- મીઠાઈઓ હચમચી ગઈ. નમકીન દાનવ? એ તો મીઠાઈઓનો દુશ્મન! એને મીઠાશ બિલકુલ ન ગમે! એ હંમેશા કહેતો હોય છે કે, મીઠાઈઓ લોકોને માંદા પાડી દે છે...!
ડો. પારુલ અમિત 'પંખુડી'
એક વખતની વાત છે.
કેરમલના પહાડોની વચ્ચે અને ચોકલેટની નદીના કાંઠે એક અજબ નગર હતું.
નામ એનું મીઠાઈનગર!
અહીં બધું મીઠાઈથી બનેલું હતું.
ઘરો ગાજરના હલવાનાં, રસ્તા ચીક્કી જેવા ચમકતાં અને બાગો રંગબેરંગી જેલી ખાંડ તથા સાંકરથી ભરેલા.
મીઠાઈનગરમાં લાડુલાલ, કાજુ કતરી દીદી, ચોકલેટકુમાર, પેંડાભાઈ, ગુલાબજાંબુ મહારાજ, સોનાપાપડી મેડમ, રસગુલ્લા કાકી સૌ હળીમળીને રહેતાં હતાં.
આ સૌમાંથી લાડુલાલ ગોળમટોળ, પીળા રંગના અને સૌથી મીઠા. એ હંમેશા હસતા જ હોય.
તેમનો મિત્ર હતો ચોકી ચોકલેટ, જે ઠંડા દિમાગનો અને વિચારીને બોલનારો હતો.
તેમની બાજુના ઘરમાં રહેતાં હતાં રોશની રસગુલ્લા કાકી, જે હંમેશા ગીતો ગાય, નાચે અને બધાને મજા કરાવે.
સૌથી શરારતી હતી ગાલુ ગુલાબજાંબુ મહારાજની ચાસણી. તે ક્યાંક ચોંટે, ક્યાંક ફસાય!
એક સવારે મીઠાઈનગરમાં હાહાકાર મચી ગયો.
સૂર્યોદય થતાં જ શ્રી ગોલુ ગુલાબજાંબુ મહારાજએ રાજમંડપમાંથી જાહેરાત કરીઃ
'અરે મીઠાઈ મિત્રો! આજે આપણું મીઠાઈનગર જોખમમાં છે! કોઈએ રાતે આપણા મીઠાઈફૂલોના બગીચામાંથી સાંકર, જેલી અને ખાંડ ચોરી લીધા છે!'
સૌ કોઈ 'ઓહ્હ્હ!' કરતાં ચોંકી ગયા.
સાંકર ને ખાંડ વગર બગીચો કરમાઈ જશે, નદીઓની મીઠાશ ઘટશે, અને આખું મીઠાઈનગર ઉદાસ થઈ જશે!
લાડુલાલે હાથ કમર પર મૂક્યો, 'ચાલો મિત્રો, આપણે શોધવા નીકળી જઈએ!'
ચોકી ચોકલેટ બોલ્યો, 'હું નકશો લઈ આવું છું.'
રોશની રસગુલ્લા કાકી બોલ્યાં, 'હું ગીત ગાઈને સૌની હિંમત વધારીશ!'
ગોલુ ગુલાબજાંબુ મહારાજ તો ખુશ થઈ બોલ્યા, 'તો તો મજા આવશે! શોધખોળ એટલે સાહસ!'
એટલું કહી ચારેય મીઠાઈનગરની બહાર નીકળ્યાં .
રસ્તામાં પ્રથમ તેમને મળી સોનપાપડી. નાજુક, મુલાયમ અને ડરેલી. સહેજ અડકીએ તો ચુર ચુર થઈ જાય.
સોનપાપડી બોલી, 'અરે લાડુભાઈ, કાલે રાતે મેં જોયું હતું કે કશુંક કાળા રંગનું, જે બગીચાની આજુબાજુ ફરતું હતું.'
