Get The App

જેમનું હતું તેમ બધું એમનું એમ .

Updated: May 2nd, 2025

GS TEAM


Google News
Google News
જેમનું હતું તેમ બધું એમનું એમ                        . 1 - image


- શેરને માથે સવાશેર ને સવાને માથે દોઢ લોઢિયા પાછા એમ કહે છે આગળ મારી દોટ

- જેવું વાગે વાજું એવો હું ગાજું!

- ઘાસ વળી પાછું નીચે કેવી રીતે આવવાનું છે?

- ભાઈ, ભારે કામ કરતાં પહેલાં જરા ભારે ખાવું તો જોઈએ ને ! ખાધું. ખાધું એટલે પેટ ભારે થયું, શરીર ભારે થયું, આંખો ભારે થઈ. દાદા સૂઈ ગયા. ઊંઘી ગયા.

ખેતરનું બધું ઘાસ ભેગું થયું હતું. મોટું ખેતર હતું અને ઘણું બધું ઘાસ હતું. એ ઘાસ માળિયે ચઢાવવાનું હતું. જેટલું ખેતર મોટું એટલું જ માળિયું મોટું. ચોમાસામાં આ જ ઘાસ પશુઓ માટે કામમાં આવતું હોય છે.

ખેડૂત પૈસાદાર હતો. તેણે એક દાદાને પકડી પાડયો. કહ્યું : 'દાદા, જોઈ લો ઘાસ, માળિયે ચઢાવવાનું છે, બધે બધું. શું લેશો?'

ઘાસ જોઈને દાદા કહે : ' આ તો ભારે મોટું ઘાસ છે. અઠવાડિયું થશે. પચીસ રૂપિયા લઈશ.'

'આપ્યા જાવ,' શેઠ ખેડૂત કહે : 'પણ અઠવાડિયામાં બધું ઘાસ ઉપર પહોંચી જવું જોઈએ. એક પણ તણખલું નીચે ના રહેવું જોઈએ.'

દાદા કહે : 'એમ જ થશે.'

શેઠિયા ખેડૂતે દાદાને ખેતરમાં રહેવાની, ખાવા-પીવાની, રાતવાસાની સગવડ કરી આપી.

દાદાએ તો કામ શરૂ કર્યું, એટલે કે ભાઈ, ભારે કામ કરતાં પહેલાં જરા ભારે ખાવું તો જોઈએ ને ! ખાધું.

ખાધું એટલે પેટ ભારે થયું, શરીર ભારે થયું, આંખો ભારે થઈ. દાદા સૂઈ ગયા. ઊંઘી ગયા.

સાંજના જાગ્યા તો પાછી ભૂખ લાગી. ભૂખે પેટે કંઈ કામ થાય? ખાવાનું તો હતું જ. ખાધું.

ખાવાથી ઊંઘ ચઢે જ. ચઢી જ.

દાદા સૂઈ ગયા.

રાત ક્યાં પસાર થઈ તેની ય ખબર ન પડી. સવારે પાછી ભૂખ લાગી. ઊંઘી ગયા.

સાત દિવસ એમ જ કામ ચાલ્યું.

એમ એક અઠવાડિયું સાત વારનું થાય.

થયું ખાવાનું ખતમ. હવે કામ કેવી રીતે થાય?

દાદા તો ગયા માલિક પાસે : 'અઠવાડિયું પૂરું થયું. લાવો મારો પગાર, પચીસ રૂપિયા.'

માલિક-શેઠ કંજૂસ હતા. તેને થયું કે, આટલા ઘાસિયા કામના તે વળી પચીસ રૂપિયા અપાતા હશે?

તે કહે : 'લે, આ વીસ લઈ જા. પૂરતા છે.'

દાદા કહે : 'પચ્ચીસ નક્કી થયા છે. પચ્ચીસ જ જોઈએ. હું તો પચીસ જ લઈશ.'

માલિક કહે : 'વીસ બરાબર છે.' તેને એમ કે કામ તો થઈ ગયું, હવે ડોસાજી ક્યાં જવાના છે? લેવાના હોય તો વીસ લે, નહીં તો જાય એને ઘેર.

દાદા જમાનાના ખાધેલ હતા.

ધમકી આપી શેઠને : 'પચીસ એટલે પચીસ એટલે પચીસ.'

શેઠ કહે : 'વીસ એટલે વીસ એટલે વીસ.'

દાદા કહે : 'છેવટની વાત?'

શેઠ કહે : 'છેવટના ય છેવટની.'

'લાવો વીસ તો વીસ.' ડોસા-મજૂર-દાદાએ કહ્યું. લીધા. પછી જતાં જતાં કહે : 'પૂરા પૈસા નહીં આપો તો કામેય પૂરું નહિ થાય...'

 દાદાજીને કામ કરતાં ન રોકી શકાયા તો પછી દોડતાં કેમ રોકાય?

માલિક કહે : ' એટલે?'

જતાં જતાં દાદા કહે : 'એટલે ઘાસ ઉપર પહોંચ્યું હશે તો પાછું નીચે આવી જશે. જેમ હતું તેમનું તેમ જ થઈ જશે, જાવ!'

માલિક તો રાજી થતો હતો, પાંચ રૂપિયા બચ્યા તો ખરા ને! ઘાસ વળી પાછું નીચે કેવી રીતે આવવાનું છે? પણ....

પણ ખેતરે જઈને જોયું તો ઘાસ હતું તેમનું તેમ.

માલિકે કપાળ કૂટીને કહ્યું : 'ઓહ, હું પણ કેવો મૂરખ કે પાંચ ઓછા આપ્યા? હવે આ બધું ઘાસ પાછું ઉપર ચઢાવવાના બીજા વીસ આપવા પડશે કે પચીસ?'

અને પેલા મજૂર ઘરડા ડોસા-દાદા ગજવામાં વીસ રૂપિયા રમાડતાં રમાડતાં ઘરે પહોંચ્યા. મોજ કરવા લાગ્યા. ગીત ગણગણવા લાગ્યા:

પચીસના લીધા વીસ, કોઈ ના પાડી ચીસ,

ચીસ પાડે ઈ બીજા, હવે તો લઈશ ત્રીસ. 

Tags :