Get The App

સહુથી પહેલા ગણપતિ

Updated: Sep 5th, 2025

GS TEAM

Google News
Google News
સહુથી પહેલા ગણપતિ 1 - image

- ઉંદરની તાકાત જોઈ લો, માર્ગમાં થઈ જાય પોલું, 

- ફૂંક મારી, હવા ઉડાડી, ધીરે ધીરે હું ફોલું!

- વાજતેગાજતે જેવી શ્રીકૃષ્ણની જાન ત્યાંથી પસાર થઈ કે હાથી, ઘોડા, રથ, દેવ, દેવી, જાન, જાનૈયા બધાં જ પડયાં ખાડામાં. અરે, એવી દશા થઈ કે બધા લોકો હસવા લાગ્યા.

- સહુથી પહેલો નંબર એમનો, સહુથી પહેલા દેવ 

- ભૂલે ખુદ ભગવાન તો, એમની અવળી થાય કુટેવ

કૃષ્ણ-રુક્મણિનાં લગ્ન નક્કી થયાં.

ત્રણે લોકનાં દેવ-દેવીઓને આમંત્રણ મોકલાયાં. દબદબો ભારે હતો.

કોઈ રહી ન જાય તેની કાળજી રખાઈ હતી.

તે છતાં બે જણને ખાસ આમંત્રણ અપાયાં ન હતાં. એક હતા ગણપતિ. બીજા હતા શનિ.

એ બન્ને એટલા બેડોળ, બેઢંગા અને કઢંગા હતા કે લોકો એમને જોઈને જ હસવા લાગે.

હવે લગ્નમાં હસાહસ થાય એ કાંઇ સારું કહેવાય?

એમને બાકાત રાખીને જાન તો ઊપડી.

શનિ કહે ઃ 'અલ્યા ગણપતિ, આ તો આપણું અપમાન કહેવાય. હાલીમવાલી બધા જ દેવો હોય અને આપણે જ ન હોઈએ એ કેવું?'

ગણપતિ કહે ઃ 'અપમાન તો કહેવાય જ. તો આપણે એમને સીધા કરીએ. એવી યુક્તિ અજમાવીએ કે એક તરફ કૃષ્ણ રહે અને એક તરફ રુક્મણિ. લગ્ન લગ્નને ઠેકાણે રહી જાય.'

શનિ કહે ઃ 'એ વળી શી રીતે બનશે?'

ગણપતિ કહે ઃ 'જોયા કર, મિત્ર.'

એણે તો તાળી પાડી.

તેમનો ઉંદરડો હાજર થયો.

ગણપતિ કહે ઃ 'મૂષકરાજ, મારી સાથોસાથ ખાઈપીને તમે પણ મસ્તાન બન્યા છો. આજે તમારે તમારું કારસ્તાન બતાવવાનું છે. લાડુ બહુ ખાધા છે. આજે માટી ખાવાની છે.'

મૂષકરાજ તો વિચારમાં પડયા.

ગણપતિ કહે ઃ 'વાહનરાજ, ગભરાવ નહીં. પહેલાં માટી ખાશો તો પાછળથી લાડુ પણ મળશે. જુઓ, તમારી બધી ઉંદરસૃષ્ટિ ભેગી કરો અને શ્રીકૃષ્ણની જાન જે રસ્તે જાય છે એ રસ્તો સાવ પોલો બનાવી દો. રસ્તાની નીચેથી માટી એવી રીતે ખોતરી ખાવ કે જેવી જાન પસાર થાય કે બધી પડે ખાડામાં.'

મૂષકરાજને હુકમ થતાં જ વાર. 

જોતજોતામાં ધરતી પરના બધા ઉંદરો ભેગા થઈ ગયા. એવી માટી કોતરી કે ખબર જ ના પડે. 

વાજતેગાજતે જેવી શ્રીકષ્ણની જાન ત્યાંથી પસાર થઈ કે હાથી, ઘોડા, રથ, દેવ, દેવી, જાન, જાનૈયા બધાં જ પડયાં ખાડામાં.

