મહેનતનું ફળ .
- 'ગુરુ દ્રોણે એકલવ્યને બાણવિદ્યા ન શીખવી, પણ એકલવ્યએ ધીરજ રાખી અને એ બાણવિદ્યામાં એ અર્જુન કરતાં વધારે પારંગત થઇ ગયો. આથી તું મહેનત કરીશ તો કલેક્ટર પણ બની શકે.'
કિરણબેન પુરોહિત 'કૃતિ'
લા લુના પપ્પા ખમણ અને ઢોકળા વેચવાનો ધંધો કરતાં હતાં. સવારના આઠ વાગ્યામાં તેઓ લારીમાં ખમણ અને ઢોકળાનાં ડબ્બા ગોઠવી દેતા. તીખી અને ગળી ચટણીના ડબ્બા પણ રાખી દેતા. લાલુ નાનો હતો ત્યારથી જ જોતો આવ્યો હતો કે તેનાં માબાપ સવારેં વહેલા ઉઠીને ખૂબ મહેનત કરતાં. આંખો દિવસ ખમણ વેચતાં ત્યારે માંડ થોડા પૈસા મળતા.
લાલુ મોટો થયો એટલે સ્કૂલે જવા લાગ્યો. સ્કૂલમાં બધા તેને ખમણવાળાનો છોકરો કહીને ચીડવતા. લાલુને તે જરાય ગમતું નહીં. એક દિવસ તેણે પપ્પાને કહ્યું 'તમે બીજું કોઈ કામ કરો, કેમ કે બધા મને ખમણવાળાનો છોકરો કહે છે તે મને ગમતું નથી. મારા બધા મિત્રોના પપ્પા બેંકમાં અને મોટી ઓફિસમાં કામ કરે છે.'
લાલુનાં પપ્પાએ સમજાવ્યું, 'બેટા કોઈ કામ નાનું નથી. મહેનતની કમાણી જ સાચી છે. હું બહુ ભણ્યો નથી એટલે મને ક્યાંય નોકરી ના મળી. એટલે તો તને ખૂબ ભણાવવો છે.'
લાલુ કહે, 'હા, મારે આ ખમણ અને ઢોકળાનો ધંધો નથી કરવો. મારે તો ઓફિસર બનવું છે.'
લાલુને તો ભણીને ઓફિસર બનવાનું સપનું હતું. તે દસમા ધોરણમાં આવ્યો એટલે તેણે ખૂબ મહેનત કરી.
લાલુને દસમા ધોરણમાં સરસ ટકા આવ્યાં એટલે તેને આગળ ભણવાનો ઉત્સાહ વધવા માંડયો.
લાલુએ કોલેજ પૂરી કરી, ડિગ્રી મેળવી, પણ ક્યાંય નોકરી ના મળી. આથી લાલુ નિરાશ થઈ ગયો. તેના પપ્પા પણ ઉંમરને લીધે બહુ કામ કરી શકતા ના હતાં. આથી લાલુને પરાણે ખમણનો ધંધો સંભાળવો પડતો હતો. લાલુ હિંમત ના હાર્યો. તે પપ્પાને ખમણનાં ધંધામાં મદદ કરતો અને સારી નોકરી મળે તે માટે મહેનત પણ કરતો.
લાલુને તો કલેક્ટર બનવાનું સપનું હતું. આથી કલેકટર બનવા માટેની પરીક્ષાની તૈયારી કરવા લાગ્યો. લાલુ મહેનત બહુ કરતો, પણ ક્યારેક નિરાશ થઈને ચિંતા કરવા લાગતો. તેને ફિકર થતી કે ખૂબ મહેનત કરવા છતાં તે પાસ નહીં થાય તો? તે કલેક્ટર તો નહીં બની શકે, પણ સારી નોકરી મળી જાય તો પણ સારું. કમસે કમ આ ખમણનો ધંધો તો ના કરવો પડે.
લાલુના પપ્પા એને નિરાશ જોઈ ન શકતા.
'લાલુ, બેટા ખોટી ચિંતા ના કરીશ. ક્યાંક તો નોકરી તને મળી જ જશે. ધીરજનાં ફળ મીઠાં આ કહેવત યાદ રાખજે.' આમ તેના પપ્પા લાલુને હંમેશા સમજાવતાં.
લાલુએ ઘણા ઇન્ટરવ્યુ આપ્યાં પણ ક્યાંય નોકરી ના મળી. લાલુ સારી નોકરી માટે વધારે મહેનત કરવા લાગ્યો. તેનો ઉત્સાહ વધે તે માટે તેનાં મમ્મી-પપ્પા ખૂબ સમજાવતાં અને તેને વધુ મહેનત કરવા માટે પ્રોત્સાહન આપતાં.
પપ્પાએ તેને એકલવ્યનો દાખલો આપીને સમજાવતા કે ગુરુ દ્રોણે એકલવ્યને બાણવિદ્યા ના શીખવી, પણ એકલવ્યએ ધીરજ રાખી અને એ બાણવિદ્યામાં એ અર્જુન કરતાં વધારે પારંગત થઇ ગયો. આથી તું મહેનત કરીશ તો કલેક્ટર પણ બની શકે.' લાલુએ ધીરજ રાખીને ખૂબ મહેનત કરી. યુપીએસસીની પરીક્ષા આપી. લાલુ પરીક્ષામાં પાસ થઇ ગયો અને કલેક્ટર બની ગયો! લાલુને અને તેનાં મમ્મી-પપ્પાને ધીરજનું ફળ મળી ગયું. તેણે ધીરજથી જીવનમાં સંઘર્ષ કર્યો અને ખૂબ મહેનત કરી અને તેને ખૂબ સફળતા મળી. કલેક્ટર બનવાનું એનું સપનું પુરુ કર્યું. બાળમિત્રો, ખૂબ ધીરજ રાખીને મહેનત કરવામાં આવે તો આપણે જીવનમાં સફળતા જરૂર મળે છે.