Get The App

ઉંદર અને સિંહની મિત્રતા .

Updated: Jan 2nd, 2026

GS TEAM

Google News
Google News
ઉંદર અને સિંહની મિત્રતા                 . 1 - image

- નદીમાં નાહી થાકેલો સિંહ ઝાડની બાજુમાં સૂઈ ગયો હતો. એ સમયે જ ઝાડ પરથી સાપ પટકાયો અને સીધો સિંહના મોઢા પર! ગભરાયેલો સાપ સિંહના ગળા ફરતે ગૂંચળું વળી ગયો.

ડૉ. પ્રીતિ કોટેચા 

સોનગઢ નામનું એક ગાઢ જંગલ હતું. ઊંચાં વૃક્ષો, હરિયાળું જંગલ અને નદીના ખળખળ વહેતા પાણીથી ભરેલું.આ જંગલ નંદનવન જેટલું શાંત અને સુંદર લાગતું. અહીં નાનાં-મોટાં વન્યપ્રાણીઓ એકતાથી રહેતાં હતાં. એ જ જંગલની બખોલોમાં ઉંદરોનાં કુટુંબો પણ વસતા હતાં.

એક દિવસ જંગલનો રાજા બબ્બર સિંહ કાફલા સાથે ફરવા નીકળ્યો. પક્ષીઓના મીઠા કલરવ વચ્ચે તેનું મન તાજું તાજું થઈ ગયું. થોડું આગળ વધતાં એને થાક લાગ્યો અને તે એક ઘટાદાર ઝાડની નીચે આરામ કરવા બેઠો. એટલામાં નજીકની બખોલમાંથી ઉંદરના બચ્ચાંનો અવાજ કાને પડયો...

'દાદાજી, દાદાજી! વાર્તા કહો ને!'

ઉંદરના દાદા બોલ્યા, 'આજે તમને ઉંદર અને સિંહની મિત્રતાની વાર્તા કહીશ...'      

બચ્ચું આશ્ચર્યથી બોલ્યું, 'શું? સિંહ અને ઉંદર? મિત્રો?'

દાદાએ હળવેથી સ્મિત કરી કહ્યું, 'હા,હા... એક વખત સિંહે ઉંદરને ગુસ્સે થતા કહ્યું હતું કે તું નાનો, હું મોટો... આપણે ક્યારેય મિત્ર નહીં બની શકીએ. ઉંદર નિરાશ બની દરમાં જતો રહ્યો, પણ એક દિવસ શિકારીએ સિંહને જાળમાં ફસાવ્યો. એ નાનકડા ઉંદરે પોતાના સાથી મિત્રોને બોલાવી દાંતથી જાળ કાતરીને સિંહને છટકારો અપાવ્યો. ત્યારથી બંને ખૂબ પાકા મિત્રો બની ગયા.'

આ વાત બબ્બર સિંહે સાંભળી. વાત સાંભળતા જ તે ગર્જ્યો, 'આવાં તુચ્છ ઉંદર સાથે સિંહની મિત્રતા? મને તો જંગલમાં ઉંદરો જ ન જોઈએ!' 

ગુસ્સામાં તે ત્યાંથી ચાલી નીકળ્યો...

બીજા દિવસે સિંહે જંગલની સભા બોલાવી, અને એલાન કર્યું, 'આ જંગલમાં હવે ઉંદરો નહીં રહે. તેઓ નાનકડા છે, આપણા કોઈ કામનાં નથી અને વૃક્ષોની બખોલને નુકસાન કરે છે.' 

કોઈ પ્રાણી રાજાના નિર્ણયનો વિરોધ કરી શક્યું નહીં. સાપ તો ચિંતામાં પડી ગયો. ઉંદર તેમનો મનગમતો ખોરાક હતો. હવે એને દૂર-દૂર સુધી રખડવું પડશે.

થોડા જ દિવસોમાં ઉંદરોને જંગલ છોડવાનો આદેશ થયો. ઉંદરો બાજુના ગામે જઈ વસ્યા.

