- સિંહ કહે, 'આટલી નાની અમથી વાતમાં ડરી ગયા! લાલ રંગનો ભય કાઢી નાખો એટલે વાત પૂરી. જે બીવે એને લોકો બીવડાવે. જો ડર ગયા સમજો મર ગયા.'
- દુર્ગેશ ઓઝા
લાલુ કૂતરું થોડું ખસ્યું, પછી સિંહના કાન પાસે જઈને જોરજોરથી ભસ્યું, 'હાઉ હાઉ.' સિંહ સફાળો જાગ્યો- 'ક..ક.ક. કોણ છે? શું છે? મારી નીંદર કાં બગાડી...'
'સ સ સ...સિંહભાઈ, તમારી તો થોડી જ નીંદર બગડી, પણ આ માણસે અમારી હાલત ઝાઝી બગાડી નાખી છે એનું શું? એટલે હું ખાસ તમારી પાસે આવ્યો છું.'
સિંહે કૂતરાને ઉપરથી નીચે સુધી જોયો ને કહ્યું, 'અરે તું તો લાલુ કૂતરો! તું હતો'તો આ જ જંગલનો, પણ તને શહેરમાં રહેવાનો બહુ ભડભડિયો હતો ને? પણ હા, તું હજી અમારો જ છે. તારી મુશ્કેલી દૂર કરવા હું પૂરી કોશિશ કરીશ, પણ લે, પહેલાં આ સફરજન ખા. લાલ રંગનું છે. મીઠું છે મીઠું. બોલ, શું તકલીફ છે.'
'સિંહભાઈ, કાઢીકાઢીને પાછું કાઢયુંય તમે લાલ સફરજન! લાલ રંગની તો વાત જ ન કરતા. એને લીધે તો આ તકલીફ ઊભી થઈ છે. તમને તો ખબર જ છે કે લાલ રંગ જોઈને અમે ભડકીએ. એની નજીક પણ ન ફરકીએ એટલે માણસ પોતાના ઘર આગળ લાલ રંગનાં શીશા રાખતો થઈ ગયો છે. પહેલાં તો અમુક જ લોકો આવું કરતાં, પણ હવે તો ઘરેઘરે લાલ રંગના કાચ... આમાં અમારે જાવું ક્યાં? રહેવું ક્યાં? બસ, મુશ્કેલી છે આટલી.'
સિંહ કહે, 'આટલી નાની અમથી વાતમાં ડરી ગયા! લાલ રંગનો ભય કાઢી નાખો એટલે વાત પૂરી. જે બીવે એને લોકો બીવડાવે. જો ડર ગયા સમજો મર ગયા.'
'સિંહભાઈ, અત્યારે આવા ડાયલોગ ફેંકવાનું રહેવા દ્યો ને અમારું કંઈક કરો. હા, તમે કહો છો એમ અમુક કૂતરાંએ બીવાનું બંધ કર્યું, પણ બાકીનાં મોટાંભાગનાં કૂતરાં તો હજી ડરે જ છે, ને આ તો કુદરતી છે. લાલ રંગ જોતાવેંત અમને અંદરથી કંઈનું કંઈ થાય. મજા ન આવે. એનું શું.'
સિંહે ઉપાય બતાવ્યો, 'એનોય ઈલાજ છે. તમે ફરી આ જંગલમાં આવી જાવ. તમારું સ્વાગત છે. શહેરમાં તમારું શું દાટયું છે?'
'સિંહભાઈ, દાટયું તો કાંઈ નથી, પણ તમે કહો છો એ હવે બને એમ નથી. એમ તો હવે અમે ત્યાં ભળી ગયા છીએ. બધા માણસો ખરાબ નથી. અમુક તો અમને રોજ ખાવાનું દે છે, કૂતરીને બચ્ચાં આવે ત્યારે ઘર બનાવી દે, માને દુધ દે, શીરો ખવડાવે, નવડાવે, ગલુડિયાંને વહાલ કરે. અમે માંદા પડીએ તો દવા કરાવે.'
'લાલુ, એ તો પેલાં વિદેશી ને ઘરમાં પાળેલાં કૂતરાં માટે જ ને.'
'ના ના સિંહભાઈ, શેરીના રખડતાં કૂતરાંવનેય અમુક માણસો આમ સાચવે છે. પણ આ લાલ રંગનો શીશો.. શીશલો સાલો.. એ બહુ પજવે છે. એનું કંઈક કરો. અમારે હવે ગામ કે શહેર નથી છોડવું.'
