Get The App

કોમળ ગાંધાર, કઠોર ગર્જના .

Updated: Jun 20th, 2025

GS TEAM

Google News
Google News
કોમળ ગાંધાર, કઠોર ગર્જના                              . 1 - image

- સિંહ અને સંગીતનું દ્વન્દ્વ હતું. કઠોરતા અને કોમળતાનો જંગ હતો. જંગલીપણું અને સંસ્કારની હરીફાઈ હતી. અશાંતિ અને શાંતિ વચ્ચે સ્પર્ધા હતા. વિકરાળતા અને માધુર્ય વચ્ચે વાદ હતા અને તેમાં જીત નાદની જ થઈ

- સિંહે જેટલા મરાય એટલા ધમપછાડા માર્યા, પણ...

- કાં સિંહ સાવ ખોટો, કાં મારી ગાવાની રીત ખોટી

- હરીશ નાયક

પંડિત ઓમકારનાથ ઠાકુર.

ભારતનાં એક અચ્છા ગાયક. શાસ્ત્રીય ગાયકીમાં એમનો જોટો નહીં.

એક વાર તેમણે વાત સાંભળી કે પ્રાણીબાગમાં એક સિંહ આવ્યો છે. ભારે ઝનૂની અને જબરો છે. પાંજરામાં રહેતો જ નથી. એટલા જોરથી રાડ નાખે છે કે બીજાં પ્રાણીઓ ફફડી જાય છે. પાંજરાંની અંદર દોડાદોડ અને કૂદાકૂદ કરી મૂકે છે. એ સિંહનું શું કરવું એ એક પ્રશ્ન છે.

પંડિતજી પોતાના સાથીને કહે : 'ચાલો.'

'ક્યાં?'

'પેલા સિંહ પાસે.'

'અરે!' સાથી કહે : 'જંગલી પશુ તે કંઈ સંગીતથી શાંત થતાં હશે?'

પંડિતજી કહે : 'ચાલો.'

અને તેમણે તો ચાલવા જ માંડયું. સાથે સાથે સાથીદાર પણ ગયા.

સિંહ બરાડા બરાડ કરતો હતો. સંગીતકારોને જોઈ વધારે તરખાટ મચાવવા લાગ્યો.

પંડિતજી કહે : 'મિત્ર! કોમળ ગાંધાર શરૂ કરીએ છીએ અને હું કહું નહીં ત્યાં સુધી થોભશો નહીં.'

પંડિતજીએ ગળું ખંખેરી કોમળ ગાંધાર શરૂ કર્યો. સાથીએ સંગત આપી.

એક બાજુ ગાંધાર શરૂ થયો તો બીજી બાજુ કઠોર ગર્જના શરૂ થઈ. સિંહ વધુ જોર જોરથી ત્રાડ પાડવા લાગ્યો.

પણ કોમળ ગાંધાર મક્કમ હતો. ધીમે ધીમે રાગ આગળ વધતો જ હતો. હવામાનમાં સૂરાવલિ ગૂંથાતી હતી. રાડની વચમાંથી સિંહના કાનમાં એ પ્રવેશતી હતી.

સિંહ અને સંગીતનું દ્વન્દ્વ હતું. કઠોરતા અને કોમળતાનો જંગ હતો. જંગલીપણું અને સંસ્કારની હરીફાઈ હતી. અશાંતિ અને શાંતિ વચ્ચે સ્પર્ધા હતા. વિકરાળતા અને માધુર્ય વચ્ચે વાદ હતા અને તેમાં જીત નાદની જ થઈ.

સિંહે જેટલા મરાય એટલા ધમપછાડા માર્યા પણ પછી એના બરાડા ધીમા પડયા. સંગીતના રાગમાં એ તણાવા લાગ્યો.

ધીરે ધીરે પંડિતજી તથા એના સાથીદાર પાંજરાની વધુ ને વધુ નજીક જવા લાગ્યા.

કોમળ ગાંધારના સૂરો સિંહને કોમળ બનાવવા જ લાગ્યા.

છેવટે એ એટલો શાંત થઈ ગયો, સંગીતમાં એવો તો લીન થઈ ગયો કે સળિયા ઉપર હાથ ફેરવવા લાગ્યો. જાણે તે જાતે પણ સંગીત ન વગાડતો હોય!

સળિયા આગળ મોઢું રાખી તે ધ્યાનથી સંગીત સાંભળતો રહ્યો.

સંગીત બંધ થયું ત્યારે હળવે સાદે વિનવણી કરીને જાણે કે કહેતો હતો : 'સંગીત બંધ ન કરો. ચાલવા દો. સૂર-સરિતા રેલાવા દો.'

જોનાર આભા થઈ ગયા.

સાથી કહે : 'પંડિતજી! તમને આ શું સૂઝ્યું?'

પંડિત કહે : 'કોમળ ગાંધાર કઠોરતા ઉપર અસર કરે છે કે નહીં એની પરીક્ષા લેવી હતી. સિંહ જો શાંત ન થયો હોત તો માનત કે કાં આ સાવ ખોટો, કાં મારી ગાવાની રીત ખોટી, પણ મને સંતોષ થયો છે. હજી આપણે સારંગી લાવ્યા હોત તો આટલી વાર થાત નહીં. સારંગી ઉપર કોમળ ગાંધાર ખરેખરી કોમળતા

રેલાવે છે.'

જ્યારે સંગીતકાર ઠાકુરજી ગયા ત્યારે સિંહ વિનમ્ર આંખે જોઈ રહ્યો. જાણે કહેતો ન હોય : 'ક્યારે આવશો પાછા સંગીત સંભળાવવા? ક્યારે આવશો?'