Get The App

હાથીભાઈની મોજ .

Updated: Jan 17th, 2026

GS TEAM

Google News
Google News
હાથીભાઈની મોજ                                    . 1 - image

- દિગ્ગજ શાહ

એક હતા હાથીભાઈ.

હાથીભાઈ રોજ મોર્નિંગ વોક કરવા જાય, બાપલા! ટટ્ટુ પોપટ રોજ હાથીભાઈને જોઈને જોરજોરથી ગાય-

હાથીભાઈની સૂંઢ રે..

હાથીભાઈ લાગે ખરાબ રે...

સૂંઢ કાપી નાખો તો...

હાથીભાઈ લાગે હીરો રે...!

હાથીભાઈ રોજ રોજ સાંભળે. હાથીભાઈ કાંઈ જ ના બોલે.  સામે પણ જુએ નહીં. ચૂપચાપ વોકિંગ કરવા આગળ ચાલતા થાય.

ટટ્ટુ પોપટને આ જોઈને ખૂબજ ગુસ્સો આવે. 'આ હાથીભાઈને હું રોજ છંછેડું છું તોય ધ્યાન આપતા નથી! થોડા ગુસ્સે થાય, બૂમાબૂમ કરે, ઝગડો કરે તો મજા પડે..!'

પણ હાથીભાઈ તો હાથીભાઈ હતા.

હાથીભાઈ કોઈ દિવસ કોઇની સાથે ઊંચા અવાજે વાત ના કરે. બૂમબરાડા ના પાડે. ઝગડો તો ક્યારેય કોઈના જોડે કરે જ નહીં. બધા જોડે પ્રેમથી બોલે. બધાની મદદ કરે!

ટટ્ટુ પોપટ આજે ધારીને બેઠો હતો કે હાથીભાઈને ગરમ કરવા, હેરાન કરવા અને ઝગડો કરવો!

ટટ્ટુ પોપટે આજે જેવા હાથીભાઈને જોયા કે એણે જોરજોરથી ગાવાનું શરૂ કર્યું -

હાથીભાઈ તો એકલા એકલા

હાથીભાઈ તો ડરપોક ડરપોક

હાથીભાઈ તો મૂરખ મૂરખ

હાથીભાઈ તો જાડા પાડા!

હાથીભાઈએ તો એમની ટેવ મુજબ કશું જ ના કહ્યું. સામે પણ ના જોયું. આગળ ચાલતી પકડી!

ટટ્ટુ પોપટને ખૂબ જ ગુસ્સો આવ્યો. એણે ચીસો પાડી. પગ પછાડયા. એકલો એકલો બોલવા લાગ્યો. બૂમાબૂમ કરવા લાગ્યો.

પણ ટટ્ટુ પોપટનું કોણ સાંભળે? હાથીભાઈ તો ઘણા દૂર જતા રહ્યા હતા.

ટટ્ટુ પોપટ આખરે થાકીને શાંત થઈ ગયો.

બીજા દિવસે સવાર સવારે હાથીભાઈ ટટ્ટુ પોપટને મળવા ગયા.

પોપટને તો ખૂબ જ આશ્ચર્ય થયું. હાથીભાઈ સામેથી મળવા કેમ આવ્યા છે?

હાથીભાઈએ ખૂબ જ પ્રેમથી કહ્યું - 'પોપટભાઈ! વ્હેલી સવારના મીઠડાં રામરામ... સીતારામ...!'

ટટ્ટુ પોપટ મોં બગાડીને કહે - 'ગુડ મોર્નિંગ!'

હાથીભાઈ કહે - 'આજે મારી બર્થડે છે. લો, હું તમારા માટે મીઠાં મીઠાં ફળ લાવ્યો છું. સાંજે મારી બર્થડે પાર્ટીમાં જરૂર આવજો. મસ્ત મસ્ત જમાડીશું... અને છેલ્લે ડાન્સ પાર્ટી પણ છે. જરૂરથી પધારજો!'

ટટ્ટુ પોપટ બિચારો શું બોલે? એના મોંમાંથી શબ્દો નહોતા નીકળતા. એને પોતાની જાત પર શરમ આવી રહી હતી.

ટટ્ટુ પોપટે મહામુશ્કેલીથી ધીમેથી કહ્યું - 'સોરી, હાથીભાઈ! મારાથી ભૂલ થઈ ગઈ! હું તમને ખરાબ શબ્દો બોલ્યો. હવેથી ક્યારેય તમને કે બીજા કોઈની સાથે ખરાબ વર્તન નહીં કરું. મને માફ કરી દો!'

હાથીભાઈ કહે - 'ઓહ! મેં કશું જ સાંભળ્યું નથી. હું મન પર આવું કશું જ લેતો નથી. હું તો મારી ધૂન અને મસ્તીમાં મોજથી જીવું છું. થેંક્યું!'

ટટ્ટુ પોપટ કહે - 'મારે પણ તમારી પાસેથી શીખવું પડશે કે શાંતિથી, પ્રેમથી, મોજથી કેવી રીતે જીવાય!'

હાથીભાઈ હસતાં હસતાં કહે - 'હા, પોપટભાઈ. તમે ખૂબ જ સારા છો. કોઈને નડયા વગર મોજથી જીવો!'

ટટ્ટુ પોપટ કહે - 'હાથીભાઈ! હેપ્પી બર્થડે! હું સાંજે તમારી બર્થડે પાર્ટીમાં જરૂર આવીશ. હમણાં મારી પાસે બે જ કેળાં છે. એનો નાસ્તો તમે કરો તો મને ખુશી થશે!'

હાથીભાઈ કહે - 'કેમ નહીં? મને કેળાં ખૂબ જ ભાવે છે!' 

પછી હાથીભાઈ એ પોપટનાં કેળા મોજથી ખાધાં! થેંક્યુ કહીને ઘર તરફ રવાના થયા.

સાંજે હાથીભાઈની બર્થડે પાર્ટીમાં ટટ્ટુ પોપટે જોરદાર ડાન્સકર્યો. હાથીભાઈ ખુશ ખુશ અને પોપટભાઈ પણ ખુશ ખુશ...બાપલા!