- વિશ્વના વિજ્ઞાાનીઓ
રે લવેના ડબામાં રાખવામાં આવેલી સાંકળ જોઈ હશે. આ સાંકળ ખેંચવાથી ટ્રેનને બ્રેક લાગે છે. કોઈપણ પ્રવાસી જોખમના સમયમાં આ સાંકળનો ઉપયોગ કરી ટ્રેન ઊભી રાખી શકે છે. આ સાંકળ ખેંચવાથી ટ્રેન કેવી રીતે ઊભી રહે છે તે જાણો છો? ટ્રેનમાં હવાના દબાણ પર કામ કરતી બ્રેક હોય છે. એક લાંબી નળી સાથે જોડાયેલી બ્રેક નળીમાં શૂન્યાવકાશ હોય ત્યારે પૈડાથી દૂર રહે છે. સાંકળ ખેંચતા જ આ નળીનો વાલ્વ ખુલી જઈ હવા દાખલ થાય છે જેના ધક્કાથી બ્રેક લાગે છે. ટ્રેનના ભારે પૈડા અને વધુ ઝડપને કારણે બ્રેક પણ સક્ષમ જોઈએ. હવાનું પ્રચંડ દબાણ આ કામ કરી શકે. આ પધ્ધતિને એર બ્રેક સિસ્ટમ કહે છે. તેની શોધ જ્યોર્જ વેસ્ટિંગહાઉસ નામના વિજ્ઞાાનીએ કરેલી.
જ્યોર્જ વેસ્ટિંગહાઉસનો જન્મ ઈ.સ. ૧૮૪૬ના ઓક્ટોબરની ૬ તારીખે અમેરિકાના ન્યુયોર્ક રાજ્યમાં સેન્ટ્રલ બ્રિજ ખાતે થયો હતો. માત્ર ૧૫ વર્ષની ઉંમરે તે નેશનલ ગાર્ડની સેનામાં જોડાયો હતો. ન્યૂયોર્ક સેનામાંથી રાજીનામું આપી તે નેવીમાં જોડાયો ત્યાં તેને મદદનીશ એન્જીનિયર તરીકે કામ મળેલું. યુધ્ધ પુરુ થયા પછી તે પોતાના વતન આવી યુનિયન કોલેજમાં જોડાયો. ૧૯ વર્ષની ઉંમરે તેણે રોટરી સ્ટીમ એન્જિન અને ઘણા બધા મશીનો બનાવેલા.
તે જમાનામાં ટ્રેનને બ્રેક મારવા માટે દરેક ડબામાં અલગ બ્રેકમેન રાખવા પડતા. વેસ્ટિંગહાઉસે આ મુશ્કેલી નિવારવા હવાના દબાણના આધારે કામ કરતી એર બ્રેકની શોધ કરી. આ ઉપરાંત તેણે રેલવે સિગ્નલમાં પણ ઘણા સુધારા કર્યા. ૧૮૭૯માં એડિસને વીજળીનો બલ્બ શોધ્યો. ત્યાર બાદ વેસ્ટિંગહાઉસે એસી કરન્ટમાં સંશોધનો કરેલાં. વેસ્ટિંગહાઉસ અને એડિસન એકબીજાના હરીફ ગણાવા લાગ્યા. ત્યાર બાદ પોતાની ઈલેક્ટ્રીક કંપની સ્થાપી અને એર બ્રેક ફેક્ટરી પણ સ્થાપી. ૧૯૧૪ના માર્ચની ૧૨ તારીખે તેનું અવસાન થયું હતું. અમેરિકાના ઘણા શહેરોમાં વેસ્ટિંગહાઉસના સ્મૃતિસ્થાનો છે.


