Get The App

સંગથી રંગ સુધી.. .

Updated: Apr 23rd, 2021

GS TEAM

Google News
Google News
સંગથી રંગ સુધી..                          . 1 - image


- હવા જોઈ શકાતી નથી. સમય જોઈ શકાતો નથી. બન્ને આપણી આસપાસ ઘુમરાતા રહે છે. રંગ જોઈ શકાય છે. કુદરતમાં બદલાતા રંગો જોઈ શકાય છે. હવા વહેતી રહે છે. સમય વહેતો રહે છે

- 'પપ્પા તમે આ મકાન વેચવા માગતા હોવ તો મારે તમારી સાથે મુંબઈ આવવું નથી. હું આ ઘરમાં રહીશ. અને દુકાન ચલાવીશ'

રા મગઢ નાનું સરખું ગામ. આઠ નવ વર્ષનો રાજૂ ખેડૂતનો દીકરો. આઠ-નવ વર્ષનો બીરજુ વણીકનો દીકરો. બન્ને વચ્ચે પાકી દોસ્તી. રાજુના બાપુને ખેતી ખેતીમાં રાજુ મદદ કરે. બીરજુના પિતાને ગામમાં નાની સરખી કરીયાણાની દુકાન અને થોડી જમીનમાં ખેતી. ગામની એક શેરીના નાકે રાજુનું ઘર-ગામની વચ્ચે બજારમાં બીરજુનું ઘર. રાજુ અને બીરજુ પ્રાથમિક શાળામાં સાથે ભણે. બન્ને વચ્ચે ક્યારે દોસ્તી થઈ ગઈ એની યાદ બન્નેમાંથી કોઈને નથી. શાળામાં ભણતા. સાંજ, સવાર પાદરના વડ નીચે લખોટી રમતા. વડ ઉપર ચડ-ઉતર કરતા. ખેતરમાં લટાર મારવા જતા. મસ્તી મસ્તીમાં દોસ્તી થઈ ગઈ.

રાજુ નાનો હતો પણ ખેતીમાં બાપુને મદદ કરતો. ઘણીવાર એવું બનતું બીરજુ વડના ઓટલા પર બેઠો હોય ત્યારે રાજુ ઘાસનો ભારો માથે મૂકી ખેતરથી આવતો હોય. બીરજુ ઓટલા પર રાજુની રાહ જોતો હોય. બન્નેની આંખો મળતી. રાજુ ઘાસનો ભારો માથા પર હોય તો પણ ઝડપથી ચાલીને બીરજુને મળવા પહોંચી જતો. બીરજુ રાજુને જોઈને ખુશ થઈ જતો. બન્ને વાતો કરતા થાકતા નહીં. રાજુ ખેતરેથી લાવેલા શાકભાજી બીરજુને પ્રેમથી આપતો. બીરજું રાજુ સામે આભારવસ જોઈ રહેતો.

રાજુ મહેનત કરતો. રાજુ તાપમાં, વરસાદમાં ઠંડીમાં બાપુ સાથે ખેતરમાં કામ કરતો. જ્યારે બીરજુ પિતાની દુકાન પર બેસતો. પિતાની ગેરહાજરીમાં ઘરાગો સાચવતો. બીરજુની મહેનતમાં એક પ્રકારની રાહત હતી. જ્યારે રાજુની મહેનતમાં સખત મજૂરી. બીરજુ રાજુની મહેનત જોઈને દંગ રહી જતો. રાજુની મહેનત બીરજુને પિતાની દુકાનમાં કામ કરવાની પ્રેરણા આપતી. બીરજુ મનોમન રાજુનો આભાર માનતો.

બીરજુ રાજુએ આપેલા શાકભાજી ઘરે લઈ જતો. બીરજુ માને શાકભાજી આપતો. મા પૂછતી : બેટા, આ શાકભાજી ક્યાંથી લાવ્યો ? બીરજુ કહેતો મારો દોસ્ત રાજુ એના ખેતરમાં ઉગેલા શાકભાજી આપે છે. રાજુ મારો જીગરી દોસ્ત છે. રાજુ એના બાપુ સાથે ખેતરમાં કામ કરવા જાય છે. ખેતરમાં શાકભાજી ઉગાડે છે. રાજુની મહેનતના આ શાકભાજી છે. એ મને પ્રેમથી આપે છે.

