Get The App

આગ લાગે ત્યારે બોધ મળે! .

Updated: Nov 13th, 2021

GS TEAM


Google News
Google News
આગ લાગે ત્યારે બોધ મળે!                   . 1 - image


- બોલો તમારે આ બોધ આજે જ જોઈએ છે કે પછી ગમે ત્યારે ?

- 'જ્યારે તું અમલ કરી શકે ત્યારે આવજે. ઉપદેશ તૈયાર જ છે.'

ભ ગવાન બુદ્ધ પાસે એક ઇચ્છુક આવ્યો. કહે : 'ભગવાન, કોઈ ઉપદેશ આપો.'

ભગવાન કહે : 'અત્યારે જ અમલમાં મૂકશે કે પછી...?'

પેલો કહે : 'આજે તો બહુ કામ છે. આજે તો ખાલી પૂછવા જ આવ્યો છું (ઇન્કવાયરી કરવા).'

ભગવાન કહે : 'ઠીક ત્યારે, જ્યારે તું અમલ કરી શકે ત્યારે આવજે. ઉપદેશ તૈયાર જ છે.'

ઇચ્છુક કહે : 'ભગવાન તૈયાર છે તો આપી જ રાખો ને ! મારે જ્યારે જરૂર પડશે ત્યારે હું તેનો ઉપયોગ કરીશ, મારા ધનનું પણ હું તેમ જ કરું છું.'

ભગવાને કહ્યું : 'ધારો કે એક મકાનમાં તું છું. કાષ્ટનું મકાન છે. એકદમ જ તેમાં આગ લાગી. બચવાની કોઈ શક્યતા જ નથી. લોકો બહારથી બૂમ પાડી રહ્યા છે, નીકળી આવ, બહાર આવી જાવ, જલદી કરો, સ્ફૂર્તિ કર...'

ભગવાને વાત અટકાવી, આગ ભડકાવી કહ્યું : 'ઉત્સુક, કહે જોઇએ, કે તું એકદમ જ બહાર આવશે કે પછીથી, બીજે દિવસે ?'

ભક્તો કદાચ ભગવાનનાય માથાના હોય છે. દોઢડાહ્યા જ 

કહો ને !

પેલાએ તો પૂછયું : 'પણ ભગવાન, અત્યારે આગ ક્યાં લાગી છે ? ઉપદેશ આપો જ.'

ભગવાન બુદ્ધે ઉપદેશ આપી દીધો :

'આગ લાગે ત્યાં સુધીની રાહ જો, બસ !'

પેલા ભક્તને ઉપદેશ મળી ગયો. ભગવાન બુદ્ધનો ઉપદેશ હતો, પછી 

જોઈએ શું ?'

જ્યારે જ્યારે તે મળતો ત્યારે કહે : 'ભગવાન, હજી આગ નથી લાગી.' તાત્પર્ય કે, હજી ભૂસકો મારવાની જરૂર નથી.'

થોડાં વર્ષો પછી પાછી મુલાકાત થઈ. પ્રશ્નાર્થી કહે : 'ભગવાન, આગ નથી લાગી.'

વખતોવખત, વર્ષોવર્ષ તે ભગવાનને મળતો જ રહ્યો. કહેતો જ રહ્યો : 'ભગવાન, આગ નથી લાગી, નથી લાગી, નથી લાગી.'

તે દરમિયાનમાં તે કંઈ કેટલાય મૃતકોને આગમાં ભસ્મીભૂત કરી આવ્યો. તે આગ ચાંપતો જ રહ્યો. એ કોઈ જ આગ એને દેખાઈ નહિ.

એક દિવસ તે જાતે જ મરવા પડયો. મર્યો જ સમજો ને !

પેલી બધી ચિતાઓની આગ તેને દેખાવા લાગી, વળગવા લાગી, તેની ફરતે ગુંચવાવા ગૂંથાવા લાગી. ભડભડતી જ્વાળાઓમાં તે શેકાવા સિઝાવા બળવા લાગ્યો. જોરજોરથી બૂમો પાડવા લાગ્યો : 'ભગવાન ! આગ લાગી, જુઓ કે જુઓ, લાગી રે લાગી, ભગવાન! તમારો ઉપદેશ, તમારો બોધ, તમારી આજ્ઞાા...'

ભગવાનના શબ્દો આગની જ્વાળા દ્વારા, તણખા અને તડતડ દ્વારા બહાર આવતા હતા : 'રાહ જો ભક્ત, ઇચ્છુક, રાહ જો...'

- હરીશ નાયક

Tags :