મીઠાઈમાં વપરાતો મોંઘો મસાલો: કેસર
શીખંડ, દૂધપાક જેવા મિષ્ટ્રાન્ન અને આઇસ્ક્રીમ વગેરેમાં કેસર લોકપ્રિય મસાલો છે. કેસર વસ્તુને કેસરી રંગ આપી સોડમ વધારે છે. તે અતિશય મોંઘંુ પણ હોય છે.
કેસર એક વનસ્પતિ છે. તેમ ફૂલનું નિરીક્ષણ કરશો તો પાંખડીની વચ્ચે પરાગરજવાળા તાંતણા જોવા મળશે. કેસરમાં છોડ પર થતાં ફૂલમાંના તાંતણા એ કેસર છે. આ તાંતણા સૂકાવીને બજારમાં વેચાય છે. કેસરમાં ફૂલોમાંથી તાંતણા જુદા પાડવાનું કામ મુશ્કેલ છે. લાખો ફૂલોમાંથી તાંતણા એકઠા કરીએ ત્યારે માંડ એકાદ કિલો કેસર મળે. અને સુકાય ત્યારે તેનું વજન ઘટે. ઘણી મહેનત પછી મળતું હોવાથી તે મોંઘુ હોય છે. ઘણા દેશોમાં કેસરની ખેતી થાય છે. કેસર ઠંડા પ્રદેશની વનસ્પતિ છે.
કેસરના લીલા પાનના રક્ષણ માટે તેની ફરતે સફેદ પાનનું પડ હોય છે. પાન ખૂબ જ ઝીંણા હોય છે. કેસરના ફૂલ મોટા અને ઘટ્ટ ગુલાબી (પર્પલ) રંગના હોય છે. છોડ એકાદ ફૂટ ઊંચો હોય છે. ફૂલની વચ્ચે કેસરી રંગના ત્રણ તાંતણા હોય છે.