આ સાંભળી બીરજુની મા દંગ થઈ જતી. બીરજુ કહેતો : 'બા, રાજુ મહેનતું છે. ખેતરમાં એના બાપુ સાથે કામ કરે છે, સાથે સાથે મારી સાથે શાળામાં ભણવા આવે છે.' અમે બન્ને એક જ વર્ગમાં છીએ. એની મહેનત જોઈને હું પણ દુકાને કામ કરવા જવું છું. મને રાજુનું કામ બહુ ગમે છે. રાજુ મારો પાકો દોસ્ત છે. બીરજુ માની પાસે રાજુના ગુણગાન કરતો. બીરજુની મા રાજુની વાત સાંભળી ખુશ થઈ જતી. બીરજુની મા મનોમન કહેતી : 'મારા બીરજુને' રાજુ જેવો ગુણવાન દોસ્ત મળ્યો છે. ભગવાનનો આભાર.

હવે બીરજુની મમ્મી બીરજુના લંચબોક્સ સાથે રાજુ માટે લંચ બોક્સ તૈયાર કરતી. લંચ બોક્સ બીરજુને આપતા મમ્મી કહેતી : આ બન્ને લંચ બોક્સમાં તારો અને રાજુનો રીસેસનો નાસ્તો મૂક્યો છે. તમે બન્ને રીશેષમાં સાથે નાસ્તો કરજો. બીરજુ હોંશે હોંશે રાજુનો લંચબોક્સ લઈ જતો અને રાજુને આપતો. રાજુ બીરજુના મમ્મીએ બનાવેલો નાસ્તો કરતો. બીરજુ રાજુને નાસ્તો કરતાં જોઈ સંતોષ અનુભવતો.

એક દિવસ રાજુ ખેતરમાંથી થોડા શાકભાજી લઈને બીરજુના ઘરે પહોંચી ગયો. બીરજુની મમ્મી અને બીરજુ ઘર પર જ હતા. રાજુએ બીરજુની મમ્મીને શાકભાજી આપ્યા. બીરજુની મમ્મી બોલી : 'બેટા, રાજુ આટલા મોંઘા શાકભાજી લાવે છે. તો તારા બાપુ તને કંઈ કહેતા નથી ? રાજુ કહેતો : મારા બાપુએ બીરજુ માટે આ શાકભાજી આપ્યા છે. આ બાજુ આવતો હતો તો મને કહે બીરજુ માટે થોડા શાકભાજી લઈ જા.' રાજુની વાત સાંભળી બીરજુની મમ્મી ખુશ થઈ જતી.

રાજુ અને બીરજુની દોસ્તી જામતી ગઈ. સવાર, બપોર, સાંજ, રાત, દિવસ, માસ, વર્ષ વહી ગયા. બીરજુ અને રાજુનું આજે દસમા ધોરણનું રીઝલ્ટ હતું.

બન્ને સાથે સ્કૂલમાં ગયા. રીઝલ્ટ હાથમાં આવ્યું. બીરજુ સારા માર્કસથી પાસ થયો હતો. રાજુ પાસ થયો હતો. બન્ને ખુશ હતા. રાજુ બોલ્યો : બીરજુ તારી સાથે વાંચવાથી મને લાભ થયો. તારી સલાહથી હું પાસ થઈ ગયો. હવે હું બાપુની સાથે ખેતીમાં મદદ કરીશ. આગળ ભણવું તો છે પણ બાપુને પૂછવું પડે. એ કહેશે તો બાજુના ગામમાં અગિયારમાં ધોરણમાં પ્રવેશ લઈશ. બીરજુ બોલ્યો : 'રાજુ તું મહેનતુ છે. મહેનત કરીશ તો જરુર આગળ આવીશ. રાજુ, મારે આગળ ભણવા મુંબઈ જવું છે. આવતીકાલ સવારે હું મુંબઈ જવાનો છું. આપણી વચ્ચે આજે છેલ્લી મુલાકાત. હું ગામમાં આવીશ ત્યારે જરૂર મળીશ. બીરજુ અને રાજુ એકબીજાને ભેટી પડયા.'

રાજુ બોલ્યો : 'બીરજુ, ચાલ હું તો અહીંથી સીધો ખેતરમાં બાપુને મદદ કરવા જવું છું. હું પાસ થયો છું એ જાણી બાપુ ખુશ થશે. રાજુ ગયો. બીરજુની આંખમાં આંસુ આવી ગયા. બીરજુ રાજુને જતાં ક્યાંય સુધી જોતો રહ્યો.'

બીરજુ રીઝલ્ટ લઈને ઘરે આવ્યો. મમ્મી રાહ જોતી હતી. મમ્મીને જોઈને બીરજુ બોલ્યો : 'મમ્મી હું અને રાજુ પાસ થઈ ગયા. રાજુ પાસ થઈ ગયો એનો આનંદ મને વધારે છે. રાજુ મહેનતુ છે.' બીરજુની મમ્મી બોલી : 'બેટા, બીરજુ, રાજુ તારો દોસ્ત પાસ થઈ ગયો એનો આનંદ જેટલો તને છે એટલો મને પણ છે. મારા બન્ને દીકરા પાસ થઈ ગયા.'

