- રક્ષાબંધન...રક્ષાબંધન... સારાય દેશનું
- અમે તો જે પ્રતિજ્ઞા પાળીએ તે પાળીને જ રહીએ
- ત્યાં જ સરરર ધાંય કરતી રાયફલ છૂટી...
- હિમાલયની સરકતી હિમશિલા પરથી જાગૃત સૈનિકનો બહેનને પત્ર : અમારે માત્ર શહિદ થવું નથી. મરીને પણ આતંકને મારવો છે ખતમ કરવો છે. અમારી પ્રતિજ્ઞા નેતાઓની પ્રતિજ્ઞા નથી. એ પ્રતિપળની પ્રતિજ્ઞા જ છે. ધસમસતી હિમશિલા બહાદુરને નીચે પહોંચાડે છે, કલંકને ઉપર...
- હરીશ નાયક
અમારા વહાલા મોટી બહેન,
ચારે બાજુ બરફ છવાયેલા સરહદી ક્ષેત્ર પરથી, આ તમારો સૈનિક ભાઈ તમને આ સ્નેહપત્ર લખી રહ્યો છે. હિમપ્રદેશ હિમાલય પર જ્યારે સૂરજનાં કિરણો પડે છે, ત્યારે આખો હિમાળો સોનેરી રંગથી ઝળહળી રહે છે. સનસનાટીભર્યા સંઘર્ષની વચમાંથી પણ એ દ્રશ્યો સુમધુર અને સુંદરતમ લાગે છે. આવા દ્રશ્યો તમારે ત્યાં તો ભાગ્યે જ જોવા મળે. બહુ રળિયામણું એટલા માટે લાગે છે બડીદીદી કે, અમારા અહીં દરેક ક્ષણે સંઘર્ષનો સામનો કરવો પડે છે. જરાકે ય ગાફેલ રહ્યા, તો જિંદગીની અને સુરક્ષાની કસોટીમાં 'ફેઈલ' થઈ જઈએ. તેનો ય વાંધો નથી ડિયર સિસ્ટર, પણ કોઈક આતંકી દેશની સીમામાં ઘૂસી જાય, તે અમને- આપણને કેમ પોષાય? માત્ર શહીદ થવાનું સન્માન અમારે જોઈતું નથી, અમારે તો મરીને પણ શત્રુના ટાંટિયાને પેલી દિશામાં જ રાખવા છે. DEATH IS NOT THE END.
મરવાથી અમે ડરતાં નથી બહેનજી, પણ મરીએ ખરા અને શત્રુને પ્રવેશવા દઈએ, એ ઘટના અમને મંજૂર નથી.
શહીદ અમને કહો
કે, ના કહો, પરવા નથી
પણ દુશ્મનોનો પગ અહીં પેસે
એ અમને મંજુર નથી
અરે, બહેન-બહેન ! નાહક ભાવનામાં ખેંચાઈ ગયો. પણ અમે સૈનિકો ય માણસ તો ખરા જ ને! પૂરા નીતિ-નિયમો અને શિસ્તની વચમાં ય ક્યારેક અમે લાગણીમાં તણાઈ જઈએ છીએ.
અમારે નેતા નથી બનવું તાઈ માઈ!
નેતાઓ જે વખતોવખત સોગંદો ખાય છે અને તરતો તરત જ એ સોગંદની ગંધ મિટાવી દે છે. એ બધું અમને ન પોષાય. અમે તો જે પ્રતિજ્ઞા પાળીએ તે પાળીને જ રહીએ. અમારી દ્રઢ પ્રતિજ્ઞા એક જ, એ જ, કે...
યે સર જાવે તો જાવે
પર સુરક્ષા હમારી ફાવે
અગાઉની એ પ્રતિજ્ઞામાં, બીજી પંક્તિ છે : પર આઝાદી ઘર આવે...
