ભગવાન પર મુકાદ઼્મો .
- ભગવાન જો અપરાધી સાબિત થાય તો?
- 'ન્યાય માટે તો લડવું જ પડે ને! આ તમારી કોર્ટ શું છે? આપણે સાચા હોઈએ તો સાચા સાબિત કરવા કાં રણક્ષેત્રમાં જવું પડે, કાં કોર્ટમાં જવું પડે!'
- 'જેને મારામાં શ્રદ્ધા છે તે. જેઓ મને ઓળખે છે અને ઓળખવા માગે છે તે. જેઓ મને મેળવવા માગે છે તે. મારી અને એની વચમાં કોઈ દોરા-ધાગા કે તાવીજ-મંત્રની જરૂર નથી. બાકી ઋતુ-ઋતુનું કામ કરશે જ.
- હું જે કંઈ કહીશ તે સાચું જ કહીશ...
- તમારે નામે જે કંઈ થાય એની જવાબદારી તમારી નથી?
હરીશ નાયક
ન્યાય એટલે ન્યાય. ન્યાયથી કોઈ પર નથી. ભગવાન પણ નહીં. જો ભગવાન ગુનો કરે તો ભગવાન પર પણ કામ ચલાવી શકાય. ભગવાન જે કંઈ કરે તે સારું જ કરે, એવું ન્યાય વિચારી શકે નહીં.
ભગવાન ઉપર આરોપ હોય તો ભગવાને કોર્ટમાં હાજર થવું જ પડે. કોર્ટના સમન્સથી કોઈ ઊંચું નથી.
ભગવાન હાજર જ હતા. અદાલતના સાક્ષીના પીંજરામાં આવીને ઊભા રહ્યા.
ભગવાન સામે હાજર હતો - દત્તુ. જી હા,ડિટેક્ટિવ દત્તુ. ન્યાયની દુનિયામાં કોઈ મોટું નથી, કોઈ નાનું નથી. ન્યાય બધાને માટે સરખો છે અને ન્યાયને માટે બધા સરખા છે.
દત્તુએ ભગવાનને પૂછ્યું 'જેને લોકો ભગવાન કહે છે, તે આપ છો?'
ભગવાન કહે : 'હું એવું માનું છું ખરો.'
'અહીં માનવાની વાત ન ચાલે. જે કંઈ સાચું હોય તે કહો, મિસ્ટર ભગવાન!'
'આ સવાલનો જવાબ હું આપી શકું તેમ નથી. સવાલ મારા માનવાનો નથી. લોકો મને ભગવાન માનતા હોય તો હું શું કરું? બાકી હું ય નિધિ અને વિધિને આધીન છું. કાળનું ચક્ર છે. સમયની બલિહારી છે. એ ઘટનાક્રમથી હુંય પર નથી...'
વકીલ દત્તુએ આગળ ઉપર સોગંદ લેવડાવ્યા.
'ભગવાન! ગીતા પર હાથ મૂકીને કહો કે જે કઈ કહીશ તે સાચું કહીશ, સાચું કહીશ અને સાચું જ કહીશ.'
ભગવાન ગીતા જોઈને રાજી થયા. તેઓ કહે : 'આ ગીતા તો મેં જ લખી છે. એમાં બધી સાચી જ વાતો લખેલી છે, મારી લખેલી વાતનો હવાલો મારે જ આપવાનો?'
દત્તુ જરા નારાજ થયો. તે કહે : 'આ ગીતા તમે જ લખી છે એટલે? કેવી રીતે લખી છે? ઇન્ડિપેનથી, પેન્સિલથી કે રિફિલથી?'
ભગવાન કહે : 'વાત એવી છે નામદાર! કે આ ગીતા મેં લખેલી નથી, પણ...'
'પહેલા કહો છો કે ગીતા તમે લખેલી છે અને હવે કહો છો તમે લખી નથી? તમારા વિધાનો વિરોધાભાસી છે. સાચેસાચું કહો, ગીતા તમે લખી છે કે નહીં?'
'હા અને ના.'
'એ વળી શું?'
'એનો અર્થ એમ કે ગીતાના શબ્દો મારા છે. એમાંનો એક-એક શબ્દ મારો બોલાયેલો છે. કુરુક્ષેત્રના રણક્ષેત્રમાં આ ગીતા હું બોલ્યો છું.'
