Get The App

ભગવાનનો બોધ, ભગવાનની ચાલાકી

Updated: Jun 6th, 2025

GS TEAM

Google News
Google News
ભગવાનનો બોધ, ભગવાનની ચાલાકી 1 - image

ભગવાન બુદ્ધ પાસે એક ઇચ્છુક આવ્યો. કહે : 'ભગવાન, કોઈ ઉપદેશ આપો.'

ભગવાન કહે : 'અત્યારે જ અમલમાં મૂકશે કે પછી...?' પેલો કહે : 'આજે તો બહુ કામ છે. આજે તો ખાલી પૂછવા જ આવ્યો છું.'

ભગવાન કહે : 'ઠીક ત્યારે, જ્યારે તું અમલ કરી શકે ત્યારે આવજે. ઉપદેશ તૈયાર જ છે.'

ઇચ્છુક કહે : 'ભગવાન તૈયાર છે તો આપી જ રાખો ને! મારે જ્યારે જરૂર પડશે ત્યારે હું તેનો ઉપયોગ કરીશ, મારા ધનનું પણ હું તેમ જ કરું છું.' ભગવાને કહ્યું : 'ધારો કે એક મકાનમાં તું છું. કાષ્ટનું મકાન છે. એકદમ જ તેમાં આગ લાગી. બચવાની કોઈ શક્યતા જ નથી. લોકો બહારથી બૂમ પાડી રહ્યા છે, નીકળી આવ, બહાર આવી જાવ, જલદી કરો, સ્ફૂર્તિ કર...'

ભગવાને વાત અટકાવી, આગ ભડકાવી કહ્યું: 'ઉત્સુક, કહે જોઈએ, કે તું એકદમ જ બહાર આવશે કે પછીથી, બીજે દિવસે?'

ભક્તો કદાચ ભગવાનનાય માથાના હોય છે. દોઢડાહ્યા જ કહો ને! પેલાએ તો પૂછ્યું: 'પણ ભગવાન, અત્યારે આગ ક્યાં લાગી છે? ઉપદેશ આપો જ.'

ભગવાન બુદ્ધે ઉપદેશ આપી દીધો.

'આગ લાગે ત્યાં સુધીની રાહ જો, બસ!'

પેલા ભક્તને ઉપદેશ મળી ગયો. ભગવાન બુદ્ધનો ઉપદેશ હતો, પછી જોઈએ શું?

જ્યારે જ્યારે તે મળતો ત્યારે કહે : 'ભગવાન, હજી આગ નથી લાગી.' તાત્પર્ય કે, હજી ભૂસકો મારવાની જરૂર નથી.

થોડાં વર્ષો પછી પાછી મુલાકાત થઈ. પ્રશ્નાર્થી કહે : 'ભગવાન, આગ નથી લાગી.'

વખતોવખત, વર્ષોવર્ષે તે ભગવાનને મળતો જ રહ્યો. કહેતો જ રહ્યો : 'ભગવાન, આગ નથી લાગી. નથી લાગી, નથી લાગી.'

તે દરમિયાનમાં તે કંઈ કેટલાય મૃતકોને આગમાં ભસ્મીભૂત કરી આવ્યો. તે આગ ચાંપતો જ રહ્યો. એ કોઈ જ આગ એને દેખાઈ નહિ. એ જ દિવસ તે જાતે જ મરવા પડયો. મર્યો જ સમજો ને!

પેલી બધી ચિતાઓની આગ તેને દેખાવા લાગી, વળગવા લાગી, તેની ફરતે ગુંચવાવા-ગૂંથાવા લાગી. ભડભડતી જ્વાળાઓમાં તે શેકાવા સિઝાવા બળવા લાગ્યો. જોરજોરથી બૂમો પાડવા લાગ્યો : 'ભગવાન! આગ લાગી, જુઓ કે જુઓ, લાગી રે લાગી, ભગવાન! તમારો ઉપદેશ, તમારો બોધ, તમારી આજ્ઞાા...'

ભગવાનના શબ્દો આગની જ્વાળા દ્વારા, તણખા અને તડતડ દ્વારા બહાર આવતા હતા : 'રાહ જો ભક્ત, ઇચ્છુક, રાહ જો....'