'કોઈ વાંધો નહીં, પણ ક્યારેક અમારે ત્યાં ફરવા આવજો. ને આ લાલ શીશાનું..? એક કામ કરીએ. ચાલ મારી સાથે સસલા પાસે. એ બહુ બુદ્ધિશાળી. એ જરૂર આનો કોઈ રસ્તો કાઢશે.'
ને ભાઈ સિંહ ને કૂતરું તો બેય ઉપડયાં સસલા પાસે. સસલાએ આખી વાત સાંભળી પોતાના ધોળા ધોળા કાન ઊંચા કર્યાં ને પછી કહ્યું, 'અરે આમાં શું મૂંઝાઈ ગયાં? આ તકલીફ તો આમ ચપટીમાં ઉકલી ગઈ સમજો. હા, પણ એના માટે તમારે અમારા હરિભાઈની મદદ લેવી પડશે. એ સારા માણસ છે. હરિના માણસ! એ નવાં ઝાડ ઉગાડે છે, જૂનાં સાચવે છે, કોઈને ઝાડ કાપવા ન દે હો! એ જંગલ સ્વચ્છ ને લીલુંછમ રાખે, અમે માંદા કે ઘાયલ થઈએ તો અમારી સારવાર કરે-કરાવે..' સસલાએ યુક્તિ બતાવી ને કૂતરું રાજીરાજી થતુંથતું ઘરે ગયું. એણે બીજાં બધાં કૂતરાંને ભેગાં કરી આખી વાત કરી.
ત્રણ દિવસ પછી... જે જે લોકોએ પોતપોતાનાં મકાન આગળ લાલ રંગના અવનવા અનેક શીશા રાખ્યા હતા એ બધા લાલઘૂમ એટલે કે ગુસ્સે થઈ ગયા.
હા, દરેક લાલ શીશા પાસે એકેક કૂતરું એય ને નિરાંતે રાજાની અદામાં બેઠું'તું ને માણસો સામે વટ મારતું હોય એમ જોતું હતું. અમુક કૂતરાં તો શીશાની સાવ અડોઅડ બેઠાં'તાં! અમુક તો શીશા સાથે ગેલ કરતાં'તાં. અમુક તો બે શીશા ઉપર પગથી પગ ચડાવી બેઠાં હતાં. કાળું કુતરું તો શીશા ઉપર કસરતના દાવ કરતું'તું બોલો! એ કૂતરું ધોળિયા કૂતરા સામે શીશાનો ઘા કરી બોલ્યું, 'એ જાડિયા, કેચ કર કેચ.' એ કૂતરું કેચ તો ન કરી શકયું, પણ લાલ શીશો નજીક આવતા જ એને મજા પડી. શીશાને પગેથી ગબડાવતું જાય, એના ઉપર ઠેકડા મારે. પછી તો ભાઈ આવી ઠેકડાઠેકડ, પકડાપકડ ચાલુ થઈ ગઈ હો! અમુક કૂતરાં તો શીશાનો ઘા કરતાં'તાંય. એ જોઈને માણસોને લાગ્યું કે એ શીશાનો નહીં, અમારો ઘા કરે છે. બધાં કૂતરાંએ લાલ રંગ સિવાયના બીજા રંગોનાં ચશ્માં પહેર્યાં હતાં!
હા, સસલાએ જંગલમાં રંગીન ચશ્માંની દુકાન ખોલી હતી. હરિભાઈ શહેરમાંથી જાતજાતનાં ચશ્માં લઈ આવી સસલાને આપતા. કૂતરાં ત્યાંથી લાલ રંગ સિવાયના રંગીન ચશ્માં ખરીદીને પહેરે એટલે એને લાલ રંગના શીશા લાલ ન લાગે. એમને તો મજા પડી ગઈ.
એકવાર સિંહભાઈ સસલાની દુકાને આવ્યા ને કહે, ' અરે સસલા, કેમ ચાલે છે તારો ચશ્માંનો ધંધો?'
સસલું કહે, 'ધંધો ટનાટન, સારો ચાલે છે. આ બધી હરિભાઈની કૃપા છે.'
'સસુ, તો હવે તું મારા પર કૃપા કર. આ કૂતરાં ચશ્માં પહેરે છે તે બહુ સારાં લાગે છે હો! એ જોઈ મનેય ચશ્માં ચડાવવાનું મન થ્યું. એક કામ કર. મને ચશ્માંની એક જોડ આપ. સિંહણ આગળ હું મારો વટ પાડી દઉં!'