ચોકી ચોકલેટે વિચાર્યું - કાળું ભમ્મર... એ વળી શું હશે?
સૌએ પગલાંનાં નિશાન જોયાં, જે વિચિત્ર લાગતાં હતાં.
લાડુએ પગલાંને સહેજ અડકી ચાખ્યું તો, અરે! આ તો ખારું ભસ...!
લાડુભાઈ ચોંક્યા - ખારું અહીં મીઠાઈનગરમાં? નક્કી નમકીન દાનવ હશે!
મીઠાઈઓ હચમચી ગઈ.
નમકીન દાનવ? એ તો મીઠાઈઓનો દુશ્મન! એને મીઠાશ બિલકુલ ન ગમે! એ હંમેશા કહેતો હોય છે કે, મીઠાઈઓ લોકોને માંદા પાડી દે છે...!
બધા ધીમે ધીમે આગળ વધ્યા. ચોકી ચોકલેટે કહ્યું, 'આપણે શાંતિ જાળવી રાખીએ, ગુસ્સો ન કરીએ.'
જંગલમાંથી બહાર નીકળતાં જ તેમણે જોયું કે ત્યાં એક મોટો નમકીન દાનવ બેઠો છે!
એના હાથમાં એ જ ચમકતા સાકરતારા હતા જેના કારણે મીઠાઈઓ ગળી બનતી.
નમકીન દાનવ બોલ્યો, 'હા-હા-હા...! હવે આ સાકરનો ભુક્કો કરી નાખીશ, જેથી કીડીઓ આવીને બધું સફાચટ કરી નાખે. પછી મીઠાઈ નગરમાં હું મારી નમકીન ગુફા વસાવીશ. પછી અહીં કોઈ મીઠાઈ ક્યારેય નહીં બની શકે!'
લાડુભાઈએ આગળ જઈને કહ્યું, 'અરે દાનવભાઈ, તમે એવું શા માટે કરો છો? મીઠાઈ અને નમકીન બન્ને સાથે ખાઈએ તો જ સ્વાદ આવે ને!'
રોશની રોશની રસગુલ્લા કાકી બોલ્યાં, 'હા, મીઠાઈ પછી થોડી ખારી ચીજ ખાવાની મજા અલગ જ હોય છે.'
ચોકી ચોકલેટ કહે, 'જુઓ દાનવભાઈ, જરા જુઓ. સાકર વગર બગીચો મુરઝાઈ રહ્યો છે. નવું વર્ષ શરૂ થયું છે, સૌ કોઈ મીઠાઈ વહેંચીને નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. તમે ચિંતા ના કર. તમારે અમારા નવરમાં ગુફા બનાવીને રહેવું હોય તો અમે ચોક્કસપણે તમારો સમાવેશ કરી લઈશું.'
સૌ કોઈ એકસાથે બોલી ઉઠયા, 'હા, હા... તમે અમારી સાથે જ રહો. આપણે સૌ પ્રેમથી હળીમળીને રહીશું.'
ગોલુ ગુલાબજાંબુ મહારાજ કહે, 'નમકીન દાનવ, વધારે ન વિચારો. ચાલો, આ નવા વરસથી આપણે સૌ સાથે રહીએ અને એક નવી શરુઆત કરીએ.'
આ સાંભળીને નમકીન દાનવ થોડો નરમ પડયો. ગોલુ ગુલાબજાંબુ મહારાજ કહે, 'નમકીન દાનવ, ચાલો, હું તમને હગ આપું...'
...ગોલુ ગુલાબજાંબુની ચાસણી નમકીનને વળગી પડી.
નમકીન દાનવની ખારાશ અને ગોલુ ગુલાબજાંબુ મહારાજની મીઠાશ એકમેકમાં ભળી ગઈ.
બસ, ત્યારથી મીઠાઈ અને નમકીન સાથે જ પીરસવામાં આવે છે!


