- 'એ પોતાની જાતને મોટો સાહેબ માને છે કે શું? હું તો કંઈ તેને હિટલરભાઈ કહીને નથી બોલાવવાનો. આવો આગ્રહ તો આ જંગલના રાજા વનરાજ પણ નથી રાખતા.'
- વરુ ચાલતી વખતે પોતાની ડોકીને એવી રીતે આકાશ તરફ ઊંચી રાખતું કે બીજાં નાનાં ગજાનાં પ્રાણીઓ નીચા વળીને તેને સલામ ભરતાં ત્યારે પણ તે ડોકી નીચી નહોતું કરતું. ફક્ત આંખો નીચી કરીને કહેતું: 'ઠીક છે, બેવકૂફો, જાવ જઈને જોઈ આવો. જર્મની અને ઈંગ્લેન્ડમાં બધાં કેવા ઠાઠથી રહે છે.'
- માલિની સી. શાસ્ત્રી
આ જે જંગલમાં એવા ખબર આવ્યા હતા કે તે સાંભળીને બધાં પ્રાણીઓમાં ખળભળાટ મચી ગયો હતો. જ્યાં જુઓ ત્યાં પ્રાણીઓનાં ટોળેટોળાં એકઠાં થઈ એકબીજાના કાનમાં જાણે કંઈક કહેતાં હતાં. આ ખબર લાવ્યું'તું કોણ?
આ ખબર એક કાળા મોઢાનો લાંબી પૂંછડીવાળો વાંદરો લાવ્યો હતો. એ વાંદરાના એક ટોળાનો મુખિયો હતો. તે પોતાને 'વાનરરાજ' કહેવડાવતો હતો. એક તો એનું શરીર ખાસ્સું ભરાવદાર હતું અને બીજું, જ્યારે તે દાંતિયા કાઢતો ત્યારે તેના દાંત પણ બીક લાગે તેવા ડરામણા દેખાતા. તેની ખાસિયત એ હતી કે તે ઊંચામાં ઊંચા ઝાડની ટોચની ડાળી પર બેસીને ચારેય બાજુ નજર ફેરવતો. કોઈ હિંસક પ્રાણી જેમ કે સિંહ, વાઘ, ચિત્તો, દીપડો કે વરુને જોઈને તે ખાસ પ્રકારનો વિચિત્ર અવાજ કાઢતો. આ અવાજ સાંભળીને પક્ષીઓ માળામાં લપાઈ જતા,ં પણ 'કાળિયો' નામનો કાગડો તો કા-કા-કા કરીને આખા જંગલને ગજવી મૂકતો. તેથી હરણાં, સસલાં, સાબર, ઝીબ્રા, નીલગાય, ડુક્કર અને નાનાં વાંદરા જેવાં ગભરુ પ્રાણીઓ આ સાંભળીને પોતપોતાના વિસ્તારમાં દોડી જઈને સંતાઈ જતાં.
આવાં ગભરુ પ્રાણીઓએ વાનરરાજનું નામ 'ખબરિયો' પાડયું હતું. ઘણી વખત તો એવું બનતું કે ખબરિયો લાંબે કૂદકે ચિચિયારી કરતો એક ઝાડ પરથી બીજા ઝાડ પર જતો હોય, ને માથે કાળિયો પણ તેની સાથે કા-કા-કા કરીને ઉડતો હોય. આમ, ખબરિયો અને કાળિયો પાકા દોસ્ત હતા.
આ વાનરરાજે બધાં પ્રાણીઓને એકઠાં કરી ખબર આપ્યા, 'એય, બધાં સાંભળો. હિતેશ નામનું વરુ જે બે વર્ષ પહેલાં જર્મની નામના દેશ તરફ ગયું હતું અને ત્યાંથી ઈંગ્લેન્ડ ગયું હતું તે ગઈ રાતે પાછું આપણા જંગલમાં આવી ગયું છે. હજી આગળ સાંભળો, અંદરઅંદર વાતો ના કરો. એણે પોતાનું જૂનું નામ બદલીને નવું નામ 'હિટલર' રાખ્યું છે. તેમ બધાં પ્રાણીઓ તેને હિટલર નહીં, પણ હિટલરભાઈ કહીને બોલાવો તેવો તેનો આગ્રહ છે. સમજ્યાં? જાવ હવે પોતપોતાને રહેઠાણે. યાદ રહ્યુંને? 'હિટલરભાઈ' એમ બોલાવજો. હોં કે?'
