Get The App

ગુરૃનો મહિમા

Updated: Apr 28th, 2018

GS TEAM

Google News
Google News
ગુરૃનો મહિમા 1 - image

બંગાળના મહાન સંત રામકૃષ્ણ પરમહંસ કોલકત્તાના મા - કાલી મંદિરના પૂજારી અને સ્વામી વિવેકાનંદજીના ગુરુ હતા. પૂરા બ્રહ્મજ્ઞાાની સંત હતા. મા-કાલીના પરમ ભક્ત હતા. મા-કાલી મા-કાલી કરતાં કરતાં એ ભાવ વિભોર બની જતા. ક્યારેક તો નાચવા-કૂદવા લાગતા. મા-કાલીએ એમને પ્રત્યક્ષ દર્શન પણ આપ્યા હતાં. તેઓ ખૂબ જ જ્ઞાાની સંત હતા. એમને અનેક શિષ્યો હતા. આ શિષ્યો વાસ્તવમાં ત્યાં રહીને વિદ્યાભ્યાસ કરતા હતા. વિદ્યાભ્યાસ દરમ્યાન ધર્મોપદેશનું પણ તેઓ કાર્ય કરતા હતા.

એમનો એક શિષ્ય ધર્મોપદેશ અર્થે એક નગરમાં જઈ ચડયો. એણે એક દિવસ લોકોને ઉપદેશ આપતાં કહ્યું - ગુરુ વિના જ્ઞાાન નહિ. ગુરુ વિનાનો માણસ નગુણો કહેવાય છે. ગુરુ વિના ઈશ્વરની પ્રાપ્તિ થઈ શકતી નથી. જેને બ્રહ્મજ્ઞાાન મેળવવું હોય તેને ગુરુની આવશ્યકતા રહે છે.

આ વાક્ય એક યુવાને સાંભળ્યું, ને સમસમી ઉઠયો ને બોલ્યો - ભાઈ! તમારી વાત મને ગળે ઊતરતી નથી. મેં જીવનમાં અનેક પ્રકારનો સંઘર્ષ કર્યો છે. મેં ગુરુ વિના સર્વ જ્ઞાાન પ્રાપ્ત કરી લીધું છે. પરંતુ મને ક્યારેય પણ ગુરુની આવશ્યકતા જણાઈ નથી.

શિષ્ય તો વિચારમાં પડી ગયો. આમેય અજ્ઞાાની અને મુરખ માણસને સમજાવવો તે લોઢાના ચણા ચાવવા બરાબર છે. ખૂબ જ કઠિન હોય છે. છતાં આ તો રામકૃષ્ણ પરમહંસ જેવા જ્ઞાાની ગુરુનો શિષ્ય હતો. એણે ઘણી બધી મથામણ કરી, છતાં એ યુવાન લીધેલી વાતને છોડતો નહોતો. એટલે એણે યુવાનને પોતાના ગુરુને મળવાની વાત કરી. યુવાન સમંત થયો. બંને જણ રામકૃષ્ણ પરમહંસને મળ્યા. શિષ્યે બનેલી ઘટનાની વાત કરી.

ગુરુજી! આ યુવાનને જીવનમાં પ્રગતિ કરવી છે. બ્રહ્મજ્ઞાાન પ્રાપ્ત કરવું છે. પરંતુ એણે કોઈનાયે ઉપદેશમાં શ્રધ્ધા નથી. મને તો એ નાસ્તિક લાગે છે. ગુરુની આવશ્યકતા તેને જણાતી નથી, માટે આપ એને કંઈક રસ્તો બતાવો.

રામકૃષ્ણ પરમહંસે આ શિષ્યની વાત સાંભળી લીધી. એ કશુંક બોલે તે પહેલાં જ પેલા યુવાને પૂછ્યું - મહારાજ! શિષ્યના જીવનમાં ગુરુનું શું મહત્ત્વ છે? ગુરુથી શિષ્યને શો લાભ થાય? તે મને સમજાવશો?

રામકૃષ્ણ પરમહંસ થોડીક વાર મૌન બેસી રહ્યા. પછી એ યુવાનના સવાલનો જવાબ આપવાના બદલે સામો પ્રશ્ન કર્યો.

બેટા! પેલી સામે નદીના કિનારે લાંગરેલી નાની હોડીને અહીંથી કોલકત્તા પહોંચતા કેટલા કલાક લાગે? એ તુ કહી શકે છે?

હાસ્તો! આવી નાનકડી હોડીને કોલકત્તા પહોંચતાં ઓછામાં ઓછાં પાંચ-છ કલાક તો જરૃર લાગી જાય.

બરાબર છે, તારી વાત. હવે, તું જરા પેલી દિશામાં નજર કર. યુવાને નજર કરી તો સામે મોટી આગબોટ ઉભેલી જોઈ.

બેટા! બોલ આ આગબોટની પાછળ એક નાનકડી હોડીને બાંધી દેવામાં આવે, તો કેટલા કલાકમાં એ કોલકત્તા પહોંચી જાય?

માત્ર અડધા કલાકમાં જ પહોંચી જાય.

બસ બેટા! તારી વાત સાવ સાચી છે. જેને જીવનમાં પ્રગતિ સાધવી જ છે. એને માટે કઠોર સાધના કરવી પડે છે. અને એ સાધનામાં ઘણાં બધા વરસ નીકળી જાય છે. પરંતુ જો એને ગુરુનો ભેટો થઈ જાય, તો એનો સમય નકામો, વ્યર્થ વેડફાતો નથી. એને તરત જ એ સાધ્ય થઈ શકે છે. ઝડપી પ્રગતિના સોપાન સર કરી શકે છે.

પેલો યુવાન તો આ વાત સાંભળી રામકૃષ્ણ પરમહંસના પગમાં પડી ગયો ને શિષ્ય બનાવવા માટે આજીજી કરવા લાગ્યો.

Tags :