ગાંધી નિર્વાણ દિન .
- ગાંધીજીનાં માતા ધાર્મિક સ્વભાવનાં હતાં. તેઓ ગાંધીજીને હરિશ્ચંદ્ર અને શ્રવણની વાર્તા કહેતાં. આ બન્ને પાત્રોની તેમના મન પર ઊંડી અસર પડી હતી. તેમણે હંમેશા સત્ય બોલવાની, મા બાપની સેવા કરવાનો નિર્ધાર કર્યો.
ભારત પી. શાહ
૩૦ જાન્યુઆરીએ ગાંધી નિર્વાણ દિન તરીકે યાદ કરવામાં આવ્યો તેના દસેક દિવસ પહેલાંની આ વાત છે. શાળા છૂટવાનો સમય થયો એટલે ઘંટ વાગ્યો. વિનય વિદ્યાલયનાં બાળકો શાળાની બહાર નીકળ્યાં. બધા વિદ્યાર્થીઓ પરસ્પર કોઈ ચર્ચા કરતાં હોય તેમ લાગ્યું. આનંદ બોલ્યો, 'આજે વર્ગશિક્ષકે આપણને બધાને ગાંધી નિર્વાણ દિનની ઉજવણી માટે તૈયારી કરવાની કહી છે.'
'આપણે બધા આપણા વર્ગને એટલો સુંદર સજાવીશું કે બધા ખુશખુશ થઈ જાય.' શિવમ્ બોલ્યો, 'આપણા વર્ગને સુંદર રીતે સજાવવા માટે આપણે શું શું વસ્તુઓની જરૂર પડશે, શિવમ્ ભૈયા?' નાનકડી ત્રિશા અને ઓમ બોલી ઉઠયાં, 'વર્ગને સજાવવા માટે રંગીન પટ્ટીઓ, ફુગ્ગા, પેપરનાં રમકડાં તથા રંગોળીના કલર્સની જરૂર પડશે'
ધ્વનિલ બોલ્યો, 'મારી બર્થ ડેના દિવસે ઘર શણગારવા માટે મારા પપ્પા સજાવટની ઘણીબધી વસ્તુઓ લાવ્યા હતા. હું તે જરૂરથી લાવીશ.'
આમ ચર્ચા કરતાં કરતાં બધા વિદ્યાર્થીઓ વિખરાયા.
'તનિશાદીદી, ગાંધી જયંતિ એટલે શું? બધા આજે નિશાળમાં પણ 'ગાંધીબાપુ' વિષે જાણવું છે,' નાનકડો સક્ષમ બોલ્યો.
'આપણા પાડોશી નયનેશ અંકલને પૂછીશું, એ મને ઘણીવાર સ્ટડીમાં મદદ કરે છે,' તનિશાએ જવાબ વાળ્યો. તનિશાએ આ વાત નયનેશ અંકલને કહી, તો તેમણે બાળકોને રવિવારે આવવા જણાવ્યું.
નયનેશ અંકલ 'ગાંધીબાપુ' ની વાત કહેવાના છે તે વાત બાળમંડળમાં ફેલાઈ ગઈ. રવિવાર સક્ષમ, તનિશા, ત્રિશા, રીદાન, મિહાન અને સંયમ બધાં ઉત્સાહપૂર્વક નયનેશ અંકલને ઘેર ભેગાં થયાં. થોડી વારમાં આર્યન, ઓમ અને શૌર્ય પણ આવી ગયા. બધાં બાળકોને જોઈને નયનેશ અંકલ અને રૂનાબેન ખુશ થઈ ગયાં. બધાં બાળકો અંકલની આજુબાજુ ગોઠવાઈ ગયા એટલે નયનઅંકલે 'ગાંધીબાપુ' ની વાત શરૂ કરી.
