- પૂરી, પાંચ જાતનાં જુદાં જુદાં શાક, દાળ ભાત, શીરો, લાડુ ને સાથે કેરીનો રસ, ગુલાબજાંબુ જોઈ સૌ ખુશ થઈ ગયાં. આટલું બધું જમવાનું એકસાથે મળશે એવી કોઈને કલ્પના નહોતી. ઘરની રસોઇ પણ આટલી સ્વાદિષ્ટ હોઈ શકે એવો કોઈને ખ્યાલ નહોતો. સિંહ રાજાએ સૌને જલસો કરાવી દીધો.
- તન્વી કિશોરભાઈ ટંડેલ
સુંદર મજાના નદીકિનારે રીનુ સસલું રહે. તેની મિત્ર વંદુ ખિસકોલી અને જેની માછલી. બધાં ભેગા થઈ રોજ અઢળક વાતો કરે. નદીકિનારે રહેત ઘણા પ્રાણીઓ પણ રીનુ, વંદુ ને જેની ત્રણ સાથે જ ફરવા જાય. બીજા કોઈ સાથે વાત કરવાની એમને ના ગમે. વંદુ પાસે મસ્ત મજાનો મોબાઈલ એટલે ત્રણેય એમાં વીડિયો જુએ ને વાતો કરે. જેનીને ફોટા નો શોખ એટલે સેલ્ફી લેવામાં પણ આગળ. આખો દિવસ ધમાલ કરી સમય પસાર કરે. સસલાભાઈ તો ખાવાના જબરા ફેન. રોજ અવનવું ખાવા જોઈએ. રોજ વિલાસ હાથીની દુકાને જઈ પડીકાં લઈ આવે ને ત્રણેય ખાતાં જાય.
એક દિવસની વાત છે. જંગલમાં રહેતાં સૌ પ્રાણીઓ અને પક્ષીઓએ ભેગા મળી એક દિવસની પિકનિક પર જવાનું નક્કી કર્યું. સૌની સાથે વંદુ,રીનુ અને જેની પણ ખુશ ખુશ. બધા ફરવા જઈશું ને સાથે ઢગલો ફોટા પાડીશું, ને બહુ બધા પડીકાં લઈ જઈ ત્યાં બધાને બતાવી-બતાવીને ખાઈશું એમ વિચારી ત્રણેય ખુશ થતાં હતાં.
... પણ જંગલના રાજા સિંહે નક્કી કર્યું કે પિકનિક પર જે લોકો આવવાના હોય એમણે સાથે મોબાઈલ કે નાસ્તો લાવવાનો નથી.
આ નિયમ સાંભળી વંદુનો મૂડ તો ઓફ થઈ ગયો. મોબાઇલ વિના તો એક સેકન્ડ તેને ગમતું નહિ. ઉપરથી જેની પણ નારાજ થઈ કે હવે ફોન વગર સેલ્ફી કેમની પડાય? ને રીનુ સસલું પણ રડવા જેવું થયું. તેમણે ત્રણેય એ નક્કી કર્યું કે એના કરતાં પિકનિક પર જવાનું કેન્સલ કરીએ... પણ ત્રણેયનાં માતા પિતા એ એકલાં જંગલમાં રહેવાની ના પાડી દીધી. આખું જંગલ પિકનિક પર જતું હોય ત્યારે સૌની સાથે જવાનું જ હોયને!
પિકનિકનો દિવસ આવી પહોંચ્યો. બધાં સુંદર મજાનાં કપડાં પહેરી નક્કી કરેલા સમયે ભેગા થયાં. રીનું, વંદુ અને જેની તો ઉદાસ મોં લઈ પહોંચી ગયાં. જંગલના રાજા સિંહ આગળ આગળ ને બીજા બધા તેની પાછળ પાછળ ચાલતા જાય, આજુબાજુનાં દ્રશ્યો જોતાં જાય. સંજુ શિયાળ પિકનિક સ્પોટ પર જતા જતાં રસ્તે આવતી તમામ જોવાલાયક સ્થળની અનોખા અંદાજમાં માહિતી આપતો જાય. સૌ માટે આ એક અલગ જ અનુભવ હતો.
મસ્ત મજાનો ધોધ પડતો હતો ત્યાં પહોંચી બધાં પહેલા ઠંડા પાણીમાં નાહ્યાં.કોઈ પાસે મોબાઈલ નહિ એટલે ફોટા પણ નહિ છતાં બધા ખુશ ખુશ હતાં, કારણ કે વર્ષો પછી આમ મોબાઈલ વિના બધા ઘરમાંથી બહાર આવ્યાં હતાં. સિંહ રાજાના આદેશ મુજબ નાહ્યા બાદ બધાં ભેગા થઈ અંતાક્ષરી ને પછી જાતજાતની રમતો પણ રમ્યા. બધાં ભૂખ્યા થયા હતાં. રીનુને તો પડીકાં યાદ આવ્યાં. એની પડીકાંની વાતો સાંભળી બીજા કેટલાયેને પડીકાંનો સ્વાદ યાદ આવવા લાગ્યો, પણ સિંહ રાજા સામે હતાં. બધાં અંદર અંદર વાતો કરવા લાગ્યા કે આમ નાસ્તા વિના કોઈ પિકનિક પર મજા થોડી આવે. બધાં સંજુ શિયાળને શોધવા લાગ્યા કે ભૂખની વાત રાજાને પહોંચાડે. પણ તે તો ગાયબ હતો. બધા ગુસ્સે થવા લાગ્યા. ત્યાં જ સંજુ શિયાળ એક ટેમ્પો લઈ આવી પહોંચ્યો. મીનુ મોરે તૈયાર કરેલી ઘરની રસોઇ હાજર હતી.
પૂરી,પાંચ જાતના જુદા જુદા શાક, દાળ ભાત, શીરો,લાડુ ને સાથે કેરીનો રસ, ગુલાબજાંબુ જોઈ સૌ ખુશ થઈ ગયા. આટલું બધું જમવાનું એકસાથે મળશે એવી કોઈને કલ્પના નહોતી. ઘરની રસોઇ પણ આટલી સ્વાદિષ્ટ હોઈ શકે એવો કોઈને ખ્યાલ જ નહોતો. સિંહ રાજાએ સૌને પાર્ટી કરાવી દીધી. સૌ ધરાઈને જમ્યા. રિનુને પણ મજા આવી ગઈ.
સાંજે સૌ ઘરે પહોંચ્યા ત્યારે સૌ ખુશ હતા. અનોખી પિકનિક સૌને યાદ રહી ગઈ. રીનુ, વંદુ અને જેની મોબાઈલમાં બિઝી નહોતાં એટલે એમને બીજા અનેક મિત્રો બન્યા ને સાથે કેટલીયે વાતો કરી. બધાને મજા આવી.
બીજા દિવસે સંજુ શિયાળે સૌને ડ્રોનથી પાડેલા ફોટા આપ્યા. તે જોઈ જેની તો ખુશ થઈ ગઈ. કોઈને કલ્પના નહોતી કે ફોન વગર પણ વિતાવેલો સમય આમ યાદગાર બની જશે. ત્યારથી રોજ સવારે નદીકિનારે સૌ ભેગા રમતો રમતા થયા ને ઘરે જમતા થયા. રીનુ તો હવે પડીકાં લાવતો જ નહિ. એને મમ્મીનાં હાથનો શીરો ને મેથી પૂરી ગમતી. બધા ભેગા થઈ ઘરનો નાસ્તો કરતા. વાતોમાં ને વાતોમાં મોબાઈલ જ ભૂલાય જ ગયો...


