દુષ્યંત અને શકુન્તલા
- અચાનક તેણે કોઈની બૂમ સાંભળી : 'ના મરાય, ના મરાય ! આ તો આશ્રમનું હરણ છે. એને ના મરાય !' આ એક ઋષિનો અવાજ હતો
- કણ્વને થયું, 'મારા જેવા તપસ્વીને પાળેલી છોકરીને વિદાય કરતાં આટલું દુ:ખ થાય છે તો ગૃહસ્થી લોકોને કેટલું દુ:ખ થતું હશે! એમણે ઝાડને કહ્યું, 'તમને પાણી પાઈને પછી પાણી પીતી હતી.'
મા લિની નદીને કિનારે એક આશ્રમ હતો. આશ્રમમાં કણ્વ ઋષિ રહેતા હતા. તેમની સાથે તેમના શિષ્યો રહેતા હતા. ગૌતમી નામની ઘરડી તાપસી હતી. પ્રિયબંધા અને અનસૂયા નામની નાની બાળાઓ હતી.
એક દિવસ ઋષિ નદીએ નહાવા ગયા. નદીએથી પાછા ફરતી વખતે તેમને એક બાળકના રડવાનો અવાજ સંભળાયો. પક્ષીઓ પાંખથી એ બાળકનું રક્ષણ કરતાં હતાં. બાળા સુંદર હતી. તેના પર ઋષિને વહાલ ઊપજ્યું. તેમણે તેને ઊંચકી લીધી. આશ્રમમાં જઈને બાળા ગૌતમીને સોંપી દીધી. બાળા આશ્રમમાં મોટી થવા લાગી. કણ્વ ઋષિએ બાળાનું નામ શકુન્તલા પાડયું.
એ પ્રદેશનો રાજા હતો. દુષ્યંત. તેને રાણીઓ તો હતી, પણ સંતાનની ખોટ હતી.
એકવાર દુષ્યંતને શિકાર કરવા જવાની ઈચ્છા થઈ. તેણે પોતાની સાથે સૈનિકો લીધા. મિત્ર અને સલાહકાર વિદૂષકને પણ સાથે લીધો. રથમાં બેસીને રાજાજ ચાલી નીકળ્યો. આગળ દુષ્યંત અને પાછળ સૈનિકો. તેઓ દૂર દૂર પહોંચી ગયા. એવામાં એક હરણ જોયું. હરણ જોઈને રાજાએ ધનુષ પર તીર ચઢાવ્યું.
અચાનક તેણે કોઈની બૂમ સાંભળી : 'ના મરાય, ના મરાય ! આ તો આશ્રમનું હરણ છે. એને ના મરાય !' આ એક ઋષિનો અવાજ હતો. એ અગ્નિપૂજા માટે લાકડાં લેવા નીકળ્યા હતા. એમણે રાજાને કહ્યું, 'તમારું હથિયાર તો ત્રાસ પામેલાના રક્ષણ માટે છે, નિર્દોષોને મારવા માટે નથી.'
રાજાએ તરત જ પોતાનું બાણ પાછું ખેંચી લીધું. એણે સારથિને રથ ઊભો રાખવાનો હુકમ કર્યો. રાજાએ ઋષિને પ્રણામ કર્યા. ઋષિએ આશીર્વાદ આપ્યા, 'તમને ચક્રવર્તી પુત્ર થાવ!' રાજાએ ઋષિનાં વચન માથે ચઢાવ્યાં. તેના વર્તનથી ઋષિ ખુશ થયા. તેમણે રાજાને કહ્યું, 'કણ્વ ઋષિનો આશ્રમ અહીં નજીક જ છે. આશ્રમની મહેમાનગતિ માણીને પછી જ જજો !'
દુષ્યંતે પૂછ્યું, 'કણ્વ ઋષિ આશ્રમમાં છે?' ઋષિએ કહ્યું, 'એ તો સોમતીર્થ ગયા છે, પણ શકુન્તલાને મહેમાન ગતિ કરવાનું કામ સોંપી ગયા છે. તમે ચિંતા ન કરશો !'
દુષ્યંતે શકુન્તલાને મળવા જવાનું નક્કી કર્યું. એણે પોતાનાં હથિયાર સારથિને આપી દીધાં. ઘરેણાં પણ ઉતારી નાખ્યાં. અને પોતે એકલો આશ્રમમાં ગયો.
આશ્રમની ત્રણ બાળાઓ ઝાડને પાણી પાવા નીકળી હતી. તેમના હાથમાં નાના ઘડા હતા. તેઓ હસતી, મજાક કરતી જતી હતી.
દુષ્યંતને થયું, 'લાવને, આમની વાત સાંભળું !' તે ઝાડ પાછળ સંતાઈ ગયો અને સાંભળવા લાગ્યો.
