Get The App

ગાંધીજીના હાસ્ય પ્રસંગો : કર્યો નારાજ, હેં કાજી ?

Updated: Jan 23rd, 2026

GS TEAM

Google News
Google News
ગાંધીજીના હાસ્ય પ્રસંગો : કર્યો નારાજ, હેં કાજી ? 1 - image

- હરીશ નાયક

- 'એક પ્રશ્નનો જવાબ આપશો ત્યાગી ?'

- 'જડી... જડી ! મારી પેન્સિલ જડી.'

ગાંધીજી જેલમાંથી આવ્યા પછીની એ યાદગાર બેઠક હતી. પણ બેઠકમાં જબરો તરખાટ મચવાનો સંભવ હતો.

મૌલાના મહંમદઅલીએ એક પ્રવચન આપ્યું હતું. એથી બીજા સભ્યો નારાજ હતા.

એટલે બેઠક શરૂ થઈ કે તરત જ મહંમદઅલી નારાજ થઈને બોલી ઊઠયા : 'શરૂઆતમાં જ મારા ભાગ્યનો ફેંસલો થઈ જવો જોઈએ.'

તેઓ એ કહેવા માગતા હતા કે : 'હું પ્રમુખ છું. અને હવે ઊભા થયેલા મુદ્દા બાદ મારે પ્રમુખ તરીકે ચાલુ રહેવાનું છે કે કેમ ? તે નક્કી થઈ જવું જોઈએ.'

મુદ્દો જબરા વિવાદવાળો હતો.

એકદમ જ મહાવીર ત્યાગી ઊભા થઈ ગયા અને બોલવા જ લાગ્યા : 'શ્રીમાન પ્રમુખશ્રી તથા મિત્રો...'

એ શું બોલવાના છે એનો અણસાર ગાંધીજીને આવી ગયો હતો. એટલે ત્યાગી કોઈ ઠરાવ મૂકે તે પહેલાં જ તેઓ ઊભા થઈ ગયા કહેવા લાગ્યા : 'પ્રમુખશ્રી ! આ શ્રીમાન (ત્યાગી) કોઈક ઠરાવ મૂકે તે પહેલાં એમની સાથે માત્ર બે મિનિટ વાત કરવાની હું રજા માગું છું.'

'ઓર્ડર... ઓર્ડર...' પ્રમુખસ્થાનેથી મૌલાના બોલી ઊઠયા. તેઓ સ્પષ્ટ રીતે નારાજ દેખાતા જ હતા.

બીજો કોઈ ઉપાય ન જણાતાં હવે ગાંધીજીએ સીધું ત્યાગીને પૂછ્યું : 'તમને મારી સાથે વાત કરવામાં વાંધો તો નથી ને ?'

ત્યાગી કહે : 'ના.'

તરત જ પ્રમુખ એટલે કાજી જેવા મૌલાના તરફ ફરીને ગાંધીજીએ કહેવત ઉચ્ચારી :

જ્યારે હું અને એ છીએ રાજી

ત્યારે નારાજ શા માટે જણાય છે કાજી ?

ગાંધીજીની એ ઉક્તિથી સભામાં હાસ્યનું મોજું જ ફરી વળ્યું.

ત્યાગી તો દોડીને બાપુ પાસે પહોંચ્યાં અને બાપુની વાતો સાંભળવા લાગ્યા.

અક્કલ કોનામાં વધારે ?

મહાવીર ત્યાગી ઠરાવ મૂકતા હતા.

એ ઠરાવ આકરો હતો.

બાપુ ઈચ્છતા હતા કે એ ઠરાવ ચર્ચાય જ નહિ. ત્યારે ત્યાગી માત્ર ચોવીસ વર્ષના.

વાત કરવાનો સમય પણ ન હતો.

સભાનું કામકાજ ચાલુ થઈ ગયું હતું.

ગાંધીજીએ ત્યાગીને બોલાવીને કહ્યું : 'ઠરાવ પાછો ખેંચી લો !'

