- તમે જોયું કે થોડા દિવસ પહેલાં અભયની તબિયત કેટલી ખરાબ થઈ હતી? તેનું મુખ્ય કારણ જંક ફૂડ જ છે. આવા કેમિકલવાળા ખોરાક ખાવાથી કેન્સર જેવા રોગ પણ થઈ શકે છે.
સુધા જે. પુરોહિત 'સ્વધા'
મોન્ટુ રોજ એની મમ્મી સાથે રીસાતો ને રોતો. નિશાળે જતી વખતે લંચબોકસ ખોલીને જુએ તો મમ્મીએ એ જ બધી દેશી વસ્તુઓ જ લંચ બોક્સમાં મૂકી હોય. સુખડી, ઘરે બનાવેલી ફરસી પૂરી, ચકરી, ચેવડો, વઘારેલી રોટલી કે વઘારેલો રોટલો, બટેટાપૌંઆ, ઉપમા. આ બધું જેવું લંચબોકસમાં જુએ એટલે એ રડવા લાગે. લંચ બોક્સ લીધા વિનાં જ જતો રહે.
મોન્ટુ મમ્મીને કહે, 'તું સાવ દેશી છે. તને કાંઈ સારી વસ્તુ બનાવતાં જ નથી આવડતી. મારા બધાં જ મિત્રો સેન્ડવીચ, પફ, પિત્ઝા, મફીન, કુકીઝ, કેક આવું બધું લઈને આવે છે. મને તો આવું દેશી ખાવાનું લઈને જતાં શરમ આવે છે. તું તો સાવ ગમાર છો.'
મોન્ટુની મમ્મી સમજતી હતી કે મોન્ટુ પર જે આ વિદેશી વાનગીઓનું ભૂત સવાર થયું છે એ એને સમજાવાથી નહીં ઉતરે, એને કંઈક નવો દાવ રમીને જ સમજાવવો પડશે.
એવામાં નિશાળમાં મોન્ટુનાં જ કલાસનો વિદ્યાર્થી અભય બિમાર પડયો. ચાલુ કલાસમાં જ એને દવાખાને લઈ જવો પડયો.
અભયને સખત કબજિયાત થઈ ગઈ હતી, જેથી ગેસ થયો અને થોડો તાવ પણ આવ્યો હતો. ચક્કર આવતાં બેભાન પણ થઈ ગયો હતો.
ડોક્ટરે પેટ તપાસ્યું તો પેટ એકદમ ફુલેલું ને ઢમઢોલ થઈ ગયુ હતું. તાત્કાલિક એનીમા આપીને પેટ સાફ કરવું પડયું. પછી લીંબુ શરબત આપવામાં આવ્યું ને થોડી શક્તિની દવા આપી ને રજા આપી.
આના પરથી ડોક્ટરને વિચાર આવ્યો કે નિશાળમાં એક પ્રવચન ગોઠવીને બાળકોને ખોરાક વિશે સાચી સલાહ આપવી જોઈએ. એક પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું.
ડોકટરે બાળકોને સમજાવતાં કહ્યું કે, 'બાળકો, તમને જે અત્યારે ચાઈનીઝ - ઈટાલિયન ફૂડ ભાવે છે તે બધું જંક ફૂડ કહેવાય છે. જંક એટલે કચરો. એ ફૂડ તમને ભાવે છે કારણ એમાં મેંદો, કેમિકલ્સ, આર્ટિફિશિયલ કલર વાપરવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તમે જોયું કે થોડા દિવસ પહેલાં અભયની તબિયત કેટલી ખરાબ થઈ હતી. તેનું મુખ્ય કારણ જંક ફૂડ જ છે. આવા કેમિકલવાળા ખોરાક ખાવાથી કેન્સર જેવા રોગ પણ થઈ શકે છે. માટે આપણે આજથી પ્રણ લઈએ આપણું દેશી ફૂડ જ ખાઈશું. આમાંથી કોણ રોજ દેશી ફૂડ લાવે છે?'
મોન્ટુ આંગળી ઊંચી કરીને કહે, 'મારી મમ્મી રોજ દેશી ફૂડ જ લંચ બોકસમાં ભરી આપે છે, પણ મને જરાય ભાવતું નથી. પણ હવે મને સાચી વાત સમજાઈ ગઈ છે. અભયની બિમારી જોઈ અને તમે સમજાવ્યું આપનાં કહેવાથી મને હવે સમજાઈ ગયું છે. મારી મમ્મી રોજ સમજાવતી પણ હું નહોતો માનતો પણ હવે મને સાચી વાત સમજાઈ.'
ડોકટરે કહ્યું, 'શાબાશ બેટા! તું હવે સાચી વાત સમજ્યો એનો મને આનંદ થાય છે. બાકીનાં બાળકો પણ આપણું દેશી ફુડ જ ખાશેને?'
બધાં બાળકો એકસાથે બોલ્યાં, 'દેશી ખાઓ સ્વાસ્થ્ય બચાવો.'
મોન્ટુએ ઘરે જઈને મમ્મીને સ્કૂલમાં બનેલી વાત કહી અને એની માફી પણ માગી.


