Get The App

મફતની મજા ! .

Updated: May 9th, 2026

GS TEAM

Google News
Google News
મફતની મજા !                                       . 1 - image

- ગંદા, ચીકણા ગોળ પર બેસતાં જ માખીની પાંખો તો એમાં ચોંટી ગઈ! એ તો આમ ખસે તો ખસાય નહીં, તેમ ખસે તો પણ ખસાય નહીં! ઉડવા માટે પાંખો ફફડાવે પણ તેનાથી ઉડી શકાય નહીં! માખીએ તો ખૂબ મહેનત કરી પણ ન ખસાય કે ન ઉડી શકાય. હવે તેને ખબર પડી કે આ તો ગોળ ખાવા જતાં ફસાઈ ગઈ! મફતનો ગોળ ખાવાની લાલચમાં ને લાલચમાં આ તો મુસીબતમાં ફસાઈ ગઈ! ન ગોળ ખાવાની મજા માણી શકાય કે ન આમાંથી છૂટી શકાય!

- કિરીટ ગોસ્વામી

એક દિવસ માખીએ કીડીને પૂછયું, 'આ શું આખો દિવસ દોડાદોડ કરે છે?' 

કીડીએ જવાબ આપ્યો, 'હું મારું કામ કરું છું!' 

માખી હસી પડતાં બોલી, 'કામ? અરે, કામ કોણ કરે? આપણે તો મફતની મોજ કરવાની હોય!' 

કીડી કંઈ જવાબ આપ્યા વગર પોતાનું કામ કરતી રહી. માખીએ તેને સલાહ આપીથ 'મજા કરો ભઈ, મજા કરો! મફત મળે તો મજા કરો! કદીયે ના કંઈ કામ કરો, બસ, એયને આરામ કરો!'

માખીની આ વાતનો પણ કંઈ જવાબ આપ્યા વિના કીડીએ તો માત્ર સ્મિત કર્યું અને પોતાનું કામ કરવા લાગી. માખી બબડવા લાગી, 'સાવ મૂર્ખ છે આ કીડી! રાત-દિવસ કેવી તૂટી મરે છે! કંઈ મોજ તો કરતી નથી. જ્યારે જુઓ ત્યારે કામ, કામ ને કામ! બસ, રોજ ઢસરડો જ કરતી રહે છે!'

થોડાક દિવસ પછી માખીએ દુકાનદારે ફેંકેલો ગંદો ગોળ જોયો. એ ગોળ ખાવાનું એને ખૂબ મન થયું. 'ચાલો, મીઠો ગોળ ખાઉં! તગડી, તાજી-માજી થાઉં!' એમ મનોમન રાજી થતી માખી તો ગંદા ગોળ પર બેઠી.

ગંદા, ચીકણા ગોળ પર બેસતાં જ માખીની પાંખો તો એમાં ચોંટી ગઈ! એ તો આમ ખસે તો ખસાય નહીં, તેમ ખસે તો પણ ખસાય નહીં! ઉડવા માટે પાંખો ફફડાવે પણ તેનાથી ઉડી શકાય નહીં! માખીએ તો ખૂબ મહેનત કરી પણ ન ખસાય કે ન ઉડી શકાય. હવે તેને ખબર પડી કે આ તો ગોળ ખાવા જતાં ફસાઈ ગઈ! મફતનો ગોળ ખાવાની લાલચમાં ને લાલચમાં આ તો મુસીબતમાં ફસાઈ ગઈ! ન ગોળ ખાવાની મજા માણી શકાય કે ન આમાંથી છૂટી શકાય!

એવામાં કીડી ત્યાંથી નીકળી. તેણે માખીને પૂછયું, 'શું કરો છો માખીબેન?' 

માખી નીચું જોઈને ધીમા અવાજે બોલી, 'આ મફતનો ગોળ ખાવા જતાં હું તો ફસાઈ ગઈ છું!'

 આ સાંભળીને કીડી હસી પડી. એણે માખીને કહ્યું, 'અરે માખીબેન! કરો-કરો મફતની મજા!' 

માખી શરમાઈને નીચું જોઈ ગઈ!

કીડીએ તેને કહ્યું, 'મફતનું ખવાય નહીં, લાલચ કંઈ રખાય નહીં! ના કરીએ આરામ, કરીએ ઝાઝા કામ!'

માખીને કીડીની આ વાત આખરે સમજાઈ ગઈ હોય તેમ એ બોલી, 'હા, તારી વાત ખરેખર સાચી છે!' 

'તો હવે મહેનત કરીને જ આમાંથી છૂટો!' કીડીએ કહ્યું. 

માખીએ ઘણો સમય પ્રયાસ કર્યા, મહેનત કરી અને આખરે ગંદા-ચીકણા ગોળમાંથી એની પાંખો છૂટી પડી! ત્યારે તેને સમજાયું કે મફતની મજા કરતાં મહેનતની મજા કરીએ એ જ ખરેખર યોગ્ય છે!