમ્મી અને એના દોસ્તો યાદ આવ્યાં. રડતાં રડતાં બોલીઃ નક્કી આજે ખેલ ખતમ. એનો ફૂટબોલ છટકીને રગડતો રગડતો ડીગ્ગી દેડકી પાસે ત્યાં પહોંચ્યો. 

ફૂટબોલની હાલત જોઈ એને શંકા ગઈ. એણે મિત્રોને ફોન કર્યાં.

થોડીવારે ડીગ્ગી દેડકી, કલ્લુ કાચબો, કિત્તુ કરચલો, ઝિલ્લુ ઝીંગા, અન્ના ઓક્ટોપસ આવી પહોંચ્યાં. પરંતુ વાવાઝોડાના જોર સામે એ આગળ વધી નહોતાં શકતાં. બધાં એકબીજાને પકડી ધીમે ધીમે આગળ વધ્યાં.

તેમણે ફટાફટ દરિયા દાદાના ઉછળતાં મોજાં સામે ગોલ્ડી માછલીને બચાવવા આવ્યાં.

પણ આ શું? બન્ની બગલા અને એના દોસ્તો ગોલ્ડીને ચાંચમાં પકડી ઊડી રહ્યા હતા.

બધા મિત્રો દરિયા દાદાને મદદ માટે વિનંતી કરવા લાગ્યા. 

પોતાનાં વ્હાલાં બચ્ચાંની વાત સાંભળી દરિયા દાદાએ એવાં મોજાં ઉછાળ્યા, એવાં મોજાં ઉછાળ્યા કે બન્ની બગલાની ચાંચમાંથી ગોલ્ડી માછલી ઊછળીને સીધી અન્ના ઓક્ટોપસના ખોળામાં.

ભયંકર વાવાઝોડાં સામે ફૂટબોલ રમવાની જીદ ગોલ્ડીને ભારી પડી. માછલીની મિજબાની લાલચમાં બન્ની બગલા અને તેના મિત્રોએ પોતાની પાંખો ગુમાવવી પડી.

ગોલ્ડી માછલીએ દરિયા દાદા અને મિત્રોનો આભાર માન્યો અને મનોમન મમ્મીની પણ માફી માગી. મોટાઓની વાત ધ્યાનથી સાંભળી અનુસરવી જોઈએ અને સોશિયલ મિડીયાથી દૂર રહેવું જોઈએ.

દરિયાઈ જીવો ને ખુશખુશાલ વાવાઝોડું પણ શાંત થઈ ગયું. 

Gujarat