'ગાંધીબાપુનો જન્મ બીજી ઓક્ટોબરે ૧૮૬૯માં પોરબંદરમાં થયો હતો. તેમના પિતાનું નામ કરમચંદ ગાંધી અને માતાનું નામ પૂતળીબાઈ હતું. તેમની માતા ધાર્મિક સ્વભાવનાં હતાં. તેઓ ગાંધીજીને હરિશ્ચંદ્ર અને શ્રવણની વાર્તા કહેતાં. આ બન્ને પાત્રોની તેમના મન પર ઊંડી અસર પડી હતી. પરિણામે તેમણે હંમેશા સત્ય બોલવાની, મા બાપની સેવા કરવાનો નિર્ધાર કર્યો હતો. પોરબંદરમાં માધ્યમિક શિક્ષણ પુરું કરી તેઓ ઉચ્ચ અભ્યાસ કરવા માટે વિલાયત ગયા. બેરિસ્ટર બન્યા પછી ઈ.સ.૧૮૯૧માં ભારત પાછા આવ્યા.'
'અંકલ... અંકલ....બેરિસ્ટર એટલે કોણ....' નાનકડા સંયમે પૂછયું.
'બહુ મોટા વકીલ,' રૂનાબેને જવાબ વાળયો. 'આન્ટી, તમને પણ બધી ખબર છે? ' રીયા બોલી. રૂના આંટી મુસ્કુરાયાં, અને આગળ વાત ચલાવતાં બોલ્યાં, 'એક વાર ગાંધીબાપુને એક મોટી કંપનીનો કેસ લડવા માટે દક્ષિણ આફ્રિકા જવાની તક મળી ત્યાં કાળા-ગોરાના ભેદને કારણે હિંદીઓને વારંવાર અપમાન અને અન્યાય સહન કરતાં જોઈને આફ્રિકામાં ગાંધીજીએ સત્યાગ્રહ કર્યો. અને સફળતા મેળવી...'
'અરે, વાહ! ગાંધીજી જીતી ગયા... ' ઓમ બોલ્યો. નયનેશ અંકલે આગળ વાત વધારતાં કહ્યું, 'આપણા દેશમાં તે વખતે અંગ્રેજો રાજ કરતા હતા. દેશને આઝાદ કરવા માટે ગાંધીજીએ અમદાવાદમાં સાબરમતી આશ્રમની સ્થાપના કરી, અને સત્ય અને અહિંસાના માર્ગે દેશવ્યાપી આંદોલન કર્યા. દેશની અને દેશનેતાઓ જેવા કે સરદાર પટેલ, લોકમાન્ય તિલક, નેહરૂચાચા, સુભાષચંદ્ર બોઝ વગેરેનો સહકાર મળ્યો. સત્ય અહિંસા અને સદાચાર જેવા સદ્ગુણોના તે પ્રખર હિમાયતી હતા. તેમણે પ્રત્યેક ભારતવાસીના દિલમાં દેશપ્રેમની જ્યોત જલાવી આખા દેશને જાગ્રત કર્યો અને પ્રજાના સહકાર વડે અંગ્રેજોની ગુલામીમાંથી દેશને મુક્તિ અપાવી અને આપણે આઝાદ થયા.'
'આપણે ક્યારે આઝાદ થયા?' ત્રિશાએ પૂછયું. 'મને ખબર છે ૧૫મી ઓગષ્ટ ૧૯૪૭ ...' રીદાને કહ્યું.
'શાબાશ, બાળકો. તમને ખબર છે આપણાં ગાંધીબાપુ ખૂબ સાદાઈથી રહેતા હતા. શરીર પર માત્ર એક ટૂંકી પોતડી જ પહેરતા હતાં અને...'
'અંકલ, ગાંધીબાપુ કેમ ખાલી પોતડી જ પહેરતા હતાં?' દિયાએ પૂછયું.
'બેટા, દેશની ગરીબી જોઈને તેમણે માત્ર સાદું જીવન જીવવાનું નક્કી કર્યુ હતું. ગાંધીબાપુ સવાર-સાંજ નિયમિત પ્રાર્થના કરતા હતા. દેશને આઝાદ કરવા માટે લડવૈયા તો ઘણા મળ્યા, પણ દેશના સાચા ઘડવૈયા તો ગાંધીબાપુ જ હતા. આપણા બધા દેશવાસીઓએ તેમને 'મહાત્મા' નામનું બિરૂદ આપ્યું છે. તેઓ સત્ય અને અહિંસાના પૂજારી હતા. હવે તમે બધા મને એ કહો કે તમે ગાંધીબાપુના ચિત્ર ક્યાં ક્યાં જુઓ છો?'