અરે, એવી દશા થઈ કે બધા લોકો હસવા લાગ્યા. રસ્તો ઠેઠ સુધી આવો પોલો હતો. રુક્મણિના ઘર સુધી જવાય તેમ તો હતું જ નહીં.

કૃષ્ણ ભગવાન તો દોડયા શિવજી પાસે. કહેઃ 

'શિવજી, આ શું કહેવાય? આ તો હસવાનું ખસવું થઈ ગયું. લગ્નમાં વિઘ્ન આવ્યું.'

શિવજી હસ્યા.

કૃષ્ણ કહે ઃ 'હસો છો શું?'

શિવજી કહે ઃ 'ચું... ચું...'

કૃષ્ણ કહે ઃ 'ચું... ચું... એ વળી શું?'

શિવજી કહે ઃ 'તમે ગણેશને આમંત્રણ ન આપ્યું તેની આ બધી રામાયણ. તમે હસવાથી ડરતા હતા તો લો એણે એવી પરિસ્થિતિ ઉભી કરી કે લોકો તમને હસ્યા જ કરે. એણે દેવોની સામે ઉંદરડાઓની ફોજ જ છોડી મૂકી.'

દોડીને કૃષ્ણ તો ગણપતિ પાસે ગયા. કહે ઃ 'ચાલો ગણેશજી, આમંત્રણ આપવા આવ્યો છું. આપના વગર અમારું કાંઈ થોડું જ કામ ચાલવાનું છ?'

ગણપતિ કહે ઃ 'સીધી રીતે આવ્યા નથી, ચમત્કાર થયો ત્યારે જ નમસ્કાર કર્યા છે. હવે અમારી ત્રણ શરત પાળો, તો જ અમે આવીએ.'

શ્રીકૃષ્ણ કહે ઃ 'શરત બોલો, ગણેશજી!'

ગણપતિ કહે ઃ 'પહેલી શરત તો એ કે અમને બે કન્યા પરણાવો. બીજી શરત એ કે શનિ ગમે તેટલા બદનામ હોય તો ભલે, પણ અમારી સાથે તે આવશે જ. અને ત્રીજી શરત એ કે ન્યાતમાં પહેલાં જમીશું અમે.'

ત્રણે શરત આકરી હતી.

પણ બિચારા કૃષ્ણ કરે શું?

ગજાનન ગણપતિની શરત પાળે તો જ પોતે પરણી શકે તેમ હતું.

પહેલી શરત મુજબ ગણપતિનાં રિદ્ધિ-સિદ્ધિ નામની બે કન્યા સાથે લગ્ન નક્કી કર્યાં. 

બીજી શરતમાં તેમણે અપશુકનિયાળ ગણાતા શનિને લગ્નમાં સામેલ કર્યા.

ત્યાર બાદ છેલ્લી શરતનું પાલન કરવા ગણપતિ તથા શનિને પહેલાં જમવા બેસાડયા. 

એ બે ખાઉધરા મિત્રોએ એટલું ખાધું કે શ્વસુરની લાજ જવા બેઠી. ન્યાતને માટે જે કાંઈ સંઘરેલું તે બધું જ તેઓ સાફ કરી જવા લાગ્યા.

દયાજનક પરિસ્થિતિથી વિગતો શ્વસુરજીએ જમાઈરાજ શ્રીકૃષ્ણને કહી.

ત્યારે જમાઈરાજ શ્રીકૃષ્ણ ગણપતિને પગે પડીને કહેવા લાગ્યા ઃ 'હવે આપનો આ ભોજન કાર્યક્રમ સમેટી લો, નહીં તો અમારી આબરૂ કાંકરા થવા બેઠી છે. બદલામાં અમે દેવો એવું નક્કી કરીએ છીએ કે આજ પછી કાયમને માટે સહુ પહેલાં તમને જમાડીશું અને પછી જ અમે જમીશું.'

ગણપતિ હસ્યા.

તેમણે હાથ ધોયા.

એ વાત પછી તો આજે લોકો ગણપતિને પહેલાં જમાડે છે અને પછી જ જે કાંઈ વાનગી હોય છે તે પોતે આરોગે છે. 

દેવોએ જે ક્રમ જાળવ્યો તે માનવો પણ જાળવી રાખે છે.