સસલું કહે, 'ચશ્માની જોડ રાજા નહીં જડે રે લોલ. સિંહભાઈ, એ..એ..એટલે કે...'
સિંહે તો ઝાઝું કાંઈ ન સાંભળ્યું, ઝ્પ દઈને એક ચશ્માં ઝૂંટવી લીધાં. એ ચશ્માં પહેરવા ગયો ત્યાં તો એ તડ દઈને તૂટી ગ્યાં. સસલું બોલ્યું, 'સિંહભાઈ, જોયું ને? તોડી નાખ્યાં ને મારાં ચશ્માંં? હું તમને એમ કહેવા માંગતો હતો કે એવી ચશ્માંની જોડ નહીં જડે. તમારું માથું તો જુઓ! આવડાં મોટાં તમારા માપનાં ચશ્માં કાઢવાં ક્યાંથી? એ તો બનાવવા પડે. વળી, એ મોટાં ને મજબૂત હોય એ જરૂરી. તમે ગર્જના કરો છો એમાં જ સારા લાગો છો. નકામા આ ચશ્માંના ચાળે શું ચડયા? કાલે ઊઠીને હાથીભાઈ ચશ્માં માંગે તો મારે ક્યાં જવું? એના સૂપડા જેવા કાન. હું થઈ જાઉં હેરાન-પરેશાન. એ એની સુંઢથી હજી તો ચશ્માં પકડે-ન પકડે કે એનો થાંભલા જેવો પગ ચશ્માં પર પડે ત્યાં તો ચશ્માંનો કચ્ચરઘાણ વળી જાય.'
'સસલા, એ હું કાંઈ ન જાણું. ઝટ મને ચશ્માં બનાવી દે. કરોળિયો, કીડી, ચકલી.. એ બધાં કેવાં સરસ મજાનાં મજબૂત માળા ને દર બનાવે છે! તું એની પાસે ન તૂટે એવાં મજબૂત ચશ્માં બનાવડાવ.'
ને થોડા દિવસમાં તો સિંહભાઈનાં ચશ્માં તૈયાર! સિંહે ચશ્માં પહેર્યાં ને સરોવરમાં જઈને ચહેરો જોયો. તો એ રાજીનો રેડ. પછી તો હાથીભાઈનેય મન થયું. એય ઉપડયા સસલા પાસે. એણેય સસલાને પોતાના માટે ચશ્માં બનાવી દેવાનું કહ્યું. લાંબી ડોકવાળું જિરાફ પણ આમાં વચ્ચે કૂદયું. ત્યાં વળી કીડી બોલી, 'મારાં ચશ્માં...'
સસલું કહે, 'તું તો હવે મહેરબાની કરીને રહેવા જ દે! હાથી પહેરે તો ચશ્માં તૂટી જાય, ને તું પહેરવા જઈશ તો તું પોતે દબાઈને તૂટી જાઈશ.'
આ સાંભળી હસી પડી કીડી. પછી એણે દીધા થોડીવાર પોતાના હોઠ ભીડી. હાથી ને જિરાફનાં ચશ્માં આવી ગયાં ને સસલું મૂંઝાયું- 'આ બેયને ચશ્માં પહેરાવવા કેમ.' એણે ઘણા ઠેકડા માર્યા, પણ એના કાન સુધી એ પહોંચી શકતું નહોતું. ઝાડ પર બેઠેલો એક વાંદરો આ જોઈ 'ખી ખી ખી...' કરતો હસી પડયો ને બોલ્યો, 'સસા, રહેવા દે. એ તારું કામ નહીં. લાવ મને દે.' એણે બેય ચશ્માં પહેલાં પોતે પહેરી લીધાં, પછી વારાફરતી હાથી ને જિરાફ ઉપર ઠેકડો મારી બેયને ચશ્માં પહેરાવી દીધાં. બીજાં પ્રાણી-પંખીઓ આ જોઈ તાળીઓ પાડી નાચવા લાગ્યાં.
જોકે આ બધું થોડાંક જ દિવસ ચાલ્યું. એ બધાંને ચશ્માં પહેરવાથી કાન દુખવા લાગ્યા. ચશ્માં આડાં આવતાં હતાં, 'મજા નથી આવતી. કુદરતી એ કુદરતી...' એમ વિચારી એ બધાંએ ચશ્માં ઊતારી નાખ્યાં. ત્યાં વળી પેલું કૂતરું રડતું રડતું આવ્યું- 'ઉ..ઉ..ઉ.ઉ..'
