વેકેશનનો આનંદ .
- દાદીએ તેમને ગાય દોહતાં, છોડને પાણી આપતાં અને શાકભાજી તોડતાં શીખવ્યું. રાત્રે દાદીજીએ કહ્યું, 'પ્રકૃતિની સંભાળ લઈશું તો એ પણ આપણું ધ્યાન રાખશે.'
- કિરણબેન પુરોહિત
એક ગામમાં ટપુ નામનો એક હસમુખ અને ઉત્સાહી છોકરો રહેતો હતો. સ્કૂલના પરીક્ષા પૂરી થઈ ગઈ હતી અને હવે રજાઓ શરૂ થવાની રાહ જોતો હતો. આ વર્ષે તે ખાસ ખુશ હતો, કારણ કે તેનો શહેરમાં રહેતા તેના કાકાના છોકરાઓ ચિન્ટુ, દીપુ અને મીના તેના ઘરે આવવાનાં હતાં.
મીના આવી અને ટપુ ઘરમાં હસવાની અને રમવાની મોજ આવી ગઈ. 'આ વેકેશનમા આપણે ખૂબ મજા કરશું...' ટપુ ઉત્સાહથી કહ્યું.
બધાંએ મળીને ઘણાં સરસ પ્લાન બનાવ્યા.
એમણે ભેગાં મળીને પાંજરાપોળની આગળ ઊગી ગયેલા ઘાસ અને વિખરાયેલાં પાંદડાંનો ઉપયોગ કરીને એક નાનકડીઝૂંપડી બનાવી. લાકડાં અને દોરડા ભેગાં કર્યાં. થોડી મુશ્કેલી પડી, પણ રામુકાકા આવી ગયા અને એમણે બાળકોને મદદ કરી.
'એકબીજાને મદદની લાગણી હોય તો કામ સહેલું લાગે...' રામુકાકાએ કહ્યું.
બધાંની મહેનતથી ઝૂંપડી તૈયાર થઈ ગઈ અને એ બંનેનો ગમતો ખૂણો બની ગયો.
એક દિવસ તેઓ ઘરની બહાર રમતાં હતાં ત્યારે એક નાનકડું ભૂખ્યું ગલુડિયું ઘરના દરવાજા આગળ આવ્યું. મીના એના માટે તરત દૂધ લાવી. ટપુએ જૂનો ટોવલ લાવીને તેની માટે નાનકડી પથારી બનાવી
તેમણે ગલૂડિયાંનું નામ 'ટોમી' રાખ્યું.
તે દિવસે તેમને શીખવા મળ્યું કે પશુપંખીને નાની મદદ કરીએ તો પણ મનને કેટલો બધો સંતોષ અને આનંદ મળે છે.
એક દિવસ પાર્કમાં રમતાં રમતાં મીનાને એક પાકીટ મળ્યું. અંદર પૈસા અને ક્રેડિટ-ડેબિટ કાર્ડ હતાં. તેઓ તરત જ પાર્કના ચોકીદાર પાસે ગયાં. થોડીવારમાં એક કાકા આવ્યા, જે એ વાલેટ શોધી રહ્યા હતા. તેમને પાકીટ મળતાં જ ખુશ ખુશ થઈ ગયા.
'તમે બધાં ખૂબ સારાં બાળકો છો...' એમણે કહ્યું, 'હું તમને ઇનામ આપવા માગું છું.'
ટપુ, દીપુ અને મીનાએ નમ્રતાથી ઇનામ લેવાની ના પાડી. 'સાચું કામ કરવું એ જ સૌથી મોટું ઇનામ છે...' ટપુએ કહ્યું.
પછી તેઓ દાદાજીના ખેતરે ગયાં. દાદીએ તેમને ગાય દોહતાં, છોડને પાણી આપતાં અને શાકભાજી તોડતાં શીખવ્યું. રાત્રે દાદીજીએ કહ્યું, 'પ્રકૃતિની સંભાળ લઈશું તો એ પણ આપણું ધ્યાન રાખશે.'
ટપુએ નક્કી કર્યું કે તે પણ મોટો થઈને ખેડૂત બનશે.
થોડા દિવસોમાં તો રજાઓ પૂરી થવા આવી. ચિન્ટુ, દીપુ અને મીના પોતાનો સામાન પેક કરતાં હતાં ત્યારે ટપુ ચુપ થઈ ગયો. જોકે સૌનાં હૃદયમાં આનંદ હતો, એમના મનમાં યાદગાર પળો છલકાતી હતી.
જતાં જતાં મીનાએ કહ્યું, 'ટપુ, આ રજાઓ સ્પેશિયલ એટલા માટે બની રહી કે આપણે બધું કામ પ્રેમથી, ઈમાનદારીથી અને આનંદથી કર્યું.'
ટપુ કહે, 'તારી વાત બિલકુલ સાચી છે.'
હવે પછીના વેકેશનમાં ફરીથી મળવાનું નક્કી કરીને બાળકો છૂટાં પડયાં.
આ વાર્તામાંથી શો બોધ મળે છે, બાળમિત્રો?
સાચો આનંદ રમવામાં નહીં, પણ વહેંચવામાં, મદદ કરવામાં છે. સાચી મજા સચ્ચાઈથી વર્તવામાં અને પ્રકૃતિને સન્માન આપવામાં છે. નાનાં બાળક પણ ભલાં કામોથી દુનિયાને સુંદર બનાવી શકે છે.