 ઉંદરો ગયા પછી સાપને ખોરાક મળવો ઓછો થયો. એક દિવસ કાંટામાં ફસાઈ તેની ચામડી છોલાઈ ગઈ. ભૂખ્યો થાકેલો સાપ બખોલમાં પડેલો હતો. એ વખતે દૂરથી બબ્બર સિંહની ગર્જના સંભળાઈ. સિંહ નદીમાં નાહી થાકેલો ઝાડની બાજુમાં સૂઈ ગયો હતો. એ સમયે જ ઝાડ પરથી સાપ પટકાયો અને સીધો સિંહના મોઢા પર! ગભરાયેલો સાપ સિંહના ગળામાં ગૂંચળું વળી ગયો. ... સમજોને કે સાપની ગાંઠ જ વળી ગઈ. સિંહને શ્વાસ લેવો મુશ્કેલ બન્યો.

વાંદરાએ આ જોયું અને તરત જંગલમાં દોડીને સૌને બોલાવ્યા. બધાં પ્રાણીઓ સિંહને બચાવવાનો પ્રયત્ન કરતા રહ્યાં, પણ સાપ ગળામાં ફસાઈ ગયો હતો અને બહાર આવતો નહોતો. એ સમયે ચતુર અને વૈદ્યમાં નિષ્ણાત ચંપુ શિયાળ આવ્યું.

ચંપુએ સૌને શાંત કર્યાં અને સિંહના કાનમાં કહ્યું, 'જો અહીં ઉંદર હોત, તો સાપ તરત બહાર આવી જાય.' 

સિંહે થોડી હિલચાલ કરીને ઉંદરોને બોલાવવા ઈશારો કર્યો. 

વનુ વાંદરો દોડયો અને ગામે ગયો. એણે ઉંદરોને રાજાની મુશ્કેલી કહી, પણ ઉંદરમુખી બોલ્યા, 'ના રે! અમને તો રાજાએ જંગલમાંથી કાઢી મૂક્યા. હવે અમે શું કામ આવીએ?' 

ઘણું સમજાવ્યા બાદ એક સમજદાર ઉંદર આગળ આવ્યો અને કહ્યું, 'અમારી એક જ શરત છે. રાજા અમારી મિત્રતા સ્વીકારશે તો જ અમે જંગલમાં પાછા જઈશું.'

વાંદરો આ વાત લઈને રાજા પાસે પહોંચ્યો. સિંહ જીવન-મરણની વચ્ચે ઝોલાં ખાતો હતો, તેથી તરત મિત્રતા કરવા તૈયાર થઈ ગયો.

થોડી જ વારમાં ઉંદરો જંગલમાં આવી ગયાં. ચંપુ શિયાળે બે-ત્રણ ઉંદરોને સાવધાનીથી સિંહના મોઢા પાસે રાખ્યા. ઉંદરની સુગંધ આવતાં સાપ લાલચાયો. એણે સિંહના ગળા ફરતે વળી ગયેલી પોતાની ગાંઠ ઢીલી કરી. 

ધીરેકથી એ સિંહના શરીર પરથી સરકી ગયો. સિંહે એને તરત પકડી લીધો. ઉંદરોએ વિનંતી કરી, 'રાજાજી, એને છોડી દો. તે ખૂબ ભૂખ્યો અને ડરેલો છે.'  સિંહે દયા દેખાડી સાપને છોડયો.

સિંહે ઉંદરનો આભાર માનતા સૌની સામે કહ્યું, 'નાનામાં નાનો જીવ પણ મોટા સમયે કામ આવે. અમારા પૂર્વજ અને ઉંદરના પૂર્વજ મિત્રો હતા. આજે હું પણ તેમની મિત્રતા સ્વીકારું છું. હું ઉંદરોને ફરી જંગલમાં વસવા આમંત્રણ આપું છું.'

ત્યાં જ ઉંદરોએ હસીને કહ્યું, 'રાજાજી! ગામમાં તો દહીંના મટકા અને દૂધ-ઘી-માખણની નદીઓ છે. હવે અમને ગામમાં જ ફાવે!'

બસ, એ દિવસથી ઉંદરો માણસોની વસાહતમાં રહેવા લાગ્યા!

આ રીતે નાનકડા ઉંદર અને મહા બળવાન સિંહની મિત્રતાની અદભુત વાર્તા આખા જંગલમાં પ્રસિદ્ધ બની.