- માછલીએ બૂમ પાડી, 'ઊંટ કાકા... ઊંટ કાકા! અમારા પાણીના ઘરમાં પણ બાળકોને મુસાફરી કરવી હોય તો આવો. એમને મજા આવશે.'
- જાગૃતિ 'પ્રેરણા'
એક નદી હતી. નદીની વચ્ચે વૃક્ષો હતાં. નદીના કિનારે રેતીનો પટ હતો. ત્યાં ક્યાંક બાંકડા મૂકેલા હતાં. એક-બે નાની દુકાનો હતી. થોડે દૂર રસ્તો હતો. એ રસ્તાથી ઊંચે પુલ પર રેલ્વેના પાટા હતાં. નજીકમાં ઊંટગાડી ફરતી હતી.
રેતીમાં રોજ બાળકો રમવા આવતાં હતાં. આ બાળકો નદી અને નદીનાં જંતુઓ, ઝાડ અને ઝાડનાં પક્ષીઓ, રોડ, રેલની પટરી, હવાઈ વાહનો વગેરેથી પરિચિત થઈ ગયાં હતાં.
એક દિવસ બાળકોને રમવાની મજા નહોતી આવતી. એ ચુપચાપ બેસી રહ્યા હતાં. ત્યાં ઊંટ આવ્યું. ઊંચી ડોકે પૂછે, 'વ્હાલાં બાલુડા, કેમ રમતાં નથી? ચાલો હું તમને મારી પીઠ પર સવારી કરાવું?'
બાળકો કૂદકા મારીને ઊંટની નજીક ગયાં. ઊંટની સવારી શરુ થઈ.
ત્યાં તો માથા ઉપર ઘરરર.... ઘરરર... અવાજ આવ્યો. બાળકો ડરી ગયાં. ઊંટે કહ્યું, 'ડરશો નહિ. આ તો આકાશમાંથી વિમાનનો અવાજ આવે છે.'
ઊંટ આગળ બોલ્યો, 'રોકેટ, હેલિકોપ્ટર, વિમાન એ બધા હવાઈ મુસાફરીનાં સાધનો છે. એ આખું આકાશ ફેરવે.'
આ બધું કિનારે આવેલી માછલી સાંભળતી હતી. માછલીએ બૂમ પાડી, 'ઊંટ કાકા... ઊંટ કાકા! અમારા પાણીના ઘરમાં પણ બાળકોને મુસાફરી કરવી હોય તો આવો. એમને મજા આવશે.'
ઊંટ કહે, 'આ બાળકો કાચબો, દેડકો, મગર, જળઘોડો કે તારા પર સવારી ન કરી શકે. હું બાળકોને પાણીમાં નહીં મોકલું.'
માછલી કહે, 'પણ બાળકોને કોઈ જળચર પ્રાણી સાથે નથી ફરવાનું. અમારા પાણીનાં વાહનો જેવાં કે હોડી, સ્ટીમર, જહાજ એમાં મજા કરતાં મુસાફરી કરી શકાય.'
ઊંટ કહે, 'ઓહો... તો બરાબર. જા, તું તારું વાહન લઈ આવ અને બાળકોને પાણીના રસ્તે સવારી કરાવ.'
માછલી હોડી કિનારે લઈ આવી. બાળકો ખુશ થઈને હોડીમાં બેસી ગયાં.
માછલી તો પાણીમાં ઉછળે, નીચે ધૂબાકો મારે, ઊંચે આવે ને બાળકો પર પાણી ઉડાડે. ત્યાં તો સહેજ હોડી ત્રાસી થઈ ને બાળકો ડરી ગયાં. માછલી ધીમું ધીમું હસી અને બોલી, 'ડરશો નહિ, આ તો પાણીનો રસ્તો એટલે હોડી થોડી હલી જાય.'
બાળકોને આ મુસાફરીમાં બહુ મજા આવી.
ત્યાં તો દૂર ઝાડ પર કોયલ ગાતી હતી, 'કુહૂ....કુહૂ... કુહૂ... કુહૂ....'
'આ શાનો અવાજ છે?' એક બાળક બોલ્યું.
માછલી કહે, 'ત્યાં કાંઠે જુઓ. ત્યાં ઝાડ પર કેટલાંક પક્ષીઓ બેઠાં છે.'
બાળકો ત્યાં નજર કરે ત્યાં તો એક ટોળું ઊડયું - ફરરર...
'આ પંખીઓ કેટલાં સરસ ઊડે છે! આપણે એમની જેમ ઊડી ન શકીએ?' એક નાની બેબી બોલી.
ઝાડ પર બેઠી બેઠી હિલ મેના આ સાંભળી રહી હતી. ભારતની સૌથી વાતોડિયણ પક્ષી એટલે હિલ મેના. હિલ મેનાને તો વાતો કરવાની તક મળી ગઈ. તે બોલી, 'માછલીબેન અને બાળકો, મજામાં છોને?'
માછલી કહે, 'હા મેનારાણી, બધાય મજામાં છે. તમે આ બાળકોને આકાશની મુસાફરી વિશે વાત કરોને!'
હિલ મેના કહે-
'અમે પક્ષીઓ,
અમારે ઉડવાની બે પાંખો.
પાંખોથી શરીર ખેંચીને ઊડીએ,
અમે ખેચર જીવ કહેવાઈએ.
પેરાશૂટમાં બેસો,
અમારી જેમ ઊડો...'
હિલ મેનાએ તો ગીત ગાયું. જળચર જીવને પણ બાળકોની સાથે મજા પડી.
'એ... બાળકો બહાર આવો,' ઊંટે બૂમ પાડી.
બાળકો બહાર આવ્યાં. ઊંટે પૂછયું, 'મજા આવી કે નહિ?'
બાળકો ઊંટ ફરતે ગોળ-ગોળ કૂદતાં જાય ને ગાતાં જાય-
'મસ્તીની મુસાફરી ભાઈ,
મસ્તીની મુસાફરી...
જમીન પર ચાલનારા ભૂચર કહેવાય.
પાણીમાં રહેનારા જળચર કહેવાય.
હવામાં ઊડનારા ખેચર કહેવાય.
મસ્તીમાં ગાનારાં અમે બાળકો કહેવાય...'
બાળકો ખુશ ખુશ... ને ઊંટભાઈ પણ ખુશ!


