કોઈ નકામી વસ્તુને આપણે ધૂળ જેવી કહીએ પણ તમે જાણો છો કે જમીન પર ફેલાયેલી માટીનું પડ સજીવ માટે અતિકીમતી મહત્વનું છે. માટી છે એટલે જ વનસ્પતિને ખોરાક મળે અને માણસને પણ ખોરાક મળે. એક મુઠ્ઠી માટીમાં પૃથ્વીની માનવવસતિ કરતાં વધુ બેક્ટેરિયા હોય છે. માટી જમીનમાં ઉતરતા પાણીને ગાળે છે એટલે જ કુવામાં ચોખ્ખું પાણી એકઠું થાય છે. માટીમાં ૨૫ ટકા હવા, ૪૫ ટકા ખનીજો અને ૫ ટકા ઓર્ગેનિક દ્રવ્યો હોય છે. માટી ખડકો તૂટીને બને છે. પૃથ્વીનું ઉપલું પડ માટીનું બનેલું છે તેમાંય છ પડ હોય છે. પૃથ્વી પર માટીના વિવિધ રંગ અને પ્રકાર જોવા મળે છે. મનુષ્ય અને સજીવોનું જીવનચક્ર માટીમાંથી શરૂ થાય છે. માટીમાં રહેલાં બેક્ટેરિયા વનસ્પતિ માટે ઉપયોગી દ્રવ્યો બનાવે છે. માટીમાં કાંપ હોય છે. કાંપ ચીકણી માટી છે. ખૂબજ સુક્ષ્મ રજકણોનો બનેલો હોય છે. કાંપ જમીનમાં વનસ્પતિને પોષક દ્રવ્યોનો સંગ્રહ રાખે છે. કાંપવાળી જમીન વધુ ફળદ્રુપ હોય છે.
સૂર્યના તાપ, પવન અને વરસાદથી પૃથ્વી ઉપરના પર્વતો સહિત જમીનને લાગતા ઘસારાને કારણે માટી બને છે. પૃથ્વીની જમીનની સપાટી સતત બદલાતી રહે છે. ઉપયોગી અનાજ, કઠોળ વગેરેની ખેતી કરવા માટે જમીનની કાળજી રાખવી પડે છે ઉપલું પડ દર વર્ષે ખેડીને ઉપરતળે કરવામાં આવે છે.