'રણક્ષેત્રમાં કોઈ આટલું બધું બોલે?'
'બોલ્યો. હા બોલવું પડે તેમ હતું. નહીં તો અર્જુન લડવા તૈયાર ન હતો.'
'એટલે તમે લોકોને લડાવવાનું કામ કરો છો, મિસ્ટર ભગવાન?'
'ન્યાય માટે તો લડવું જ પડે ને! આ તમારી કોર્ટ શું છે? આપણે સાચા હોઈએ તો સાચા સાબિત કરવા કાં રણક્ષેત્રમાં જવું પડે, કાં કોર્ટમાં જવું પડે!'
ગીતા તમે બોલ્યા હતા, ખરું?'
'ખરું. એ મારા દ્વારા બોલાયેલા પાઠ છે.'
'તો પછી ગીતા મેં લખી, એમ કેમ કહો છો?'
'ભૂલ થઈ ગઈ નામદાર! હું તો બોલક છું. એનો લેખક તો કોઈ બીજો જ છે.'
'એટલે કે આજના ઘણા બાળ સાહિત્યકારો જેવું જ થયું એમ કહો ને! એ બધા પછી કહે છે કે આનો લેખક હું છું.'
'મારી બાબતમાં એવું નથી, નામદાર! હું આ બધી વાતો બોલ્યો છું, પછી મારી નજર હેઠળ તે લખાઈ છે. લખાયેલી વાતો બરાબર લખાઈ છે તેની મેં ચકાસણી કરી છે. આ બધી વાતો પ્રથમ વાર મારા દ્વારા જ બોલાઈ છે. મૌલિક છે.'
'એટલે કે પ્રૂફરીડિંગ તમે જાતે જ કર્યું છે, એમ જ ને?'
'એમ જ સમજો, એમ જ નામદાર!'
આ ક્ષણે ન્યાયાધીશે બે વખત હથોડી ઠોકીને દત્તુને ટોકતાં કહ્યું : 'આટલો વિલંબ ન ચાલે. ડિટેક્ટિવની કામગીરી ક્યારે પતાવશો?'
'આઈ એમ. સૉરી મિ. લૉર્ડ!' દત્તુએ માફી માગી અને ભગવાનને કહ્યું : 'ગીતા તમે બોલી હોય કે લખી હોય, એની સાથે અમારે લેવાદેવા નથી. તમે લખી હોય તો પણ તમારે સોગંદ ખાવા જ પડે. ચાલો, ગીતા પર હાથ મૂકીને સોગંદ ખાવ કે તમે જે કંઈ કહેશો તે સાચું અને સાચું જ કહેશો.'
લાલ કપડામાં વીંટાળેલા પુસ્તકને ભગવાને જોઈ લીધું. એ ગીતા જ છે, તેની ખાતરી કરી લીધી. પછી તેઓ કહે : 'હું જે કંઈ કહીશ તે સાચું જ કહીશ, સાચું જ કહીશ.'
દત્તુએ સીધા સવાલો શરૂ કર્યા.
'ભગવાન!' તેણે કહ્યું : 'ભગવાન, હમણાં જ એક માનવીનો અકસ્માત થઈ ગયો તેણે તમારા નામનો દોરો-ધાગો પહેર્યો હતો.'
ભગવાન કહે : 'ઘણો નવાઈ ભરેલો સવાલ પૂછો છો તમે નામદાર! એવા ધાગા-દોરાને અને અકસ્માતને શો સંબંધ? અને એમાં હું એટલે કે ભગવાન વળી ક્યાં આવ્યો?'
'મિસ્ટર ભગવાન! એ તો જાણીતી વાત છે કે દોરાનો અર્થ સુરક્ષા થાય છે. ભગવાનને નામે એટલે કે તમારા નામે બંધાયેલા દોરાની સુરક્ષા તમારે કરવાની છે.'
'દત્તુજી! તમે મને આ પ્રશ્ન શા માટે પૂછો છો?'
'એટલા માટે કે આ પ્રશ્ન અને નાનાં-મોટાં બાળકોને સદા મૂંઝવે છે. મા-બાપ છોકરાના હાથે અને ગળે દોરા-ધાગા, માદળિયાં, તાવીજો બાંધે છે, અને કહે છે કે, ભગવાન તારું રક્ષણ કરશે. પણ મિસ્ટર ભગવાન! તમે રક્ષણ કરતા નથી. આપણા અત્યારના કેસમાં પણ એવું જ થયું છે...'