તે બાળાઓમાંની એક અનસૂયા બોલી , 'શકુન્તલા પિતા કણ્વને તારા કરતા પણ આ ઝાડ વધારે વહાલાં હશે. એટલે જ ઝાડને પાણી પાવાનું કામ તને સોંપ્યું છે!'
શકુન્તલાએ જવાબ આપ્યો, 'પિતાએ કહ્યું છે, માટે જ હું આ કામ કરું છું. એવું નથી. મને એમના તરફ સગા ભાઈ જેવો સ્નેહ છે. તેથી હું એમને પાણી પાઉં છું.'
દુષ્યંતનું ધ્યાન પહેલાં ત્રણે છોકરીઓ પર ગયું હતું. પણ શકુન્તલાનું આ વચન સાંભળીને દુષ્યંતનું ધ્યાન તેના તરફ વધારે ખેંચાયું. તેને થયું, 'ઋષિ આવી કુમળી બાળા પાસે આવું કઠણ કામ કરાવે છે! એ બરાબર ન કહેવાય.'દુષ્યંતના મનમાં શકુન્તલા માટે લાગણી ઉપજી.
વાતવાતમાં તેને માટે યોગ્ય વરની વાત કાઢીને સખીઓ શકુન્તલાને ચીઢવવા લાગી.
દુષ્યંતના મનમાં શકુન્તલાનો વર બનવાની ઈચ્છા જાગી. તેને થયું, 'હું પરણી શકું તો કેવું સારું !'
એટલામાં પાણી પાડવાથી વેલ પર બેઠેલો ભમરો ગભરાઈ ગયો. તે વેલ પરથી ઊડીને શકુન્તલા પાસે ગયો અને તેને હેરાન કરવા લાગ્યો. શકુન્તલાએ દોડાદોડ કરી મૂકી. તેણે સખીઓને બૂમ પાડી, 'બચાવો, બચાવો.' પણ એ લોકોએ મશ્કરી કરતાં કહ્યું, 'તને બચાવનારા' અમે કોણ ? દુષ્યંતને બોલાવ ! આશ્રમની રક્ષા તો રાજાએ જ કરવાની હોયને !
આ સાંભળીને રાજા તરત જ ઝાડ પાછળથી બહાર આવ્યો. તેણેે ભમરાને દૂર કર્યો. બધાં રાજાને એકાએક આવેલો જોઈને ગભરાઈ ગયાં. દુષ્યંતે શકુન્તલાને કુશળ સમાચાર પૂછ્યાં. શરમાઈ ગયેલી શકુન્તલા કંઈ બોલી શકી નહીં. અનસૂયાએ શકુન્તલાને મહેમાનનું સ્વાગત કરવાની સામગ્રી લાવવાનું કહ્યું.
રાજાએ કહ્યું, 'તમારી મધુર વાણીથી સ્વાગત થઈ ગયું ં છે.' અને શકુન્તલાને જતી અટકાવી.
પ્રિયંવદાના સૂચનથી બધાં ઝાડ નીચે બેઠાં. વાતચીતમાં રાજાને જાણ થઈ કે શકુન્તલા ઋષિ વિશ્વામિત્ર અને અપ્સરા મેનકાની દીકરી છે. કણ્વ ઋષિ તેના માટે યોગ્ય વરની શોધમાં છે. રાજાને થયું કે કદાચ એની ઈચ્છા ફળશે. આ બધી વાતોથી શકુન્તલા અકળાઈ ગઈ. એ ત્યાંથી નાસી છૂટવા ઊભી થઈ. એને રોકીને પ્રિયંવદાએ કહ્યું, 'બે ઘડા પાણી રેડવાનું મારું દેવું. પહેલાં ચૂકવ, જવું હોય તો તે પછી જા.'
'આનું દેવું ચૂકવવા હું તૈયાર છું.' એમ કહીને દુષ્યંતે પોતાની વીંટી આગળ ધરી. વીંટી પરના અક્ષરો જોઈને સખીઓ ચમકી ગઈ. એકબીજાની સામે જોવા લાગી. 'પોતે રાજાનો માણસ છે.' એમ કહીને દુષ્યંતે વાત વાળી લીધી.
પ્રિયવંદાએ કહ્યું, 'તો તો આ આંગળીથી વીંટીને છૂટી ન પડાય. તમારા શબ્દોથી જ અમે એને દેવામાંથી મુક્ત કરીએ છીએ.' શકુન્તલા રોકાઈ ગઈ. ખરેખર તો તેને પણ જવાનું મન નહોતું. તેનું મન પણ દુષ્યંત તરફ ખેંચાયું હતું.