સિંહ કહે, 'હવે વળી પાછું તમને શું થ્યું? બંધ કર આ તારું 'ઉંવા ઉંવા.' શાંતિથી મને દે સૂવા.'
કૂતરું કહે, 'ચશ્માં પહેરી અમે થોડા દિવસ તો ખુશ થયાં, પણ નથી આવતી એમાં મજા. આ તો લાગે અમને સજા. એને સાચવવાની તકલીફ મોટી છે. મોટાંભાગનાં ચશ્માં માણસોએ તોડી નાખ્યા. અમુક તો અમારી આંખ ઉપરથી ચશ્માં કાઢી અમને કાઢી મૂકે છે. વળી રસ્તામાં આવે ખાડા, તો આ ચશ્માં આવે આડાં. સરખું દેખાય નહીં ને પડીએ. માથું આમતેમ કરી કોઈને ભસીએ ત્યારે ચશ્માં કાન ઉપરથી 'સરરર...' ઊતરી જાય છે. પેલી કાળી બિલાડી અમને 'ચશ્મીશ' કહીને ખીજવે છે. એ તો ઠીક, પેલું નાનકડું ઉંદરીયું અમને જોઈને ઘોઘરું હસે છે ને કહે છે - 'ચશ્માંવાળું બીકણ કૂતરું, એની આડે હું ન ઊતરું...' હવે?.. યે લાલ રંગ કબ મુજે છોંડેગા?'
કૂતરું તો આમ કહીને જોરજોરથી રડવા લાગ્યું.
સિંહે સલાહ આપી, 'ઓ ડરપોક, મૂક મા તું ખોટી પોક. જે અમે કર્યું એ તમે કરો. ચશ્માં કાઢી નાખો ને તમારી બીક પણ.. તમે લાલ રંગથી ભડકવાનું છોડી દો. કોશિશ તો કરો. કોશિશ કરવાવાળાની કદી હાર નથી થતી. તમે એમ બોલો કે 'મેં મરને સે પહેલે મરના નહીં ચાહતા.'
કૂતરું કહે, 'વળી પાછું તમે ડાયલોગ્સ ફેંકવાનું ચાલુ કર્યું? જોકે તમારી વાત છે તો સાચી હો!'
સિંહ બોલ્યો, 'અરે ઓ બીકણફોસી, જો તમે લાલ રંગથી ડર્યા કરશો તો તમે કોઈ દિવસ સુખેથી રહી નહીં શકો. થોડો સમય તકલીફ પડે તો પડવા દો, પણ લાલ રંગથી ડરો નહીં, એની સાથે દોસ્તી કરો. લોહીનો રંગ પણ લાલ જ હોય છે ને? એનાથી કાં નથી ડરતા! એમ કાં નથી કહેતાં કે અમારે લોહી ધોળા ધરમેય નથી જોઈતું? લોહી તો બહુ ગમે છે તમને પીટયાંઓને! ડર્યા એટલે સમજો મર્યા.'
લાલુ કૂતરાએ માથું હલાવ્યું, 'તમારી વાતમાં દમ છે રાજાજી.' એ તો નાચતોકૂદતો ઘરે પાછો ફર્યો. એણે કૂતરીને વાત કરી. કૂતરી બોલી, 'સિંહભાઈની વાત સાચી છે. લાલ ગુલાબ કેવું મસ્ત હોય છે! આપણે એનાથી ડરીએ છીએ? નહીં. તો પછી કાલથી, કાલથી શું કામે, આજથી, અત્યારથી જ લાલ રંગથી, લાલ શીશાથી ડરવાનું બંધ. એનાથી નહીં ભડકવાનું, ડર્યા વિના એને અડકવાનું.'
લાલુ કૂતરો કહે, 'વાહ! રંગ છે તને. લાલ રંગની તો હવે એક, બે ને ત્રણ. ડર ભગાડો ભમભમ. દોડો નાચો ટમટમ.' એણે ગેલમાં બે પગ ઊંચા કર્યા.
હવે એકેય કૂતરું લાલ રંગથી નથી ડરતું. લાલ રંગના શીશાની માથે એય ને વટથી બેઠું હોય છે. અમુક કૂતરાં તો એની ઉપર કસરતના દાવ કરે છે. માણસનો આ દાવ ખાલી જતાં એમણે કંટાળીને લાલ રંગના બધા શીશા હટાવી લીધા... ને આ જોઈ એ શેરીનાં કૂતરાં આનંદમાં જે કંઈ નાચ્યાં છે, કંઈ નાચ્યાં છે!