ત્યાં તો કાળિયો બોલી ઉઠયો, 'આ હિતેશિયો તો ખરો નીકળ્યો. પોતાની જાતને મોટો સાહેબ માને છે કે શું! હું તો કંઈ તેને હિટલરભાઈ કહીને નથી બોલાવવાનો. હા... આવો આગ્રહ તો આ જંગલના રાજા વનરાજ પણ નથી રાખતા.'
ખબરિયો આ સાંભળી હસી પડયો. પછી બોલ્યોઃ 'કાળિયા, તું જોયા કર. આ કંઈ બહુ લાંબુ ચાલવાનું નથી. આપણા વનરાજ શું હિટલરભાઈ કહીને તેને બોલાવશે? અરે, વનરાજ પાસે તો એ સિંયાવિંયા થઈને ઊભું રહેશે. યાદ રાખજે તું મારી વાત.'
પોતાનો રૂઆબ બતાવવા હિટલર વરુએ તેની પોતાની ચાલ બદલી કાઢી હતી. ચાલતી વખતે પોતાની ડોકીને એવી રીતે આકાશ તરફ ઊંચી રાખતું કે બીજાં નાનાં ગજાનાં પ્રાણીઓ નીચા વળીને તેને સલામ ભરતાં ત્યારે પણ તે ડોકી નીચી નહોતું કરતું. ફક્ત આંખો નીચી કરીને કહેતું: 'ઠીક છે, બેવકૂફો, જાવ જઈને જોઈ આવો. જર્મની અને ઈંગ્લેન્ડમાં બધાં કેવા ઠાઠથી રહે છે.'
વાતે વાતે તે ઈડિયટ, ફૂલ્સ, ફુલિશ, નોન્સેન્સ, સેન્સલેસ જેવા અંગ્રેજી શબ્દો બોલી સૌને ધમકાવતો. જંગલનાં પ્રાણીઓને આ શબ્દોના અર્થ સમજાતા નહીં. આમ છતાં હિટલરે બધાં પ્રાણીઓને 'સોરી' અને 'ઠેન્ક્યુ' બોલતા શીખવાડી દીધું હતું. 'બોલ, સોરી બોલ, નહીંતર ઊંધે માથે પછાડીશ.' આવું બોલી બધાંને ધાકધમકી આપતો. નાનાં અને નબળાં પ્રાણીઓ પોતાના કોઈ વાંક વિના નીચાં નમીને સોરી બોલતાં.
એક વખત હિટલર હાથમાં લાકડી લઈ ફરવા નીકળ્યું હતું. નજીકના જ એક ઝાડની છેક નીચી ડાળીએ કાળિયો કાગડો બેઠો હતો. તેણે હિટલરને 'કેમ છો હિટલરભાઈ?' એમ પૂછ્યું ત્યારે હિટલરે ડોકી હલાવી કહ્યું: 'વેરી ગુડ, ઠેંક્યું.'
કાળિયો કંઈ સમજ્યો નહીં. તેણે વળતો જવાબ આપ્યોઃ 'ઠોક્યું, ઠોક્યું હવે ચાલતી પકડ.'
આ સાંભળી હિટલરે ગુસ્સામાં કાળિયા ઉપર જોરથી લાકડી ફેંકી, પણ ચપળ કાળિયો તરત જ ઉડી ગયો પણ ફેંકેલી લાકડી જોરથી નીચે આવી હિટલરના માથે જ પછડાઈ. આમે ય તે કાળિયાને હિટલર દીઠો નહોતો ગમતો. તેમાં 'ઠેંક્યુ'ને બદલે કાળિયાએ 'ઠોક્યું' સાંભળ્યું. હિટલર ત્યારથી કાળિયાને 'ઇડિયટ' કહી બોલાવતો.