દીદીમા! આઝાદી તો ઘરે આવી જ છે, આપણે એ આઝાદીને ચિરંજીવી બનાવવાની છે. આઝાદીનું રક્ષણ કરીને, તે સામે આંગળી ચીંધનારની આંગળી આપણે ઝાટકી નાખવાની છે.
આપણાં વડવાઓ જાનના જોખમે આઝાદી બક્ષી ગયા છે. તેઓ ગાઈ બજાવીને લલકારી ગયા છે :
હમ લાયે હૈ, તૂફાન સે
કસ્તી નિકાલ કે
ઇસ દેશ કો રખના
મેરે બચ્ચોં સમ્હાલ કે
આપણે એ જ આદેશ માનવાનો છે. આ દેશના લોકોએ પણ એ જ આજ્ઞા માથે ચઢાવવાની છે.
જે સીમા સરહદ પર લડે છે, દીદીમૈયા, એ જ કંઈ સૈનિક નથી, પણ આ દેશમાં જન્મનાર દરેકે દરેક બાળક, કિશોર, તરુણ, યુવાન, આધેડ કે વૃદ્ધ... બધાં જ સોલ્જર્સ છે. અને સુરક્ષાને મોરચે બધાંએ ખભે-ખભા મિલાવીને ધસી જવાનું છે અમે તો યાદ કરીએ જ છીએ :
RODE THE SIX HUNDRED
INTO THE VALLEY OF DEATH
યાદ હશે જ આપણાં બધાં વિદ્યાર્થી મિત્રોને, એ કવિતા! કેપ્ટનથી ભૂલથી ખોટો હુકમ અપાઈ ગયો હતો. છ હજાર ભર્યા ભર્યા લશ્કર સામે, છસો સૈનિકોને ધસી જવાનું કહી દીધું. કેપ્ટનનો હુકમ એટલે હુકમ. ધસમસી ગયા એ છસો દેશ રક્ષક રણવીરો. સામે ચાલીને મોતના મ્હોંમાં.
મરીને જીવી જવાનો એ અદ્ભુત મોકો હતો. મર્યા અને જીવી ગયા. મર્યા જ નથી તેઓ, આજે ય જીવે જ છે એ છસો આજ્ઞાધારકો, અમારી સાથે, અમારી આજુબાજુ, અમારી વચમાં, અમારી આગળ.
તે દિવસે બળેવ હતી કે કેમ, ખબર નથી. તેમના હાથે તેમની ભાવભીની ભગિનિઓએ રક્ષા બાંધી હતી કે નહિ, તેની ય ખબર નથી. પણ તેમની સમાધિ પરથી ખીલેલા ઓર્કીડ ફૂલોની રક્ષા એક જીવંત ભાઈને હાથે શોભવી જોઈએ.
આદરણીય બહેનશ્રી, આજે મને આવેલા વિચારોનું હું મંથન કરું છું. ઘણીવાર થાય છે, થતું જ રહે છે, કે મોટાભાગના આપણા મહામાનવો હાથના કાંડા પર લાલ કાળા ધાગા શું કામ બાંધી રાખે છે? મને, અમને કોણ જાણે કેમ, એ નથી ગમતું. અમને સૈનિકોને તો એ, એમાં, અંધશ્રદ્ધા જ ભાસે છે. ન એ કાંડાના દોરા કોઈ કાંડથી બચાવે છે કે કોઈ શુકનવંતા વિજયને પ્રાપ્ત કરે છે.
પહેલી વખત જ્યારે હું દિલ્હી ગયો, મારી પરીક્ષા વખતે, ત્યારે મારી સાથે મારા જેવો જ નવજુવાન એક યાત્રી હતો. ગળામાં, હાથે, કાંડે ઠેર ઠેર દોરા ધાગા, માદળિયાં બાંધેલા હતાં. મેં પૂછ્યું : 'એનાથી કંઈ ફાયદો થાય છે ?'
તે કહે : 'તકલીફને વખતે તે પર હાથ મૂકી દઈએ તો તરત તકલીફ દૂર થઈ જાય છે.'