એટલામાં આશ્રમમાં બૂમ પડી. બધાંને આશ્રમના પશુઓની રક્ષા માટે સાવધ કરવામાં આવ્યા. કારણ શિકાર માટે નીકળેલાં દુષ્યંતની સેના આશ્રમ નજીક આવી ગઈ હતી. બધે નાસભાગ થઈ ગઈ. ગભરાટમાં બધા છૂટા પડયાં. અનસૂયાને રાજાની માફી માગી, અને ઝૂંપડીમાં પાછા જવાની રજા માગી. શકુન્તલાએ જવામાં વાર લગાડીને પોતાના હૈયાનો ભાવ જણાવી દીધો.
દુષ્યંતનું મન હવે શિકારમાં નહોતું. તેનો મિત્ર પણ કંટાળ્યો હતો. રાજા શિકાર બંધ કરે તેવી તેની ઈચ્છા હતી. જાણે પોતાના મિત્રની ઈચ્છાને માન આપતો હોય તેમ રાજાએ શિકાર માંડી વાળ્યો. તેણે સૈનિકોને આરામ લેવા કહ્યું.
રાજા મિત્ર સાથે એકલો પડયો. તેણે શકુન્તલાની વાત કરી અને ફરીથી આશ્રમમાં જવાનું કોઈ બહાનું શોધી આપવા જણાવ્યું.
એટલામાં બે શિષ્યો રાજાને તેડવા આવી પહોંચ્યા. કણ્વ ઋષિની ગેરહાજરીને લીધે અસુરો આશ્રમની ધર્મક્રિયામાં વિઘ્ન કરતા હતા. શિષ્યોએ વિનંતી કરતાં કહ્યું, 'તમે થોડા દિવસ આશ્રમમાં આવીને રહો, જેથી અમારી રક્ષા થઈ શકે.' રાજાને તો, 'ભાવતું' તું અને વૈદે કહ્યું, 'એવું લાગ્યું.' તેેણે શિષ્યોને કહ્યું,'તમે જાઓ. હું પાછળ જ આવું છું.'
બીજી બાજુ રાજમાતાનો સંદેશો આવ્યો. તેમને ઉપવાસ હતો. તે વખતે ત્યાં રાજાની હાજરીની ખાસ જરૂર હતી. એટલે રાજમાતાનો હુકમ હતો કે દુષ્યંતે રાજધાનીમાં જવું. દ ુષ્યંત માટે ધર્મસંકટ ઊભું થયું. 'હવે શું કરવું.' થોડો વિચાર કરીને તેણે ઉકેલ શોધી કાઢ્યો. દુષ્યંતે વિચાર્યું, 'માતા તો મારા આ મિત્રને પુત્ર જેવો જ માને છે તો તેને જ મોકલી દઉં.'
દુષ્યંતે મિત્રને સેના લઈને રાજધાનીમાં જવાનું કહ્યું. અચાનક તેને વિચાર આવ્યો, 'આ વાતોડિયો માણસ કદાચ રણવાસમાં શકુન્તલાની વાત કહી દેશે તો ?!' એટલે રાજાએ મિત્રને કહ્યું, 'શકુન્તલા વિશેની વાત તો એક મજાક છે. એને સાચી માની લેતો નહીં!' જાડી બુદ્ધિના વિદૂષકે કહ્યું, 'સારું !' રાજા આશ્રમમાં ગયો અને તેનો મિત્ર રાજધાનીમાં.
આ બાજુ શકુન્તલા બેચેન બની ગઈ હતી. તેનું માથું દુ:ખતું હતું. સખીઓને થયું કે કદાચ ગરમીને લીધે દુ:ખતું હશે. તેના કપાળ પર લેપ લગાડયો. કમળનાં પાન શરીર પર મૂક્યા, પણ પછી તેમને સમજાયું કે આ બેચેની કંઈ ગરમીને કારણ નથી, તેનું કારણ તો જુદું જ છે. તેમણે શકુન્તલાને પૂછ્યું, શકુન્તલાએ પણ પોતાના હૃદયના ભાવ જણાવ્યા. પોતે દુષ્યંત પ્રત્યે મોહિત થઈ એમ તેણે કબૂલ કર્યું. સખીઓના કહેવાથી તેણે દુષ્યંતને પ્રેમપત્ર લખ્યો. દુષ્યંત તો ઝાડ તો ઝાડ પાછળ ઊભો રહીને આ બધું સાંભળતો હતો. તે બહાર આવ્યો. તેણે શકુન્તલાને પ્રેમ-વિવાહ કરવાનું સૂચન કર્યું.
ગંભીર સ્વભાવની અનસૂયા બોલી, 'રાજાને તો ઘણી પ્રિયતમાઓ હોય. અમારી સખીને દયા ખાવાનો વારો ન આવે તે રીતે વરતજો!' પછી સખીઓ તેમને એકલાં મૂકીને જતી રહી.