એક વખત હિટલર વરુ શિકારની શોધમાં આમતેમ ફરતું હતું. ત્યાં જંગલની ધારે ઉગેલું લીલું ઘાસ ચરતાં બકરીનાં બે નાનાં બચ્ચાં તેણે જોયાં. તેમનાં કુમળા માંસલ શરીરને જોઈને તેનાં મોઢામાં પાણી આવી ગયું. તેણે વિચાર્યું- 'ઠીક લાગ છે. આજનો મારો શિકાર પાક્કો.'
ત્યાં તેણે એક બકરી અને દાઢીવાળો, ઊંચો પહોળો એક બકરો જોયો. એ તો જંગલના ઝાડ પાછળ લપાતું છુપાતું બચ્ચાંનો શિકાર કરવા જવા લાગ્યું. ગમે તેમ કહો પણ બકરાએ પવન સાથે વહેતી વરુની ગંધ પારખી લીધી'તી. તેણે બકરીને કહ્યું, 'તું સૌથી આગળ ચાલજે. વચ્ચે આપણાં બચ્ચાં અને સૌથી પાછળ હું ચાલીશ. ચાલો હવે ગામ તરફ. વરુ આપણી પાછળ પાછળ આવે જ છે.'
બકરાનું ધ્યાન પાછળની બાજુ જ હતું. વરુ થોડુંક નજીક આવ્યું કે બકરો પાછા પગલે ચાલીને વરુના મોઢા પાસે આવી ગયો અને વરુ કંઈ સમજે તે પહેલા જ પાછલા બે પગથી વરુના મોઢા ઉપર લાતોના એવા સપાટા લગાવ્યા કે હિટલર બે-ત્રણ ગલોટિયાં ખાઈને ઊંધે માથે પછડાયું. તે ચારે પગે ઊભા થવા પ્રયત્ન કરતું હતું ત્યાં જ બકરાએ તેના પાછલા બે પગોની લાતો ફરી તેના મોં ઉપર મારી. વરુ ફરીથી બે ત્રણ ગલોટિયા ખાઈ નીચે પછડાયું. તેનું મોઢું લોહીલુહાણ થઈ ગયું અને આખે શરીરે મોટા મોટાં કાંટા ભોંકાઈ ગયા. તેની બધી તાકાત હણાઈ ગઈ.
તે જ વખતે ક્યાંકથી ખબરિયો ને કાળિયો ત્યાં આવી ચડયા. તેમણે બન્નેએ લાતંલાતીનો આ ખેલ જોયો. આ જોઈ કાળિયાને ખૂબ હસવું આવ્યું. કા-કા-કા કરીને તેણે આખું જંગલ ગજવ્યું. ખબરિયો મોટેથી ચિચિયારી પાડવા લાગ્યો.
આ સાંભળીને નાનાં-મોટાં પ્રાણીઓ ત્યાં આવી ચડયાં. હિટલરને આખા શરીરે કાંટા ભોંકાયા હોવાથી 'ઓય વોય રે, ઓય માડી રે, કોઈ બચાવો, કોઈ પાણી આપો, તરસે મારો જીવ જાય છે, ઓય રે...' એમ રડતું રડતું બોલી રડવા લાગ્યું. ત્યાં તો કાળિયો ગાવા લાગ્યો-
હિટલરજી ઓ હિટલરજી
બકરાએ લાતે પીટયાજી
નામ બદલે શું વળે?
રૂઆબ બહુ છાંટયાજી
બહુ બોલ્યા ગોટપીટયાજી
સબ ફાંકા ગયા ઉટરજી
સબ ફાંકા ગયા ઉટરજી...
બધાં પ્રાણીઓ કાળિયા સાથે 'સબ ફાંકા ગયા ઉટરજી' ગાવા લાગ્યા. તે ઘડી ને આજનો દિવસ. હિટલર વરુ સીધુંદોર થઈ ગયું. ધીમે ધીમે તે સાજું થયું અને જંગલનાં પ્રાણીઓની સાથે સંપીને રહેવા લાગ્યું.


