Get The App

વીજળીથી ચાલતી ઈન્ડક્શન સગડી

Updated: Oct 18th, 2024

GS TEAM

Google News
Google News
વીજળીથી ચાલતી ઈન્ડક્શન સગડી 1 - image

ર સોઈ કરવા માટેના ચૂલા અને સગડીમાં કોલસા લાકડા કે ગેસ જેવા ઈંધણો વપરાય છે. ૨૦મી સદીમાં રસોઈ કરવા માટે બે નોંધપાત્ર શોધો થઈ. માઈક્રોવેવ ઓવન અને ઈન્ડક્શન કૂકિંગ. આ બંને સાધનો વીજળી વડે ચાલે છે. માઈક્રોવેવ ઓવન જાણીતું સાધન બની ગયું છે. ઈન્ડક્શન સગડીનો વ્યાપક ઉપયોગ જોવા મળતો નથી. ઈન્ડક્શન સગડી કેવી રીતે કામ કરે છે તે પણ જાણવા જેવું છે.

ઈન્ડક્શન એટલે ચુંબકીય શક્તિથી વીજળી પેદા કરવાની ક્રિયા. ઈન્ડક્શન સગડી એક ચોરસ ગોળાકાર પ્લેટફોર્મની બનેલી હોય છે. તેની સપાટી પર રસોઈના વાસણ મુકવામાં આવે છે. સગડીની સપાટી અવાહક પદાર્થ કે કાચની બનેલી હોય છે. તેની નીચે ધાતુની કોઈલ હોય છે. કોઈલમાં ઈલેક્ટ્રિક કરંટ વહે ત્યારે તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર બને છે. આ ક્ષેત્રમાં ગરમી હોતી નથી. સગડીની સપાટી પણ ઠંડી હોય છે પરંતુ સપાટી પર ધાતુનું વાસણ મૂકતાંની સાથે જ વાસણમાં ચુંબકીય ક્ષેત્રની અસર થાય છે અને તે ગરમ થવા લાગે છે અને રસોઈ થાય છે. મોટા પ્લેટફોર્મવાળી ઈન્ડક્સન સગડી પર એકથી વધુ વાસણો મુકી રસોઈ કરી શકાય છે. ગેસના ચુલા, લાકડા કે કોલસાની સગડીમાં ખોરાક અને અગ્નિ વચ્ચે અંતર હોય છે. તેની ગરમી વાતાવરણમાં વહી જતી હોય છે. ગેસમાં પેદા થતી ગરમીનો ૭૧ ટકા ભાગ જ ખોરાક રાંધવામાં વપરાય છે. જ્યારે ઈન્ડક્શન સગડીમાં ગરમી સીધી ખાદ્ય પદાર્થને મળે છે અને ૮૫ ટકા ભાગ વપરાય છે તેથી ઈન્ડક્સન સગડીમાં ઝડપથી રસોઈ થાય છે. અન્ય સાધનો કરતાં તેમાં ચોથા ભાગના સમયમાં રસોઈ તૈયાર થઈ જાય છે. જો કે ઈન્ડક્શન સગડી વીજળીનો વધુ વપરાશ કરે છે એટલે પ્રમાણમા મોંઘી પડે છે.