હવા જોઈ શકાતી નથી. સમય જોઈ શકાતો નથી. બન્ને આપણી આસપાસ ઘુમરાતા રહે છે. રંગ જોઈ શકાય છે. કુદરતમાં બદલાતા રંગો જોઈ શકાય છે. હવા વહેતી રહે છે. સમય વહેતો રહે છે. બીરજુ અને રાજુનું આજ રામગઢ ગામ છે. બીરજુ ઘણા વર્ષો બાદ રામગઢ આવ્યો છે. બીરજુના પિતાએ બીરજુનું બજાર વચ્ચેનું ઘર અને દુકાન વેચવા કાઢ્યા છે. બીરજુ, બીરજુના માતાપિતા ઘર આગળ ઉભા છે.

બજારમાં ગામલોકો એકઠા થયા છે. બીરજુના પિતાએ પોતાનું મકાન વેચવા કાઢ્યું છે. બીરજુ મકાન ન વેચવાની હઠ લઈને બેઠો છે. બીરજુના પિતા બીરજુને મચક આપતા નથી. બીરજુના પિતા મકાન-દુકાન વેચી મુંબઈ જવા માંગે છે. બીરજુને આ મંજૂર નથી. બીરજુ મક્કમ છે. ઘર નહીં વેચવા દઉં. બીરજુની મમ્મી બીરજુના પક્ષમાં છે. બીરજુ એના પિતા અને એની મમ્મી વચ્ચે રકઝક ચાલ્યા કરે છે. ગામ લોકો ભેગા થયા છે.

આ તમાસો જોઈ રહ્યા છે. બાપ બેટાનો ઝઘડો લોકો જોઈ રહ્યા છે. પણ ઝઘડો શેનો છે તેનાથી ગામના લોકો અજાણ છે. સામાન્ય રીતે બાપ બેટા મિલકત માટે ઝઘડતા હોય છે. એવું લોકોને લાગતુ હોય છે. લોકોમાં ગણગણાટ ચાલતો હોય છે. સૌ લોકો બીરજુ, બીરજુના માતા-પિતા સામે એકી નજરે જોઈ રહ્યા છે. બીરજુ ઉભો થાય છે. બોલે છે : 'પપ્પા તમે આ મકાન વેચવા માગતા હોવ તો મારે તમારી સાથે મુંબઈ આવવું નથી. હું આ ઘરમાં રહીશ. અને દુકાન ચલાવીશ. મારે તમારી સાથે મુંબઈ આવવું નથી. બીરજુની મમ્મીએ પણ બીરજુનો પક્ષ લઈ બીરજુના પપ્પા સાથે મુંબઈ ન જવાની હઠ લીધી છે.

હું અને બીરજુ આ ઘરમાં રહીશું. તમ તમારે અકેલા મુંબઈ જાવ. અમારે તમારી સાથે મુંબઈ નથી આવવું. બીરજુના પપ્પા આ વાત સાંભળી ઢીલા પડયા. બીરજુના પપ્પા બોલ્યા : વાત શી છે ? તમે મારી સાથે મુંબઈ નથી આવવા માગતા ? બીરજુ બોલ્યો : પપ્પા, મમ્મી અને હું આ ઘર અને દુકાન રાજુને આપવા માંગીએ છીએ. રાજુ મારો દોસ્ત છે, એની મહેનત જોઈને મારામાં રંગ આવ્યો છે, રાજુ આજે પણ વડ નીચે પાથરણું પાથરીને શાકભાજી વેચે છે.

આ વાત બીરજુના મુખેથી સાંભળતા બીરજુના પપ્પા રડમસ જેવા થઈ ગયા. આંખોમાં પાણી આવી ગયા. મને પહેલા કેમ ખ્યાલ ન આવ્યો. બીરજુ અને તારી મમ્મીની વાત સાચી છે. આપણે રાજુના મહેનતના શાકભાજી ખાધા છે. તારો અને તારી મમ્મીના વિચારમાં મારી હા છે. રાજુને મકાન અને દુકાન આપીશું.

આ વાત સાંભળતા ગામલોકોમાં એક ખુશીની લહેર પ્રસરી ગઈ. ગામલોકો બીરજુના વિચારના વખાણ કરતા વિખરાઈ ગયા.

બીરજુના પપ્પા દુકાનના ઓટલા પર બેસતા બોલ્યા : 'બીરજુ તારો વિચાર ઉમદા છે. બીરજુ, તેં અને તારી મમ્મીએ ખાધું-પીધું અને રાજ કર્યું. બીરજુના પપ્પાની આંખોમાં પાણી આવી ગયા. મેં તો એકલાએ ખાધું અને પીધું.

- જગદીશ બી.પટેલ

Tags :