Get The App

યુધ્ધ એજ કલ્યાણ .

Updated: Aug 14th, 2021

GS TEAM


Google News
Google News
યુધ્ધ એજ કલ્યાણ                       . 1 - image


- ક્યાં સુધી? કહો ક્યાં સુધી ? અંતમાં તો એક વખતે એવો આવે છે કે યુદ્ધ જાહેર કરવું જ પડે છે

સૈ નિકોનાં નામ પણ 

સૈનિકોને યોગ્ય જ હોય છે. જોરાવરસિંહ, અજિતસિંહ, અમરસિંહ, પ્રતાપસિંહ વગેરે.

આ સૈનિકનું નામ હતું એક્કો.

આલ્બર્ટ એક્કાનું નામ સાંભળતાં જ આપણી છાતી ગજ ગજ ફૂલી શકે છે.

એક્કાજી ખરેખરા એક્કા હતા. અને જેમ એક્કાને કોઈ ટપી શકે નહિ, તેમજ આલ્બર્ટને પણ કોઈ ટપી શકતું નહિ.

લાન્સનાયક ગંગાસાગર મોરચાનો અમર લડવૈયો છે.

તેની લડાઈ વળી જુદી જ જાતની છે.

તેમના મોરચા પર તેમની ટુકડી આગળ વધતી હતી ત્યારે એકાએક જ તેમની પર ભારે ગોળાઓ વરસવા લાગ્યા. તોપના ગોળાઓ સાથે શત્રુઓની મશીનગનો તો જાણે ગોળીઓનો વરસાદ જ વરસાવવા લાગી.

એ અગનવર્ષામાં એક્કાજી પણ ઘવાયા.

પણ ઘવાયા તેથી શું ? તેમની કામગીરી તો હજી હવે જ શરૂ થતી હતી.

તેમણે જોયું કે શત્રુઓ અમુક જગાએ છૂપાઈને મારો ચલાવે છે. એક સરખો મારો આવતો હોવાથી એક્કાને ત્યાં બંકર હોવાની શંકા ગઈ.

તેણે છાતીએ ઘસડાઈને એ દિશામાં આગળ વધવા માંડયું. તેણે પોતાના સાથીઓને ઈશારત કરી દીધી કે આ રીતે દબાઈ છૂપાઈને જવામાં વાંધો નથી.

વાંધો આવ્યો જ નહિ. તેની શંકા સાચી સાબિત થઈ. એક છૂપા બંકરમાંથી શત્રુ સૈનિકો લગાતાર મારો ચલાવતા હતા.

એક હાથે બોમ્બ ફેંકી એક્કાએ એ બંકરના ભુક્કે ભુક્કા ઉડાવી દીધા.

અહીં સુધી ભારતીય જવાનો કેવી રીતે આવી પહોંચ્યા, તેની પાકિસ્તાનીઓને ખબર પણ પડી નહિ.

પણ બંકર ઊડતાં જ એક્કા ઉપર નવેસરથી મારો શરૂ થયો.

એક્કાએ જમીન સાથે ચોંટી જઈને જોયું તો નજીકની બીજી બંકરમાંથી હવે મારો આવી રહ્યો છે.

તે મોતને ભેટયો હોય એમ સૂઈ રહ્યો. શત્રુને લાગ્યું કે જવાન મરી પરવાર્યો છે. પણ લાગ મળતાં જ ઘાયલ એક્કા ઉઠયો. દોડીને તે બંકરની દીવાલ પર કૂદી ગયો.

માત્ર બે પાક સૈનિકો ત્યાંથી મારો ચલાવતા હતા. માથા પર શત્રુને આવી પહોંચેલો જોઈ, તેમને બહાર આવવું પડયું. પણ જેવા તેઓ બહાર આવ્યા કે એક્કાએ તેમને પૂરા કરી નાખ્યા.

આમ ઘવાયેલી હાલતમાં ય એક પછી એક બંકરોને ઉઘાડી કરતો એક્કો આગળ વધતો જ રહ્યો.

તે ઘવાયેલો હતો અને તેણે નક્કી કર્યું હતું કે જીવ છે, ત્યાં સુધી થોભવું નથી. ઘાને મહત્ત્વ આપીને દેશના રક્ષણને અટકાવવું નથી.

ત્યાં જ તેણે જોયું તો હવે માત્ર એક જ મશીનગન ગાજતી હતી. શત્રુની એ મશીનગન આપણા ઘણા સૈનિકોને શહીદ બનાવતી હતી.

'એ મશીનગન ચૂપ થવી જ જોઈએ.' એવી પ્રતિજ્ઞા સાથે એક્કા એ દિશામાં દોડી ગયો.

કેવી જવાંમર્દી ! કેવું પરાક્રમ !! કેવી બહાદુરી !!! અરે શૌર્યની છેલ્લી સીમા જ કહો.

ધણધણતી મશીનગનની સામે જઈને એક્કાએ એના ચાલકોને ચૂપ કર્યા.

અલબત્ત તે જાતે પણ એ સાથે જ શાંત થઈ ગયો. એ શાંતિ કર્તવ્ય પૂરું કર્યા પછીની શાંતિ હતી. પરમ શાંતિ.

એક્કાની હંમેશાં જીત થાય છે.

આલ્બર્ટે તો ખરેખરી જીત મેળવી હતી. પોતે પ્રાણ આપીને બીજા સેંકડો ભારતીય જવાનોના પ્રાણ તેણે બચાવી લીધા હતા.

તેના કેપ્ટને તેને વિષે કહ્યું : ''સૈનિકો તો ઘણા થશે પણ એક્કા તો ગજબનો માનવી હતો. તેના શૌર્ય અને પરાક્રમને માત્ર અદ્ભૂત શબ્દથી નવાજી શકાય છે. માત્ર અદ્ભુત. તેના દેશપ્રેમ અને બલિદાન તો ભારે ગજબના. સાચે જ તે એક્કો હતો.''

- હરીશ નાયક

Tags :