ત્યાગી ત્યારે જોશમાં હતાં. કહે : 'ના હું ઠરાવ તો પાછો નહિ જ ખેંચું.'

વધારે વાતને અવકાશ ન હતો એટલે ગાંધીજીએ તુક્કો શોધ્યો. પૂછ્યું : 'એક પ્રશ્નનો જવાબ આપશો ત્યાગી ?'

'પૂછો.'

'તમે શું માનો છો ? અક્કલ તમારામાં હોવાની શક્યતા વધારે છે કે મહાત્મા ગાંધીમાં ?'

ત્યાગીને જવાબ આપવો ભારે થઈ પડયો.

'જવાબ આપો,' બાપુએ આગ્રહ કર્યો.

'બેશક બાપુ. એ તો આપનામાં જ વધારે હોય ને!' ત્યાગીને કહેવું પડયું.

તરત બાપુ બોલી ઊઠયા : 'ત્યારે ઓછી અક્કલવાળાએ વધારે અક્કલવાળાની વાત માની લેવી જોઈએ સમજ્યા ?'

ત્યાગી સમજી ગયા.

બે જ મિનિટમાં જ્યારે તેઓ ઠરાવ પાછો ખેંચતા હતા ત્યારે સભા ખડખડાટ હસતી હતી.

રાજશાહી કલમ !

પેન્સિલનો ટુકડો ખોવાયો.

બાપુએ તો શોધાશોધ કરી મૂકી.

બધા શોધવા લાગ્યા. પણ એ નાનકડી પેન્સિલ હાથ લાગી નહિ.

એક ભાઈ દોડીને નવી પેન્સિલ લઈ આવ્યા.

બાપુ કહે : 'ના, એ ન ચાલે. મારે તો મારી જ પેન્સિલ જોઈએ.'

આ તો પોતાની લોખંડની જ કુહાડી માગતા પેલા છોકરા જેવી વાત હતી. એને સોનાની કુહાડી ન ખપે, રૂપાની કુહાડી પણ ન ખપે, પોતાની સીધીસાદી અને ગરીબ કુહાડી જ જોઈએ !

બાપુએ નવી મોટી પેન્સિલ ન લીધી એટલે બીજા એક ભાઈ પેન્સિલનો ટુકડો લઈ આવ્યા. તેમના મનથી કે બાપુ ટુકડાના બદલામાં ટુકડાથી રાજી થશે.

પણ બાપુએ તો સંભળાવ્યું : 'શું તમે એક ટુકડાના બદલામાં બીજા ટુકડાથી મને રાજી કરવા માગો છો ?'

પછી ઉમેર્યું : 'તમારું બાળક ખોવાય તો શું તમે બીજા બાળકથી ચલાવી લો ?'

હવે તો મામલો બરાબર જામ્યો.

જાણે કોઈ કિંમતીમાં કિંમતી વસ્તુ ખોવાઈ ગઈ હોય એમ બધા જ એ ટુકડો શોધવા લાગ્યા.

અંતમાં બધી જ વસ્તુ ઉથલપાથલ થઈ ત્યારે એકાએક બાપુ બોલી ઊઠયા : 'જડી... જડી ! મારી પેન્સિલ જડી.'

આંગળીના એક વેઢા જેવડો પેન્સિલનો એ ટુકડો હતો. છતાં બાપુના ચહેરા ઉપર તો ખજાનો મળી ગયાનો આનંદ હતો.

એ ટુકડો બતાવી બાપુ કહે : 'તમારે મન આ ટુકડો હશે પણ મારે મન તો એ એક કિંમતી ભેટ છે, અને કિંમતી છે પણ ખરી. મદ્રાસના એક નાના સરખા છોકરાએ મને એ ભેટ પ્રેમથી આપી છે !'

બીજી જ ઘડીએ બાપુ એ ટુકડાથી લખવા લાગ્યા. ત્યારે તેમના હાથમાં કોઈ રાજશાહી કલમ હોય એટલો આનંદ તેમને થતો હતો.