તે વખતોવખત એના મૃત્યુંજય સુકનવંતા ધાગાઓ, માળાઓ, પર હાથ ફેરવ્યા કરતો.
દયાળુ દીદી ! તે જે કામ માટે ગયો હતો, તે કામ થયું જ નહિ. તેને એ મણકાઓએ કોઈ મદદ કરી નહિ. તે એવો હતાશ, નિરાશ, થઈ ગયો કે...
અમારા સૈનિકોમાં ય કેટલાક આવા શ્રદ્ધાભક્તો હોય છે. જ્યારે તેઓ શહીદ થાય છે, ત્યારે તેમના કાંડા પર પેલા લાલ-કાળા દોરાઓ સાથે, તેમનો હાથ દૂર જઈ પડયો હોય છે.
હું શ્રદ્ધાને સ્વીકારું છું, અશ્રદ્ધાને કે અંધશ્રદ્ધાને નહિ ! આપણાં બધાં નેતાઓ, રમતવીરો વગેરે કાંડા પરની એ પૂજાને વંદન કરે છે. સફળ થાય છે કે, ફાવે છે તો, માને છે કે એ દોરાધાગાએ તેમને વિજય અપાવ્યો. નિષ્ફળતા મળે છે તો બે દોરા વધારે બંધાવી આવે છે.
આપણી માતાએ જ ગાયેલી રક્ષા-કવચની કવિતા યાદ કરીએ. અભિમન્યુને એકલા કોઠાયુદ્ધમાં જવાનું થયું. માતા કુંતાને થયું કે મારા આ વીર વહાલીડાને કોણ બચાવશે ? તેમણે અભિમન્યુને કાંડે રક્ષા બાંધી. તે વખતનું ગીત છે :
માતા અભિમન્યુને બાંધે
અમ્મર રાખડી રે લોલ
માતા કુંતા માને છે કે, હવે વીર અભિમન્યુને કંઈ જ થશે નહિ. તે જીતતો રહ્યો, જીતતો રહ્યો, જીતતો રહ્યો. પણ સાતમે દિવસે એક અલૌકિક ઘટના બની કે દુર્ઘટના? તે એકલો પડી ગયો. એકાકી એ યોદ્ધાને ખતમ કરવા કૌરવોના તમામ લડવૈયાઓ એક થયા. ચારે બાજુથી તેને ઘેરી લીધો. પ્રહારો શરૂ થયા. અભિમન્યુ મરાયો.
રહસ્ય એવું તારવવામાં આવ્યુ ંકે કોઈક ઉંદરડો તેની રક્ષા કાતરી ગયો હતો. કહે છે કે એ ઉંદરડો બીજો કોઈ નહિ, પણ પેલો કનૈયો જ હતો. શ્રીકૃષ્ણ.
કહે છે કે શ્રીકૃષ્ણને અભિમન્યુ એવી શ્રદ્ધારક્ષાથી બચે, તે મંજુર ન હતું. અભિમન્યુ ભડવીર હતો, શૂરવીર હતો, રણવીર હતો. તેણે તેની આત્મશ્રદ્ધાથી જીવવું કે મરવું જોઈએ. ભલે કુંતાની હોય પણ જો એ રક્ષાથી તેને જીત મળશે તો તેનું આત્મબળ ઓસરી જશે, તે પછી કાયમ કૌવતને નહિ, પણ કાંડા પરના માતૃ આશિષને જ મહત્ત્વ આપશે.
વહાલી ભગિનિ ! અમારે સૈનિકોને પણ એવા વહેમ કે વેવલાવેડાથી બચવાનું છે. હું રાણી કર્ણાવતીની હિંમતને બિરદાવું છું, કે જેણે સમ્રાટ હુમાયુને મદદ માટે પ્રાર્થના-રક્ષા મોકલી હતી. એક ઉપાય વિચાર્યો હતો. ઘણાં લોકો સંકટ વખતે હાથમાં માળા લઈ પોતપોતાના ભગવાનનું સ્મરણ શરૂ કરે છે. દર્દીને અકસ્માત થયો હોય, તે ગંભીર હાલતમાં હોય, તો તેને ડાક્ટર પાસે જ લઈ જવો રહ્યો.
