Get The App

એ હાલો ! કીડીબેનને મળવા .

Updated: Jun 6th, 2025

GS TEAM


Google News
Google News
એ હાલો ! કીડીબેનને મળવા                                 . 1 - image


- 'હું પોતે ઘણી વખત નિષ્ફળ ગયો છું,  નિરાશામાંથી પસાર થયો છું... પણ હિંમત રાખવાની!'

- દિગ્ગજ શાહ 

એક હતી કીડી. એને છે ને બહુ જ ઘમંડ કે હું  બહુ જ બહાદુર છું અને ભણવામાં બહુ જ હોશિયાર છું.

  હવે બન્યું એવું કે પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું અને એ ફેલ થઈ ગઈ.

 બાજુના ઉંદરભાઈએ એની મજાક ઉડાવતાં કહ્યું, 'કેમ છો, કીડીબેન! તમે તો ફેલ થયાં..! પેડા  ખવડાવો ..!'

કીડીને ખૂબ જ ગુસ્સો આવ્યો. એણે તો અંગ્રેજીમાં ક્રોધ વ્યક્ત કર્યો એટલે ઉંદર ભાઈને તો સામો ગુસ્સો આવ્યો. 

ઉંદરભાઈએ ધમાધમ કીડીબેનને બે લાફા મારી દીધા!

કીડીબેન કહે, 'ઓ હો હો..! મારી ઈજ્જતનો તે કચરો કચરો કરી નાખ્યો..! મારી મજાક ઉડાવી મને માર માર્યો...'

ઉંદરભાઈ કહે, 'થાય એ કરી લે..! તમે બધાની મજાક ઉડાવતાં હતા અને અપમાન કરતા હતાં ને તો હવે તમારા દિવસો ખરાબ આવી ગયા છે!'

કીડીબેન રડવા જેવા થઈ ગયાં. એ ફરી  અંગ્રેજીમાં  ન બોલવાનું બોલી. ઉંદરભાઈએ ફરી બે લાફા મારી દીધા!

ઘરે આવીને  કીડીબેન મમ્મી-પપ્પાને કહે, 'હવે મારે અહીં નથી રહેવું! મારી કોઈ ઈજ્જત જ નથી રહી..! બધા મારી મજાક ઉડાવે છે...' અને રડવા લાગી.

મમ્મી-પપ્પાએ એને સમજાવી, 'બેટા, આવું થાય એ તો... ફરી મહેનત કરો. તારો સ્વભાવ ખૂબજ ખરાબ છે. બહુ કડવું બોલે છે. જરા મીઠું બોલવાનું રાખ! બધા જોડે પ્રેમથી બોલ!'

કીડીબેન કહે, 'અત્યારે તો તમે મને ભાષણ ના આપો! મારુ મગજ આમ પણ ખરાબ છે અને હું વધારે કડવું બોલીશ...!'

પપ્પા સમજાવતા કહે, 'બેટા, એક કામ કરો. તમે  અત્યારે છે ને નાસ્તો કરી લો પછી હું તમને મુવી જોવા લઈ જાઉં છું એટલે તમારું મગજ ઠંડુ થઈ જશે..!'

કીડીએ નાસ્તો કર્યો. પછી એના મમ્મી-પપ્પા સાથે એ મુવી જોવા માટે ગઈ.

મુવી જોવા ગઈ તો મલ્ટિપ્લેક્સમાં એને બધા મિત્રો જ મળી ગયા. કોઈએ બધાની વચ્ચે કહી દીધું, 'કીડીબેન, તમે તો ફેલ થઈ ગયા..! હદ થઈ ગઈ..!'

કીડી પાછી રડવા જેવી થઈ ગઈ. મોં નીચું નાખીને એ મમ્મી-પપ્પા સાથે આગળ વધી ગઈ. ઘેર આવીને કીડી બહુ રડી...

હવે કરવું શું..? આ તો બહુ જ ખરાબ થયું..! એના પપ્પાએ સમજાવતાં કહ્યું, 'જો બેટા..! આવું થઈ જાયને તો હિંમત રાખવાની.. પોતાના પર વિશ્વાસ રાખવાનો. નિરાશ નહીં થવાનું. બધા જોડે આંખથી આંખ મિલાવીને વાત કરવાની. શરમાવવાનું નહીં..!'

કીડી બેન રડતાં રડતાં કહે, 'પપ્પા, તમે તો જ્યારે જુઓ ત્યારે બહુ લાંબુ લાંબુ મને ભાષણ આપો છો..!'

પપ્પા કહે, 'પણ હું સાચું કહું છું! મારો પોતાનો અનુભવ છે. હું પોતે ઘણી વખત નિષ્ફળ ગયો છું. ઘણી વખત નિરાશામાંથી પસાર થયો છું. હિંમત રાખવાની!'

કીડીબેન કહે , 'હું તમને પહેલાંની જેમ જ પાછી તાજી માજી થઈને  બતાવીશ.  હિંમત રાખીશ અને ખૂબ મહેનત કરીશ... અને મારો સ્વભાવ સુધારી દઈશ.. ઓકે , ડન!'

કીડીનાં મમ્મી-પપ્પા ખુશ થઈને કહે, 'વાહ બેટા, વાહ!  ગુડ! મારી દીકરી તો આવી જ હોવી જોઈએ..!'

કીડીબેન બીજા દિવસથી સંપૂર્ણ બદલાઈ ગયાં. જાણે ચમત્કાર થઈ ગયો!

કીડીબેનએ  જોરદાર મહેનત કરવાનું શરુ કર્યું. સ્વભાવ સુધારી લીધો.મળતાવળો કરી નાખ્યો.

કીડીબેન હવે કોઈનાથી ડરતા નથી. કોઈનાથી ગભરાતા નથી. નિરાશ થતાં નથી. ખાસ કરીને પોતાનો સ્વભાવ જે કડવો હતો એ મીઠો મીઠો કરી દીધો છે. બધાંની  સાથે હળીમળીને બોલે છે. 

હવે કીડીબેન સંપૂર્ણ બદલાઈ ગયાં હતાં એટલે બધા એમને આવકાર આપતા હતા. મીઠું બોલતા હતાં.

કીડીબેન જ્યારે બીજી એક્ઝામ આવી ત્યારે આખી સ્કૂલમાં પ્રથમ આવ્યાં. ચારે બાજુથી કીડીબેનને ખૂબ પ્રશંસા મળી. 

કીડી બેન તો ખુશ ખુશ! એનાં મમ્મી-પપ્પા તો એનાં કરતાં પણ વધારે ખુશ! 

હવે કીડીબેન મસ્ત મસ્ત મોજ થી જીવે છે, બાપલા..! 

Tags :