Get The App

ફળોની પિકનિક .

Updated: Nov 14th, 2025

GS TEAM

Google News
Google News
ફળોની પિકનિક                                          . 1 - image

- કેળાએ પૂછયું,'અરે ટમેટાભાઈ, તું રમવા કેમ નથી આવતો?' ટમેટું બોલ્યું, 'મને થોડી ઠંડી લાગી છે, હું ધુ્રજી રહ્યો છું.'

- ડૉ . પારુલ અમિત 'પંખુડી'

એક વખતની વાત છે. ફળોની દુનિયામાં સવાર ખૂબ જ આનંદભરી હતી. બધા ફળો સફરજન,કેરી, દ્રાક્ષ, કેળું, નારંગી અને ટમેટું ખૂબ ખુશ હતાં, કારણ કે આજે એમનો 'ફળોનો પિકનિક દિવસ' હતો!

સવારથી જ સૌ તૈયાર થવાં લાગ્યાં.

સફરજનએ પોતાનો લાલચટ્ટ કોટ પહેર્યો. 

કેરીએ પાંદડાનો ટોપી પહેરી. દ્રાક્ષે આછા લીલાં રંગની સાડી પહેરી.

કેળાએ પીળી લૂંગી પહેરી અને હસતાં હસતાં કહ્યું, 'અરે ભાઈઓ, આજે તો મોજ પડશે!'

બધાં ભેગાં થઈને ટોપલામાં ભરાયાં અને ગાડીમાં ચઢી ગયાં. દ્રાક્ષે સંગીત વગાડયું, અને બધાં ગીત ગાવા લાગ્યાંઃ

'અમે ફળો મીઠાં મીઠાં,

આરોગ્યના મિત્ર સચ્ચા!' 

બધાં ફળો બગીચામાં પહોંચ્યાં. ત્યાં લીલું ઘાસ, રંગીન ફૂલો અને તાજી હવા અને સુંદર દ્રષ્ય હતું.

'ચાલો પહેલાં રમીએ!' કેરી બોલી.

'ચાલો છુપમ્છુપાઈ રમીએ!' દ્રાક્ષ બોલી.

બધા ખુશખુશાલ રમવા લાગ્યાં.

પણ ટમેટું થોડું અલગ હતું. એ તડકામાં થોડી ગરમી લેવાં ગયું, કેમકે એ ધુ્રજી રહ્યું હતું.

થોડી વારમાં ઠંડી હવા ફૂંકાવા લાગી. ટમેટું બોલ્યું, 'આહા! ઠંડો ઠંડો પવન! મને શરદી થઈ જશે...'

ધીમે ધીમે વધારે ઠંડી પડવાં લાગી.

બધાં ફળો ઉછળકૂદ કરી રહ્યાં હતાં, પણ ટમેટું ઝાડ નીચે શાંતિથી બેઠું.

કેળાએ પૂછયું, 'અરે ટમેટાભાઈ, તું રમવા કેમ નથી આવતો?'

મેટું બોલ્યું, 'મને થોડી ઠંડી લાગી છે, હું ધુ્રજી રહ્યો છું.'

કેરીએ કહ્યું, 'અરે, તારે ગરમ કપડાં પહેરાં જોઈએ! આપણે બધા પિકનિક માટે આવ્યાં છીએ, પણ હેલ્થ પણ જરૂરી છે!'

 ધીમે ધીમે ટમેટું વધારે ધુ્રજવા લાગ્યું. નાક લાલ થઈ ગયું, છીંક આવવા લાગી - 'આછૂં! આછૂં!'

બધાં ફળો દોડી આવ્યાં.

સફરજન બોલ્યું, 'ટમેટા! તને તાવ આવી રહ્યો છે!'

દ્રાક્ષે તરત જ પાણીની બોટલ આપી. નારંગીએ કહ્યું, 'ચાલ, સૂર્યના ગરમ કિરણોમાં બેસ.'

બધાં ફળોએ ટમેટાને ઘાસની શાલ ઓઢાડી. બધાંએ મળીને ટમેટાનું ધ્યાન રાખ્યું.

થોડી વાર પછી ટમેટાને સારું લાગ્યું. એ હસતાં બોલ્યું, 'આભાર મિત્રો! મને શીખ મળી ગઈ - ગરમ કપડાં પહેરવાં જોઈએ. પોતાના શરીરની સંભાળ લેવી એ પણ પિકનિકમાં એટલું જ મહત્વનું છે!'

સફરજન બોલ્યું, 'હા! આનંદ કરવો સારું, પણ આરોગ્યની કાળજી લેવી વધુ સારું.'

પછી બધાં ફળોએ ભોજન કર્યું - ફળનો સલાડ, રસ અને મીઠી વાતો!

ટમેટાએ કહ્યું, 'આજથી હું હંમેશાં સાવધ રહીશ.'

બધાં ફળો હસ્યાં, 'શાબાશ, ટમેટા ભાઈ!'

સાંજ પડતાં બધાં ફળો ટોપલામાં પાછાં ભરાયા. પાછા જતાં બધાં ગીત ગાતાં હતાં -

'મિત્રો સાથે મોજ કરવી,

પણ કાળજી રાખવી પણ જરૂર,

શરીર છે અમૂલ્ય ધન,

એ રાખે જીવન તંદુરસ્ત!' 

ઘરે પહોંચતાં સૌએ ટમેટાને અલવિદા કરી.

ટમેટાએ ઘરે જઈને મમ્મીને બધી વાત કરી. મમ્મી હસીને બોલી, 'હવે સમજાયુંને બેટા? ઠંડી હોય કે ગરમી, શરીરનું ધ્યાન રાખવું જોઈએ.'

ટમેટું ખુશીથી બોલ્યું, 'હા મમ્મી, હવે હું રોજ ગરમ કપડાં લઈ જઈશ!'

તે રાતે ટમેટું સુતાં વિચારતું હતું -  આજનો દિવસ મજાનો પણ શીખવાનો હતો. જો મિત્રો ન હોત તો કદાચ હું બીમાર થઈ જાત!

...અને એ દિવસથી, જ્યારે પણ કોઈ ફળ પિકનિક કે બહાર રમવા જાય, ટમેટું હંમેશાં યાદ અપાવે -

'મિત્રો, મોજ કરજો, પણ શરીરની કાળજી લેવાનું ભૂલશો નહીં!'