તેને ડાક્ટર જ બચાવશે. પ્રભુ સ્મરણ નહિ જ. ટણ ટણ રટણ નહિ જ.
સત્યનારાયણ જેવી કથાઓ પણ અમે આજના યુવા વિચારકો પસંદ કરતા નથી. પ્રસાદ ન ખાવાથી વહાણ ડૂબી જાય. ડૂબી જ જાય અને પ્રસાદ ખાઈ લેવાથી તે પાછું તરતું આવે.
એવું સત્ય શું આ વિજ્ઞાનના જમાનામાં ચાલી શકે ખરું ? એવી જ કોઈ ખેંચથી ખેંચાઈને રાષ્ટ્રનું સૂત્ર 'સત્યમેવ જયતે' બન્યું હોય ! તો શું એ સૂત્ર હેઠળના કેટલા અસત્યને તે પંપાળતું રહેશે !
બહેન, દીદી, સિસ્ટર ! આજે કેમ હું એકદમ તટસ્થ બનીને બધી વાતો જોખી રહ્યો છું ?
એક હિમશિલા ઢળતી ધસતી વહેતી શૈલ્ય પરથી ઢસડાતી આવી ! તેની પાછળ જ બે આતંકવાદીઓ ધસી આવ્યા.
બેમાંથી કયા પ્રયલની સાથે સૈનિક જવાન ખેંચાઈ જશે?
તે ખેંચાયો ! હિમપ્રપાત સાથે નીચે નીચે નીચે ફેંકાયો. પહોંચી ગયો ઊંડી બરફીલી ધવલ ખીણમાં. પણ બરફે જ તેને બચાવી લીધો.
નીચેથી તેણે જોયું. ઉપર કોઈક શત્રુ માથું ફરકતું નજરે પડયું. આતંકી પાઘડીનો પટવો જ હશે ! શત્રુ ઉપરથી નીચે જોવા, જોઈને મારવા ઉત્સુક હતો.
ત્યાં જ નીચેથી સરરર ધાંય કરતી રાયફલ છૂટી. નિશાન એવું તકાયું કે આતંક તંગ થઈ ગયો.
પણ બીજા આતંકીએ નીચે જોયું. કોણ છે ? ક્યાં છે ? જે હતો તે ગયો ક્યાં?
તેને જોવા માટે માથું સહેજ ઊંચું કરવું પડયું અને 'સરરર ધાંય' નીચેથી નિશાન આવ્યું. બીજો આતંકવાદી ય ઢેર થઈ ગયો. જો કે તેણે ય થોડીક ગોળીઓની રમઝટ તો બોલાવી જ હતી !
પાછળથી ધસી આવેલા ભારતીય લશ્કરે પરીસ્થિતિ માપી લીધી. ઉપરના બે શત્રુઓ તો ઉપર જ પહોંચી ગયા હતા. તેઓ હજી સરકી રહેલી હિમશિલા સાથે નીચે પાતળી ખીણમાં પહોંચ્યો.
શું જોયું ? પત્ર લેખનના અવશેષો ! હાથ પર બંધાયેલી બહેનની રાખડી. એ રક્ષાબંધનના રક્ષા-સૂત્ર ફેલાતું ફેલાતું સારાય ભારતની સીમા સરહદને સોનેરી સૂત્રમાં બાંધી, જાણે કે દેશ આખાના ભાઈચારાને રક્ષા બાંધતીં હોય !
પત્રલેખક સોલ્જર-બ્રધરના પત્ર પરનો છેલ્લો ભગિનિ સંદેશ હતો :
દૂર હઠો, દૂર હઠો, દૂર હઠો
યે દુનિયાવાલે
હિન્દુસ્તાન હમારા હૈ
આ જ હિમાલય કી ચોટીસે
ફિર હમને લલકારા હૈ