'દત્તુજી! મારે નામે કોઈ કંઈ કરે તો એમાં મારો વાંક ક્યાં થયો?'
'જવાબદારી તમારી છે, મિ. ભગવાન!'
'કેવી રીતે? એ દોરા-ધાગા હું તો બાંધતો નથી. હું કદી કોઈને દોરાઓ વીંટાળવા ગયો નથી. દત્તુજી અને હાજર રહેલા તમામ લોકો સાંભળી લો કે, જ્યારે માનવનો જન્મ થાય છે, એટલે કે બાળકનો જન્મ થાય છે, ત્યારે જે કાંઈ જરૂરી ચીજવસ્તુઓ હોય તે કુદરત તેને આપી જ દે છે. હવે જો ભગવાનને દોરા-ધાગાની જરૂર હોય તો તે બાળકને એ બધું આપીને મોકલે, પણ તેની જરૂર નથી. એનો આરોપ મારા પર કેમ મૂકો છો?'
'તો શું તમારે નામે જે કંઈ થાય એની જવાબદારી તમારી નથી?'
'જરાય નહીં...!'
'અમરનાથ-યાત્રા એટલે ભગવાનની યાત્રા. એ યાત્રામાં ગયેલા સેંકડો લોકો મરી ગયા. એ બધાએ દોરા-ધાગાની સુરક્ષા મેળવી હતી. શું એ હત્યાઓનો આરોપ તમારા પર ન મુકી શકાય?'
'જરાય નહીં. દત્તુજી! કોર્ટ અને નાનામોટા બાળમિત્રો! એક વાત મારા તરફથી સાંભળી લો કે હું કોઈને દોરા-ધાગા-તાવીજ પહેરવાનું કહેતો નથી. પહેરાવતો નથી. એ દોરાઓને સુરક્ષાનું નામ પંડિતો આપે છે. એ બધો તેમનો ધંધો છે. દરેક શુભકાર્ય વખતે તેઓ કહે છે કે આ દોરાથી આગથી, પાણીથી, પ્રવાસથી, ઉપરથી, નીચેથી, જાણતામાં, અજાણતામાં કંઈ જ થશે નહીં. તમારું સદા રક્ષણ થશે. ભગવાનેય તમારો વાળ વાંકો નહીં કરે. હવે એ સુરક્ષાવચન બાદ એ પંડિતે જો ફી લીધી હોય, એટલે કે દક્ષિણા લીધી હોય, અને છતાં અકસ્માત થયો હોય તો ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ તમારે તેમની ઉપર કામ ચલાવવું જોઈએ. દોરા તે બાંધે છે, તેમને પકડો, મને શું કામ પકડો છો?'
દત્તુ દલીલ શોધવામાં રોકાયો. જરા ગૂંચવાયોય ખરો. એટલે ભગવાને આગળ કેફિયત શરૂ કરી : 'મારા મિત્રો! સાથીઓ! દરેક કાર્યને શુભ ગણો. ઘર બનાવો તે, યાત્રા ઉપર ઉપડો તે, રસ્તા કે પુલ બનાવો તે, શાળા-મહાશાળામાં દાખલ થાવ તે, દરેક કાર્ય શુભ જ છે. હવે ઘરના વાસ્તુ વખતે તમે દોરા દશ વીંટાળશો, પંડિત તમારે માટે લાખ સુરક્ષા શ્લોક ઉચ્ચારે, પણ જો ઇંટ ખરાબ હોય, સિમેન્ટ-રેતીનું મિશ્રણ બરાબર ન હોય, કામ કાચું હોય તો મકાનની સુરક્ષા ક્યાંથી થવાની છે? એ મકાન પડવાનું જ છે. દોરા-ધાગાવાળો હાજર હશે તો તેની ઉપર પણ પડવાનું જ છે. તમારી હિન્દી ફિલ્મની જેમ હાથના કે ગળાના દોરાથી ચમત્કાર થવાનો નથી કે પડતું મકાન અદ્ધર અટકી રહેવાનું નથી.'
'તો પછી અમરનાથ-યાત્રાળુઓના મૃત્યુની જવાબદારી તમારી નહીં?'
