For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કર્મોનું ફળ .

Updated: Mar 17th, 2023

Article Content Image

- નંદુલાલ શેઠ સવારે ઉઠીને શું જુવે છે? પોતાના ઘરની સામે પડેલી ખાલી જગ્યામાં રાતોરાત મોટો મહેલ બની ગયો છે! પોતાની હવેલી કરતાંય ક્યાંય મોટો!

- સલીમભાઈ ચણાવાલા 

રા મપુર નામ સુંદર મજાનું ગામ હતું. તેમાં નંદુલાલ શેઠ રહેતા હતા. શેઠ ખૂબ ધનવાન. સુંદર હવેલી જેવું મકાન. બહાર સંત્રીઓ પહેરો ભરતા હોય. શેઠની આ હવેલીની સામે વિશાળ ખાલી જગ્યા હતી. આ વિશાળ મેદાનના એક ખૂણા પર લાલુભાઈ એક ઝંુપડી બનાવીને રહેતા હતા. તેઓ ખૂબ જ ગરીબ હતા, પણ ભક્તિભાવથી ભરપૂર અને પ્રામાણિક. ગામના લોકોનાં કપડાં સીવીને ગુજરાન ચલાવતા. 

એક દિવસની વાત છે. મોટી દાઢીવાળો, ખભે કાળી કામળી ધારણ કરેલો અને હાથમાં માળા ફેરવતો ખૂબ જ ગંદો લાગતો એક માણસ કશેકથી આવ્યો. આમ તો એ ખુદાનો બંદો લાગતો હતો. રાત્રીનો સમય હતો. શેઠની હવેલી પાસે આવીને એ ઊભો રહ્યો. સંત્રીને ખૂબ જ નમ્રતાથી અરજ કરી: આ સામેની ખુલ્લી જગ્યામાં એક રાત્રી માટે મને રહેવા દો. સવાર થતા જ હું ચાલ્યો જઈશ.

ફકીરબાબાની વાત સાંભળી સંત્રી ગુસ્સે થયો. એણે કહ્યંુ:  અગર હમારા શેઠજી આવશે તો તમારા જેવા ગંદા ફકીરને જોઈને ખૂબ ગુસ્સે થશે. ત્યાં જ શેઠની ગાડી આવી. શેઠ આ ગંદા ફકીરને જોઈને ખરેખર રોષે ભરાયા. એમણે ચોકીદારને કહ્યું: આ ગંદા માણસને ભગાડી મૂક!

 ફકીર ત્યાંથી ચુપચાપ ચાલવા લાગ્યા અને પેલા લાલુભાઈના ઝુંપડા પાસે આવીને ઉભા રહ્યા.

લાલુભાઈએ તો બાબાને જોઈને સાદર પ્રણામ કર્યા. કહે: મારા ગરીબના ભાગ્ય કે તમે મારા આંગણે પધાર્યા! 

બાબા કહે: મારે કશું જોઈતું નથી. હું રાત્રે રોકાઈને સવારે ચાલ્યો જઈશ. 

લાલુભાઈ એમને ઘરમાં લાવ્યા. પોતાના તૂટેલા ખાટલામાં સુવડાવ્યા અને નીચે બેસી ફકીરના પગ દબાવવા લાગ્યા. ફકીરબાબા સવારે ઉઠયા. તેમને ચા પીવડાવી લાલુભાઈ તેમને ગામના પાદર સુધી વળાવી આવ્યા. તેમણે આખો દિવસ કામ કર્યું ને રાત્રે પોતાની ઝુંપડીમાં સૂઈ ગયા. સવારે તેઓ ઉઠયા ને આંખો ખોલતાં જ અચંબામાં પડી ગયા. એમની ઝંુપડી મોટો મહેલ બની ગઈ હતી અને ચાર-પાંચ ચોકીદારો બહાર પહેરો ભરી રહ્યા હતા! 

લાલુભાઈ સમજી ગયા. આ નક્કી પેલા ફકીરબાબાના આશીર્વાદ છે! એમની આંખો ધન્યતાથી ભીની થઈ ગઈ. 

આ બાજુ નંદુલાલ શેઠ સવારે ઉઠીને શું જુવે છે? પોતાના ઘરની સામે પડેલી ખાલી જગ્યામાં રાતોરાત મોટો મહેલ બની ગયો છે! પોતાની હવેલી કરતાંય ક્યાંય મોટો! લાલચુ નંદુશેઠ તરત લાલુભાઈને મળ્યા. લાલુભાઈએ કહ્યું કે આ તો ફકીરબાબાના આશીર્વાદનું પરિણામ છે. શેઠ વિચારમાં પડી ગયા. એમણે તરત પોતાની ગાડી કાઢી ને ફકીરને શોધવા નીકળી પડયા. બાજુના ગામ તરફ જતા રસ્તે ફકીર મળી ગયા. નંદુશેઠ ફકીરબાબાના પગે પડી ગયા. કહે: બાબા, મારી હવેલીએ પધારો. મને પણ ખૂબ બધી સંપત્તિ આપો! 

ફકીરબાબા હસ્યા. પછી કહે: આ તો બધાં કર્મોનાં ફળ છે... 

આટલું બોલી ફકીરબાબા અદ્રશ્ય થઈ ગયા!    

Gujarat