શકુન્તાની બેચેનીના સમાચાર મળતાં ત્યાં ગૌતમી આવી પહોંચી. રાજા ઝાડની આડે છુપાઈ ગયો.
ગૌતમીએ સાથે લાવેલું પવિત્ર પાણી શકુન્તલાના માથા પર છાંટયું. પછી તેને ઝૂંપડીમાં લઈ ગઈ.
શકુન્તલાએ પાછા આવવાનું સૂચન કર્યું અને તે ગૌતમી સાથે ગઈ.
રાજા થોડા દિવસ આશ્રમમાં જ રહ્યો. તેના શકુન્તલા સાથે પ્રેમ-વિવાહ થઈ ગયા. પછી તે રાજધાની પાછો ગયો. જતી વખતે તેણે શકુન્તલાને પોતાની વીંટી આપી. 'ત્રણ દિવસમાં મારા માણસો તને લેવા આવશે.' એમ પણ કહ્યું.
કણવ ઋષિ સોમતીર્થથી પાછા આવી ગયા હતા. તેમને પોતાની શક્તિથી બધી વાતની જાણ થઈ ગઈ હતી. શકુન્તલા દુષ્યંત સાથે પરણી ગઈ છે અને ગર્ભવતી છે એ વાતની પણ તેમને ખબર પડી. તેમણે શકુન્તલાને સાસરે વિદાય કરવાનું નક્કી કર્યું.
એક દિવસ દુર્વાસા ઋષિ આશ્રમમાં આવી પહોંચ્યા. તેમણે પોતાના આગમનની જાણ કરી. ઘડીભર થોભ્યા. પણ જવાબ મળ્યો નહીં. તેઓ ગુસ્સે થઈ ગયા. તેમણે શકુન્તલાને શાપ આપ્યો, 'જેના વિચારમાં મગ્ન થઈને તેં મારા તરફ ધ્યાન નથી આપ્યું તે જ તને ભૂલી જશે.'
શકુન્તલાની સખીઓએ આ સાંભળ્યું. તેઓ ગભરાઈ ગઈ. પ્રિયંવદા દુર્વાસાને મનાવવા દોડી. તેણે બહુ વિંનતી કરી ત્યારે માંડ મુનિ શાંત થયા.
તેમણે કહ્યું, 'ઓળખ માટેની કોઈ નિશાની બતાવવાથી શાપ દૂર થશે.'
સખીઓ વીંટીની વાત જાણતી હતી તેથી તેમને રાહત થઈ. શકુન્તલા તો એવા ઊંડા વિચારમાં હતી કે એને શાપની ખબર જ ન પડી.
શકુન્તલાને સાસરે વિદાય કરવાની છે એવા ખુશખબર પ્રિયંવદાને આપ્યા. બધાં વિદાયની તૈયારીમાં લાગી ગયાં.
કણ્વને થયું, 'મારા જેવા તપસ્વીને પાળેલી છોકરીને વિદાય કરતાં આટલું દુ:ખ થાય છે તો ગૃહસ્થી લોકોને કેટલું દુ:ખ થતું હશે! એમણે ઝાડને કહ્યું, 'તમને પાણી પાઈને પછી પાણી પીતી હતી. તમને પહેલી વાર ફૂલ આવતાં તો તે ઉત્સવ ઊજવતી. તે શકુન્તલા આજે સાસરે જાય છે. તમે સહુ આશીર્વાદ આપો !'
કોયલ ટહૂકી. જાણે ઝાડે આશીર્વાદ આપ્યા.
'તારો માર્ગ કલ્યાણકારી થાવ !' એવી આકાશવાણી થઈ. શકુન્તલાએ આશ્રમનાં પશુપક્ષીઓની પણ વિદાય લીધી. પિતાને કહ્યું, 'મારાં બાળક જેવાં આ હરણનાં બચ્ચાંની સંભાળ રાખજો.'
(ક્રમશ:)
મહાકવિ કાલિદાસ
મહાકવિ કાલિદાસ સંસ્કૃતના એક બહુ જાણીતા લેખક અને કવિ છે. તેઓ ઈસવી સન પૂર્વે પહેલી સદીમાં થઈ ગયા હતા એવો એક મત છે. તેમણે 'ઋતુસંહાર' અને 'મેઘદૂત' જેવા કાવ્યો લખ્યાં છે. 'કુમારસંભવ' અને 'રઘુવંશ' જેવાં મહાકાવ્યો પણ લખ્યાં છે. તેમણે ત્રણ નાટકો 'માલવિકાગ્નિમિત્ર', 'વિક્રમોર્વશીય' અને 'અભિજ્ઞાાન શાકુન્તલ' લખ્યાં છે. તેમાં 'અભિજ્ઞાાન શાકુન્તલ' નામનું નાટક વિશ્વભરમાં જાણીતું છે.