'એ બધાને અભયવચન આપનારા પંડિતો - પૂજારીઓ - સાધુઓ ને તમે દુનિયાવાળા પર નહીં! શું તેઓ દોરા બાંધીને દક્ષિણા લઈને છૂટા?'
'તો પછી ભગવાન! તમારું નામ કોણ લેશે?'
'જેને મારામાં શ્રદ્ધા છે તે. જેઓ મને ઓળખે છે અને ઓળખવા માગે છે તે. જેઓ મને મેળવવા માગે છે તે. મારી અને એની વચમાં કોઈ દોરા-ધાગા કે તાવીજ-મંત્રની જરૂર નથી. બાકી ઋતુ-ઋતુનું કામ કરશે જ. સમય એની મેળે જ ચાલ્યા કરશે. એ કદી રોકાયો નથી. ગાફેલ રહેનાર કે બાવરા બનનાર અકસ્માતનો ભોગ બનશે જ. એના હાથના દોરા એને નહીં બચાવી શકે. સાચી વાત આ માનવીનો ભ્રમ તૂટવો જોઈએ. પાસ થવા માટે દોરા-ધાગા નહીં ચાલે. આશીર્વાદ નહીં ચાલે. વિદ્યાર્થીએ વાંચવું જ પડશે. વાંચીને તૈયાર થનાર વિદ્યાર્થી, દોરા-ધાગાવાળા વિદ્યાર્થીની આગળ જ રહેશે એની ખાતરી રાખજો.'
ભગવાનને બોલતાં રોકવાની દત્તુની કોઈ ઇચ્છા ન હતી. છતાં તેના મનમાં ઘણા પ્રશ્ન ઊભા થતા હતા. એકદમ વચ્ચેથી જ તેણે પૂછ્યું : 'તો શું તમે દૂર દૂથી યાત્રા નહીં કરો?'
'યાત્રા તો પ્રાચીન કાળથી જ થતી રહી છે, દત્તુ! એ માટે શ્રદ્ધા, સાહસ, હિંમત અને તૈયારી જ પૂરતાં છે. વિશાળ આકાશ, અનુપમ વનરાજી, ઊંચા-ઊંચા પહાડો, દોડતાં વાદળો, આહ્લાદક હવામાન... બધે જ મારાં મંદિર છે. જરૂર ત્યાં સુધી પહોંચો. દુનિયાની અલાયદી એક અવનિને નિહાળો. પણ ત્યાં હવામાન પલટો ખાય, ભેખડ ધસે, ન થવાનું ઘણું થઈ શકે. એ અનિશ્ચિતતામાં જ યાત્રાનું આકર્ષણ છે, નામદાર! બાકી જીવન-મૃત્યુ કોઈ દોરા-ધાગા પર આધાર રાખતુ ંનથી. એવા દોરાઓને સુરક્ષા માનવાની જવાબદારી મારી નથી. હું એને અશ્રદ્ધા કહીશ. પંડિતો બાંધે છે, સાધુઓ બાંધે છે, આરોપ તમે એમના પર મૂકી શકો. મારા પર નહીં.'
દત્તુને આગળ બોલતો અટકાવી નામદાર ન્યાયાધીશે ન્યાય ઉચ્ચારી દીધો : 'આ કેસને લાગેવળગે છે ત્યાં સુધી અકસ્માતના દોરા ભગવાને બાંધ્યા નથી. દોરાધાગા, માળા, મણકા સુરક્ષા છે, એવું ભગવાને કહ્યું નથી. માટે એની જવાબદારી ભગવાનની નથી. ભગવાનને અકસ્માતના આ આરોપમાંથી કોર્ટ મુક્તિ આપે છે, નિર્દોષ જાહેર કરે છે અને ડિટેક્ટિવ દત્તુને કોર્ટ અભિનંદન આપે છે કે તેણે બાળકોના મનના એક ગૂંચવાતા પ્રશ્નને ઉકેલવાનો હિંમતભર્યો પ્રયાસ કર્યો. ખુદ ભગવાનને જ કોર્ટના પાંજરામાં સાક્ષાત્ બોલાવીને!'
દત્તુ જાગી ઊઠયો. તે હાંફળોફાંફળો બની ગયો. તે તો ઘસઘસાટ ઊંઘતો જ હતો. સપનાં તો ઊંઘમાં જ આવે ને! તો શું આ બધું એક સપનું હતું?!