- ભારતી ભંડેરી 'અંશુ'
- પીંછું તો એ જ મોજમાં. તેને બહાર ફેંક્યું તો ય મોજમાં. તેને ખોટું લાગે જ નહીં. તે ચોથો માળ. ત્રીજો માળ. બીજો માળે... ફરતું ફરતું પહેલા માળે આવ્યું. બધાં બારીમાંથી પીંછાને પકડવા કરે. પણ આ તો પીંછું! કોઈના હાથમાં ના આવે.
એક હતો પોપટ. રંગ એનો લીલો. તે જંગલમાં રહે. એક દિવસ તેને શહેર જોવાનું મન થયું. તે ઊડતો ઊડતો શહેરમાં આવી ગયો. આવીને ઊંચી ઇમારત ઉપર બેઠો. આ ઇમારત તો દસ માળની હતી. પોપટ તો આમ જુએ. તેમ જુએ. તેને તો બહુ નવાઈ લાગે.
અહીં તો-
'ના ઝાડ, ના પાન
છે મકાન મકાન...'
તેને અહીં મજા ના આવી. તેણે ઊડવા પાંખો ફેલાવી. તેની પાંખમાંથી એક પીંછું ખર્યું. પીંછું તો સાવ હલકું. તે તો હવા સાથે રમવા લાગ્યું.
'પીંછું થોડું ઉપર જાય.
પાછું થોડું નીચે જાય.
ગોળ ગોળ ફરતું જાય,
ફેરફુદરડી લેતું જાય...'
આમ, ધીરે ધીરે દસમા માળેથી નીચે આવવા લાગ્યું. જાણે પેરાશૂટ ના ઊતરતું હોય!
નવમાં માળે બારી પાસે લેસન કરતા નવીને તે જોયું. તે તો મોટેથી બોલી ઉઠયો - 'જુઓ, જુઓ. કેવું સરસ પીંછું!'
તેનો અવાજ સાંભળી બધાં બારીમાં ડોકાયાં. પીંછાને જોવાં લાગ્યાં. તેને ફેરફુદરડી ફરતું જોવાની બધાંને તો મજા પડી ગઈ.
આઠમાં માળેથી આલાપે જોયું. આલાપે બૂમ પાડી, 'એ પકડો પીંછું...'
આ સાંભળી સાતમા માળે રહેતો સંતોષ બારી પાસે આવ્યો. તેણે તો ફૂંક મારી-
'પીંછું તો થોડું દૂર જાય,
પાછું જરા નજીક જાય.
ગોળ ગોળ ફરતું જાય,
ફેરફુદરડી લેતું જાય...'
આમ ધીમે ધીમે નીચે આવતું જાય. છઠ્ઠા માળેથી છોટુએ તેને પકડવા હાથ લાંબો કર્યો. આ તો પીંછું! એ તો દૂર ચાલ્યું. પાંચમાં માળે છાપું વાંચતા દાદા પાસે પડયું. દાદાનું મોઢું બગડયું. એણે હાથેથી પકડી બારી બહાર ફેંક્યું. પીંછું તો એ જ મોજમાં. તેને બહાર ફેંક્યું તો ય મોજમાં. તેને ખોટું લાગે જ નહીં. તે ચોથો માળ. ત્રીજો માળ. બીજો માળે... ફરતું ફરતું પહેલા માળે આવ્યું. બધાં બારીમાંથી પીંછાને પકડવા કરે. પણ આ તો પીંછું! કોઈના હાથમાં ના આવે.
બારીમાંથી બધાં હાથ હલાવે. આવજો કહે. પહેલા માળેથી પિંકીએ જોયું. તે તો ફટાફટ દાદર ઉતરવા લાગી. બધાં બારીમાંથી જોઈ રહ્યાં હતાં. હમણાં પીંછું પડશે. અવાજ આવશે. તેને વાગશે. તે રડશે. આવું કંઈ થયું નહીં. પીંછું તો આરામથી ફરસ પર પડયું હતું. પિન્કીએ તો તેને ઉઠાવી લીધું. બધાં બાળકો પણ નીચે દોડી આવ્યાં.
પિન્કી કહે, 'જુઓ, કેવું સરસ પીંછું છે. તેનો રંગ કેવો સરસ આછો લીલો છે!'
આલાપ પીંછાને અડીને કહે, 'કેવું મુલાયમ છે. કેટલું સરસ અને ચોખ્ખું છે!'
બધાં બાળકો વારાફરતી પીંછાને જોવા લાગ્યાં.
નવીન કહે, 'આ તો પોપટનું પીંછું છે!'
બધાં કહે, 'તને કેમ ખબર પડી?'
નવીન કહે, 'જુઓ તેનો રંગ પોપટ જેવો છે.'
બાળકોને તો પીંછાંમાં રસ પડયો. બધાં જ્યાં મળે ત્યાંથી પીંછાં ભેગા કરે. તેને ઓળખે. કબૂતર, હોલા, કાબર, ચકલી, મોર, ઢેલ, સમળી, તેતર... આમ જાત જાતનાં પંખીઓનાં પીંછાં ભેગા થવા લાગ્યાં.
પિન્કી કહે, 'આપણે બધાં પીંછાંની પીંછાંપોથી બનાવીએ તો?'
બધાંને આ વિચાર ખૂબ ગમ્યો.
સંતોષ સરસ ચિત્ર બનાવે. બધાંએ સંતોષને કહ્યું, 'સંતોષ, તું પક્ષીનું ચિત્ર બનાવજે. આપણે તેની નીચે પક્ષીનું નામ લખીશું. સામે તેનું પીંછું ચોંટાડીશું.'
બધાં બાળકોને તો સરસ કામ મળી ગયું. નામ આપ્યુંઃ 'ચિત્ર - પીંછાંપોથી.'
ચિત્ર-પીંછાંપોથી તૈયાર થઈ ગઈ. વેકેશન પૂરું થયું પછી શાળામાં શિક્ષકોને બતાવી. બધાં શિક્ષકોએ વખાણી. શાળાનાં બાળકોને જોવા આપી. બધાં ચિત્ર જોતાં જાય. પીંછું જોતાં જાય. પક્ષીને ઓળખતાં જાય, ને ગાતાં જાય-
'ચિત્ર-પીંછાંપોથી અમારી,
બનાવી અમે સૌએ સહિયારી.
એમાં દોર્યું ચિત્ર, પીંછું ચોટાડી,
આપે પક્ષીઓની જાણકારી...'


