Magazines

ભૂલાયેલાં પુસ્તકો .

By GS TEAM
29 May 20263 mins read
ભૂલાયેલાં પુસ્તકો                                       .

- બધાં પુસ્તકોને ઉદાસ અને દુખી જોઈને આરવને પોતાની ભૂલ સમજાઈ. તે બોલ્યો, 'મોબાઈલને લીધે હું તમને ભૂલી ગયો, મને માફ કરજો. હવે હું તમારા માટે પણ સમય કાઢીશ.' 

- પરીઓની વાર્તાના પુસ્તકમાંથી એક પરી દેખાઈ, તેની આંખમાં આંસુ હતાં. પરી કહેવા લાગી, 'મોબાઈલને લીધે તું મને પણ ભૂલી ગયો. મોબાઈલનો ઉપયોગ કર પણ થોડો સમય અમને પણ આપ.'

- કિરણબેન પુરોહિત

આરવને અવનવી વાર્તાઓ સાંભળવાનો અને વાંચવાનો ખૂબ શોખ હતો. તેમાંય ચિત્રવાર્તા વાંચવી તેને ખૂબ ગમતી. તે રોજ રાત્રે દાદા-દાદી પાસે વાર્તાઓ સાંભળતો. તેને દાદા પાસેથી જૂના જમાનાની અવનવી વાતો જાણવી બહુ ગમતી.

થોડા સમય પછી આરવનો જન્મદિવસ આવ્યો. તેની મમ્મીએ જન્મદિવસ ઉજવવાનું નક્કી કર્યું અને મામા, કાકા તથા બધા સગાં-સંબંધીઓને આમંત્રણ આપ્યું. આરવે પણ તેના મિત્રોને બોલાવ્યા. આરવનો જન્મદિવસ ખૂબ જ સરસ રીતે ઉજવવામાં આવ્યો. બધા તેના માટે ગિફ્ટ લઈને આવ્યા હતાં. તે ખૂબ ખુશ હતો, કેમ કે તેના પપ્પાએ તેને મોબાઈલ આપ્યો હતો.

આરવના હાથમાં મોબાઈલ આવતા જ તેનું જીવન બદલાઈ ગયું. તેને ભણવામાં પણ મોબાઈલ ઉપયોગી થતો હતો. હવે તેને કંઈ પણ નવું જાણવું હોય તો ગૂગલમાં સર્ચ કરીને જાણી લેતો. યુટયુબમાં અવનવી વાર્તાઓના વિડિયો જોતો અને ગેમ્સ રમતો. મોબાઈલના તેને ઘણા ફાયદા થયા, પણ નુકસાન પણ એટલું જ થયું. મોબાઈલને લીધે તે પુસ્તકોને ભૂલી ગયો. મિત્રો સાથે ક્રિકેટ અને બીજી રમતો રમવાનું બંધ કરી દીધું. દાદા-દાદી પાસે વાર્તા સાંભળવાનું પણ બંધ કરી દીધું. રોજ રાત્રે તેની આંખો બળવા લાગી. તેની મમ્મી તેને ખૂબ ખીજાઈને મોબાઈલ મૂકી દેવાનું કહેતી. દાદા તેને પ્રેમથી સમજાવતા કે મોબાઈલનો બહુ ઉપયોગ ના કરાય, પણ આરવ કોઈની વાત સાંભળતો નહીં. 

એક રાત્રે આરવને અજીબ સપનું આવ્યું. તેનો મોબાઈલ ક્યાંક મુકાઈ ગયો હતો, આથી તે શોધવા લાગ્યો. તેણે તેના રૂમનું કબાટ ખોલીને જોયું તો ત્યાં પણ મોબાઈલ નહોતો. તેણે જોયું તો વાર્તાનાં પુસ્તકો ઉપર ધૂળ જામી ગઈ હતી અને બધાં પુસ્તકો ઉદાસ હતાં.

એક પુસ્તક ધીમેથી બોલ્યું, 'આરવ, પહેલાં તું અમને ખૂબ માન આપતો, અમારી સફાઈ કરતો અને રોજ વાંચતો હતો. હવે તું અમને ભૂલી ગયો છે.' 

બીજું પુસ્તક બોલ્યું, 'અમારી અંદર કેટલી મજેદાર વાર્તાઓ અને જ્ઞાાન છે, પણ હવે અમને કોઈ ખોલતું નથી.' 

પરીઓની વાર્તાના પુસ્તકમાંથી એક પરી દેખાઈ, તેની આંખમાં આંસુ હતાં. પરી કહેવા લાગી, 'મોબાઈલને લીધે તું મને પણ ભૂલી ગયો. મોબાઈલનો ઉપયોગ કર પણ થોડો સમય અમને પણ આપ.'

બધાં પુસ્તકોને ઉદાસ અને દુખી જોઈને આરવને પોતાની ભૂલ સમજાઈ. તે બોલ્યો, 'મોબાઈલને લીધે હું તમને ભૂલી ગયો, મને માફ કરજો. હવે હું તમારા માટે પણ સમય કાઢીશ.' 

સવારે ઉઠતાં જ આરવે દાદાને સપનાની વાત કરી. દાદાએ સમજાવ્યું કે, 'સારાં પુસ્તકો વાંચવાનું ક્યારેય બંધ ન કરવું જોઈએ.' 

આરવે ફરીથી પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું. તેને સમજાયું કે પુસ્તકોમાં કેટલી મજા અને શાંતિ છે! તે દિવસથી આરવ રોજ થોડો સમય પુસ્તક માટે રાખતો અને મોબાઈલનો મર્યાદિત ઉપયોગ કરતો.