વેકેશનની મજા .
- મમ્મીએ કહ્યું, 'આપણે ફરી મામાના ઘરે રોકાવા આવીશું, બસ? આવતું આખું વેકેશન આપણે મામાના ઘરે જ રહીશું'
- મેહુલ સુતરિયા
યશની શાળાની પરીક્ષા પૂરી થઈ ગઈ હતી. એ તો રાહ જોઈ રહ્યો કે ક્યારે વેકેશન પડે ને ક્યારે મામાના ઘરે ગામડે રહેવા જાઉં !
આખરે એ દિવસ આવી ગયો. યશની શાળામાં આખરે વેકેશન પડી જ ગયું.
યશ તેનાં મમ્મી સાથે મામાના ઘરે જવા બસમાં બેઠો. બસ ધીમે ધીમે શહેરના ઘોંઘાટથી દૂર જઈ રહી હતી. બસમાંથી બહાર દેખાતાં ઝાડ, નદી, ખેતરો, ટેકરીઓ જોઈને યશને ખૂબ મજા આવી. પાંચેક કલાકની મુસાફરી કરીને યશ અને મમ્મી ગામનાં બસ-સ્ટેન્ડ પર ઉતર્યા. યશના મામા તેમને લેવા માટે આવ્યા હતા.
યશના મામાનું બાઈક ધૂળિયા રસ્તા પર ચાલી રહ્યું હતું. યશ મામાની સાથે આગળ બેઠો હતો. સાંજ પડવા આવી હતી. જેવા તેઓ ગામની સીમમાં પ્રવેશ્યાં કે યશે રસ્તા પરથી ગાયોનું ધણ પસાર થતું જોયું. એકસાથે આટલી બધી ગાયો જોઈને યશને તો નવાઈ લાગી. તેણે પૂછ્યું, 'મામા, આટલી બધી ગાયો ક્યાંથી આવે છે?'
મામાએ કહ્યું, 'રોજ સવારે આ ગાયો વગડામાં ચરવા જાય છે અને સાંજે ગામમાં આવે છે. ગામમાં આવીને એ જાતે જ પોતાના માલિકના ઘરે જતી રહે છે.'
યશે કુતૂહલપૂર્વક પૂછ્યું, 'મામા, પણ આ ગાયોને એમનું ઘર યાદ હોય?'
મામા કહે, 'હા, બેટા. પ્રાણીઓમાં ઇશ્વરે અનેક કુદરતી શક્તિઓ મૂકેલી હોય છે.'
આમ વાતો કરતાં કરતાં બાઈક ઘરનાં ફળિયામાં આવીને ઊભું રહ્યું. યશ તો મામાનાં ઘરનું વિશાળ ફળિયું જોઈને ખુશ થઈ ગયો. ફળિયામાં મામાનું ટ્રેક્ટર પડયું હતું તેના પર બેસીને તે રમવા લાગ્યો. આખા દિવસનો થાક જાણે મામાના ઘરે આવતાંની સાથે જ ઉતરી ગયો હતો.
એટલામાં મામીએ જમવા માટે બૂમ મારી. યશને તો જમવાની પણ ખૂબ મજા આવી. રસ, પુરી, શાક, કઠોળ, છાશ, ઘી, ગોળ... તેણે તો ધરાઈને ખાધું.
રાત્રે મોડા સુધી વાતો કર્યા પછી સૂવાનો સમય થયો. યશે મામાને કહ્યું કે, 'હું તો મમ્મી સાથે અહીં ફળિયામાં ખુલ્લા આકાશ નીચે જ સૂઈશ.'
યશ મમ્મી સાથે ફળિયામાં સૂતો હતો. તેણે જોયું કે આખું આકાશ તારાઓથી ટમટમતું હતું. યશ તો આ દ્રશ્ય જોઈને ખુશ થઈ ગયો. શહેરમાં તો ક્યારેય તારા જોવા મળતા જ નહીં. વાતો કરતાં કરતાં તેને ક્યારે ઊંઘ આવી ગઈ તેની ખબર જ ન રહી.
વહેલી સવારે શેરીમાં કૂકડા બોલ્યાં ત્યારે તેની આંખ ઉઘડી. મામાએ કહ્યું, 'યશ, ચાલ તૈયાર થઈ જા. આજે તને ખેતરે ફરવા લઈ જઈશ.'
યશ તો ખેતરનું નામ સાંભળીને જ ખુશ થઈ ગયો અને ફટાફટ તૈયાર થઈ ગયો.
યશ તો ટ્રેક્ટરમાં બેસીને ખેતરમાં ગયો. ખેતરમાં કૂવો હતો અને કૂવામાંથી મોટર વાટે એક કૂંડીમાં પાણી પડતું હતું અને કૂંડીમાં થઈને પાણી ખેતરમાં જતું હતું. યશ તો આ દ્રશ્ય જોઈને રાજીના રેડ થઈ ગયો. તે નાનકડા હોજમાં ખૂબ ન્હાયો. ખેતરમાં આવેલાં આંબા પરથી કેરીઓ તોડીને ખાધી, ગુંદા ખાધાં, આંબલી ય ખાધી.
આમ કરતાં-કરતાં ક્યારે પંદર દિવસ વહી ગયાં તેની ખબર જ ન પડી.
યશને હવે શહેર પોતાના ઘરે પાછા જવાનું હતું. યશ તો ઉદાસ થઈ ગયો. તેને ગામડાંની આવી મોજમજા છોડીને શહેર પાછા નહોતું જવું... પણ પાછા ગયા વગર ચાલે?
મામા તેમને મૂકવા માટે બસ-સ્ટેન્ડ પર આવ્યા. યશને ઉદાસ જોઈને તેમણે કહ્યું, 'યશ, તારી સ્કૂલમાં ત્રણ-ચાર દિવસની રજા પડે ત્યારે હું તને લેવા માટે શહેરમાં આવીશ અને તને મારી સાથે લઈ જશે. તને અહીં આવવું ગમશે ને?'
યશ તો મામાની વાત સાંભળીને ખુશ થઈ ગયો. એ બોલી ઉઠયો, 'હા, મામા, તમે મને લેવા માટે ચોક્કસ આવજો.'
થોડી વારમાં બસ આવી. યશ અને તેનાં મમ્મી બસમાં બેઠાં. મમ્મીએ કહ્યું, 'આપણે ફરી મામાના ઘરે રોકાવા આવીશું, બસ? આવતું આખું વેકેશન આપણે મામાના ઘરે જ રહીશું.'
યશ હવે રાજી રાજી હતો. મામાના ઘરે ગાળેલી એ પળોને યાદ કરતાં કરતાં એ પોતાના ઘરે આવી ગયો. બે-ત્રણ દિવસમાં વેકેશન પૂરું થયું અને યશ અભ્યાસના કાર્યમાં વ્યસ્ત થઈ ગયો.
હવે એને આગલા વેકેશનની પ્રતીક્ષા છે... મામાના ઘરે ફરીથી રોકાવા જઈ શકાય એટલા માટે!