વાદળી અને ખેડૂતની દોસ્તી .
- 'જ્યારે મેં એક દેશથી બીજા દેશમાં ભ્રમણ કર્યું ત્યારે કેટલું પ્રદૂષણ જોયું! ક્યાંક કારખાનાંના ધુમાડા, તો ક્યાંક ગંદુ પાણી, ક્યાંક કચરો, તો ક્યાંક આખી નદી રહેવા જ ન દીધી!'
- સાકર વાસણ
એક સરસ મજાની નાનકડી વાદળી હતી. વાદળી એક દેશથી બીજા દેશમાં ભ્રમણ કરતી હતી. ભ્રમણ કરતાં કરતાં તેણે ઘણા લોકો જોયા, શહેરો જોયાં, રાજ્યો વગેરે બધું જ જોયું.
ભ્રમણ કરતાં કરતાં તે એક ગામડે પહોંચી. ત્યાં તેણે એક ખેડૂતને જોયો. ખેડૂત પોતાના ખેતરમાં કામ કરી રહ્યો હતો. વાદળી તે જોઈ ખેડૂતની પાસે આવી. તેણે ખેડૂત સાથે વાત કરવાનું શરૂ કર્યું. વાત કરતાં કરતાં તેણે જોયું કે ખેતરની બાજુમાં એક પહાડ છે. વાદળીએ તે પહાડ પર પોતાનું ઘર બનાવવાનું નક્કી કર્યું. પછી તો વાદળી રોજ ખેડૂત પાસે આવે અને વાતચીત કરે. આમ ખેડૂત અને વાદળી વચ્ચે દોસ્તી થઈ ગઈ.
હવે ચોમાસાની તુ આવી, સારો એવો વરસાદ થયો. જેવી ખેડૂતની ઈચ્છા હતી તેવો જ વરસાદ થયો. ખેડૂતને એમ કે વાદળી તેની મિત્ર છે એટલે જેટલો વરસાદ ખેતી માટે ઉપયોગી છે તેટલો જ વરસાદ થયો.
થોડો સમય જતા પાક વિકસવા લાગ્યો, પરંતુ થયું એવું કે કમોસમી વરસાદ થયો અને બધો જ પાક ધોવાઈ ગયો. ખેડૂતને નુકસાન ગયું. ખેડૂત ખૂબ ગુસ્સે થયો. તેણે વાદળી સાથે વાતચીત બંધ કરી દીધી અને તેની સાથેની દોસ્તી તોડવાનું એલાન કરી દીધું, પરંતુ વાદળીની મિત્રતા પાકી હતી.
તેણે હિંમત હારી નહીં અને ખેડૂતને મનાવવાના પ્રયત્નો ચાલુ રાખ્યા. છેવટે ખેડૂતને પણ એમ થયું કે મારે એક વાર વાદળીની વાત સાંભળવી જોઈએ. વાદળીએ તેને સમજાવ્યું, 'મારા લીધે ન તો વરસાદ બરાબર પડયો કે ન તો વરસાદ વધુ પડયો. હું તો એક નાનકડી વાદળી છું અને આ કમોસમી વરસાદ માટે તો માનવોની પ્રવૃત્તિ જ જવાબદાર છે. તને ખબર છે, જ્યારે મેં એક દેશથી બીજા દેશમાં ભ્રમણ કર્યું ત્યારે કેટલું પ્રદૂષણ જોયું! ક્યાંક કારખાનાંના ધુમાડા, તો ક્યાંક ગંદુ પાણી, ક્યાંક કચરો, તો ક્યાંક આખી નદી રહેવા જ ન દીધી!'
આ બધી બાબતો વિશે ખેડૂતે તો વિચાર્યું જ નહોતું. એણે વાદળીની માફી માગી. વાદળી અને ખેડૂત પાછાં દોસ્ત બની ગયાં.