Get The App

ભયને ભગાવો .

Updated: Dec 6th, 2025

GS TEAM

Google News
Google News
ભયને ભગાવો                                             . 1 - image

- નિરજ ખૂબ ગભરાઈ ગયો. તેણે બીજું કશું જ ના વિચાર્યું. એણે પપ્પાના પગમાંથી સ્કેટ્સ ઉતારીને ફટાફટ પોતે પહેરી લીધાં. સ્કેટિંગ કરતો-કરતો એ કાર પાસે ગયો અને કારમાંથી દવા લઈ આવ્યો.

- વિઠલાણી પલ્લવી હેમલકુમાર

નવ વર્ષનો નિરજ ઊંઘમાં જ બૂમ પાડે છે, 'પપ્પા મને બચાવો. હું ખાડામાં પડી ગયો.'

નિરજના પપ્પા દોડતાં આવ્યા અને તેને ઉઠાડીને પૂછવા લાગ્યા, 'શું થયું બેટા? ફરથી જૂનું સપનું આવ્યું?' 

નિરજ પપ્પાને વળગી પડયો અને રડવા લાગ્યો.

દશેક મહિના પહેલાં, એક નાનો અકસ્માત એણે પોતાની નજરે જોયો હતો, જેમાં આઠ વર્ષનો એક છોકરો રસ્તા પર સ્કેટિંગ કરતો હતો. સામેથી આવતાં સ્કૂટર સાથે એ અથડાયો. સદ્નસીબે કોઈ જાનહાનિ ન થઈ, પરંતુ છોકરો રોડની એક તરફ ગબડી પડયો અને રડવા લાગ્યો. ત્યારથી પેલા બાળકની જગ્યાએ તે પોતાની જાતને કલ્પી લેતો અને ઊંઘમાંથી ઝબકીને જાગી જતો.

નિરજ પણ સારું સ્કેટિંગ કરી શકતો હતો, પરંતુ આ એક્સિડન્ટ જોયા પછી તેણે સ્કેટિંગ કરવાનું છોડી દીધું હતું, અને વારંવાર ઊંઘમાંથી પણ ઝબકી જતો. એના પપ્પા આ બધું જોઈને ખૂબ ચિંતાતુર રહેતા અને નિરજનો ડર ભગાવવાની યુક્તિ વિચારતા રહેતા.

એક રવિવારનાં દિવસે પપ્પાએ નિરજને કહ્યું, 'ચાલ, બેટા! આજે તો આપણે દૂર ફરવા જવાનું છે!' નિરજ તો ખુશ થઈ ગયો. પપ્પાએ મોટરકારમાં નાસ્તો, પાણીની બોટલો મેડિકલ કીટ અને સાથે-સાથે નિરજનાં સ્કેટ્સ પણ મૂકી દીધા. બંને નીકળી પડયા.

એકાદ કલાકનાં ડ્રાઈવિંગ પછી બંને એક વિશાળ ખુલ્લા મેદાનમાં પહોંચી ગયા. પપ્પાએ કાર ઊભી રાખી. બંને બહાર આવ્યા. પપ્પાએ સ્કેટ્સ બહાર કાઢ્યા કે તરત જ નિરજ બોલી ઉઠયો, 'પપ્પા, હું સ્કેટિંગ નહીં કરું.' પપ્પા કહે, 'અરે, તારે કરવાનું પણ નથી. આ તો હું મારા માટે લાવ્યો છું.'

એમ કહી પપ્પા સ્કેટિંગ કરતા-કરતા પુત્ર સાથે વાતો કરવા લાગ્યા. નિરજ તેમની સાથે દોડતો જતો હતો.

આમ કરતાં-કરતાં બંને કારથી ઘણા દૂર આવી ગયા. પપ્પાએ અચાનક જ બૂમ પાડી અને કહ્યું કે, 'નિરજ બેટા, મને છાતીમાં બહુ જ દુ:ખાવો થાય છે, લાગે છે કે મારું બ્લડપ્રેશર વધી ગયું છે. તો બ્લડપ્રેશરની ગોળી મારે હમણા જ ખાવી પડશે, પણ હું તો એક ડગલુંય ચાલી શકું તેમ નથી. તું જલ્દી જા અને કારમાંથી લઈ આવ.' 

એમ કહીને તે નીચે જમીન પર લાંબા થઈ ગયા. 

નિરજ તો ખૂબ ગભરાઈ ગયો. તેણે બીજું કશું જ ના વિચાર્યું એણે પપ્પાના પગમાંથી સ્કેટ્સ ઉતારીને ફટાફટ પોતે પહેરી લીધાં. સ્કેટિંગ કરતો-કરતો એ કાર પાસે ગયો અને કારમાંથી દવા લઈ આવ્યો.

એણે જોયું કે પપ્પા તો મંદ-મંદ મુસ્કુરાતાં, થોડે દૂર આવેલી એક બેંચ પર બેઠા છે. નિરજ પણ સમજી ગયો કે મારો ડર ભગાવવા માટે પપ્પાએ આ યુક્તિ કરી છે.

તે ખૂબ ખુશ થઈને પપ્પાને વળગી પડયો. એણે પ્રોમિસ કર્યું કે હવેથી તે કોઈ વસ્તુ કે પરિસ્થિતિથી ડરશે નહીં નહીં, પણ તેનો સામનો કરશે.

બીજા મહિને શાળામાં યોજાનારી સ્કેટિંગની હરિફાઈમાં તેણે પ્રથમ નંબર મેળવ્યો.