'રૂપિયાની નોટો પર, રૂપિયાના સિક્કા પર...' દિયાએ જવાબ આપ્યો.
'સરસ... મહાત્મા ગાંધીબાપુએ દેશને માટે સર્વસ્વ ત્યાગી દીધું, સાદું જીવન જીવ્યા, વગર હથિયારે આપણને આઝાદી અપાવી સમસ્ત વિશ્વને દંગ કરી દીધું, સહસ્ત્રાબ્દીની તેઓ શ્રેષ્ઠ વ્યક્તિ તરીકે પસંદ થયા. એવા રાષ્ટ્રપિતાને આપણે બધાએ કોટિ કોટિ વંદન કરવા જોઈએ અને તેમના ચીંધેલા માર્ગે ચાલવું જોઈએ અને....'
'ચીંધેલા માર્ગે ચાલવું...એટલે શું?' ત્રિશા બોલી.
'હંમેશા સાચું બોલવું. ચોરી કરવી નહીં. અહિંસાના માર્ગે ચાલવું. દેશપ્રેમી બનવું, રોજ ભગવાનની પ્રાર્થના કરવી, મમ્મી-પપ્પાનું કહેવું માનવું વગેરે....'
'અકંલ...અંકલ... હું તો હંમેશા સાચું બોલું છું. મારી મમ્મી કહે છે કે જે જુઠુ બોલે તેને ભગવાન પનીશમેન્ટ કરે,' રિદાન બોલ્યો. 'અહિંસાના માર્ગે ચાલવું એટલે શું?' સક્ષમે પૂછયું. 'કોઈ પણ નાના-મોટા જીવને મારવા નહીં. કોઈની પણ સાથે મારામારી કરવી નહીં. બધા જીવ પર દયા રાખવી,' નયનેશ અંકલે સમજાવ્યું,
'અમારી બાજુમાં જગલો રહે છે, તે તો કૂતરા, બિલાડા, વાંદરા બધાને પથ્થરથી મારે છે. હું તો કોઈ દિવસ તેમને મારતો નથી. હું તો કૂતરા-બિલાડાને વાગ્યું હોય તો તેમને દવા લગાડી આપું છું,' આર્યને કહ્યું.
'નયનેશ અંકલ, હું ગોડને રોજ પ્રાર્થના કરું છું. હું તો ધર્મનું બધું શિખવા જ્ઞાનશાળામાં જાઉં છું,' દિયા બોલી.
'સાવ સાચી વાત. દિયા તો જૈનધર્મના ઘણાં સૂત્રો પણ શીખી ગઈ છે,' વર્ગ શણગારને સામાન લઈને આવેલો ધ્વનિલ બોલ્યો. 'નયનેશ અંકલ, અમે બધા મિત્રો ખૂણામાં ચૂપચાપ બેસી બધી વાત સાંભળતાં હતાં,' શિવમ્, આનંદ અને અંશુલ બોલી ઊઠયા. 'તમે અમારા બાળકોને ખૂબ સારી સારી વાતો સમજાવી, તે બધી વાત અમે બારીમાંથી સાંભળી. અમને પણ ખૂબ આનંદ થયો છે,' જ્યોતિબેન અને રિધ્ધિબેન બોલ્યાં.
વ્હાલા વાચકો, ગાંધીબાપુએ અપાવેલી આઝાદીની રક્ષા કરવી. તેમના ચીંધેલા માર્ગે ચાલવું એ આપણી ફરજ છે. તેમનો સત્ય અને અહિંસાનો સંદેશ આખા વિશ્વમાં ફેલાવીએ. ગાંધીબાપુને કોટિ કોટિ પ્રણામ .