For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ધ્વજવંદન .

Updated: Jan 20th, 2023


-  'અરે, વાહ... તેં પણ સરસ ચિત્ર દોર્યું છે ને રંગ તો ખૂબ જ સુંદર પૂર્યાં છે. તને પણ દસમાંથી દસ માર્ક આપું છું.' 

- રોહિત ખીમચંદ કાપડિયા    

રાજુને સૂવાડવા એનાં માથામાં હાથ ફેરવતાં એનાં પપ્પાએ કીટુ અને બિટુની વાર્તા શરૂ કરી...

કીટુ અને બિટુ બંને એક જ વર્ગમાં ભણતાં હતાં. પાંચ દિવસ પછી, ૨૬ જાન્યુઆરીએ, પ્રજાસત્તાક દિન હતો. શિક્ષકે બધાને આઝાદી અને પ્રજાસત્તાક દિનની  મહત્તા સમજાવીને કહ્યું, 'આપણને સહુને આપણાં દેશ માટે અભિમાન હોવું જોઈએ. આપણે આ દેશનું નામ આખી દુનિયામાં રોશન કરવાનું છે. તમારે બધાએ કાલે શાળામાં, સોસાયટીમાં કે પછી જાહેરમાં થતા ધ્વજવંદનનું ચિત્ર દોરી અને સુંદર રંગો પૂરી નીચે દેશ માટે એક નાનકડો અને પ્યારો સંદેશ લખીને લાવવાનું છે. હા, તમારે બધાંએ 'જન ગણ મન અધિનાયક જય હે...' અને 'વંદે માતરમ...' એ બંને ગીત યાદ રાખીને મુંહપાઠ કરવાના છે...'  

કીટુ અને બિટુ બંને ઘરે આવીને થોડી વાર રમીને ધ્વજવંદનનું ચિત્ર દોરવા બેસી ગયાં.

કીટુનું ચિત્રકામ ખૂબ જ સુંદર. એણે તો ફટાફટ ચિત્ર દોરી અને રંગ પણ પૂરી દીધાં.

નીચે અલગ અલગ રંગોથી લખ્યુંઃ 'મેરા ભારત મહાન'. બિટુએ ચિત્ર બનાવ્યું, પણ બરાબર બન્યું નહીં એટલે એ થોડો ઉદાસ હતો. આ જોઈને કીટુએ કહ્યું, 'ભાઈલુ, લાવ તારું ચિત્ર હું બરાબર કરી દઉં. પછી તું એમાં રંગ પૂરજે. તને રંગ પૂરતાં બહુ સરસ આવડે છે.' 

બિટુ તો ખુશ થઈ ગયો. કીટુએ ચિત્ર બરાબર કરી દીધું અને બિટુએ સુંદર મજાનાં રંગ પૂરી દઈ નીચે ત્રિરંગાના ત્રણ રંગો લઈ લખ્યું ઃ 'ભારતમાતાની જય'.

બીજા દિવસે શાળામાં શિક્ષકે બધાંનાં ચિત્ર જોયાં. કીટુનું ચિત્ર જોઈને એમણે દસમાંથી દસ માર્ક આપ્યાં. પછી બિટુનું ચિત્ર જોઈને કહ્યું, 'અરે, વાહ... તેં પણ સરસ ચિત્ર દોર્યું છે ને રંગ તો ખૂબ જ સુંદર પૂર્યાં છે. તને પણ દસમાંથી દસ માર્ક આપું છું.' 

બિટુએ કહ્યું, 'સર, મને તો મારી મોટી દીદીએ ચિત્ર બરાબર દોરી આપ્યું હતું. હાં, રંગ મેં જાતે જ પૂર્યા છે.' 

શિક્ષકે સ્મિત કર્યું અને કહ્યું, 'તંેં ચિત્ર બનાવવામાં મદદ લીધી છે એટલે તને પૂરાં માર્ક આપવા ન જોઈએ, પણ તેં સાચી વાત જણાવી દીધી છે એટલે તારી સચ્ચાઈ બદલ તને પૂરા માર્ક આપું છું અને ઉપરથી એક સ્ટાર આપું છું.' 

બિટુ તો ખુશ ખુશ થઈ ગયો.

...અને પપ્પાની વાર્તા પૂરી થઈ.  રાજુ પણ હંમેશા સાચું જ બોલવાનું નક્કી કરીને ત્રિરંગાના વિચાર કરતો કરતો ઘસઘસાટ ઉંઘી ગયો. 

Gujarat