ડૂમ્બુનું ડ્રાંઉ ડ્રાંઉ .
- ડૂમ્બુએ ખડખડાટ હસતાં કહ્યું- 'તને ગીતો સાંભળવાનો આટલો બધો શોખ હોય તો મારાં ગીતો સાંભળને! આ મોબાઇલને મૂક બાજુ પર!'
- કિરીટ ગોસ્વામી
તળાવમાં એક દેડકો રહે. એનું નામ ડૂમ્બુ. એક દિવસ વરસાદ આવ્યો. એ જોઇને ડૂમ્બુ તો ખૂબ રાજી થયો! તે તો ગળું ફુલાવીને ગાવા લાગ્યો- 'ટુરર... ટુરર... ડ્રાંઉ... ડ્રાંઉ...!'
ડૂમ્બુનો આવો અવાજ સાંભળીને તળાવમાં રહેતો એક મગર તેના પર ગુસ્સે થયો.
મગરે તેને કહ્યું- 'બંધ કર આ દેકારો!'
ડૂમ્બુ બોલ્યો- 'ના રે ના! હું તો ગાઇશ જ!
ડ્રાંઉ... ડ્રાંઉ... ડ્રાંઉ...
હું તો મસ્તીમાં ગાઉં!'
આ સાંભળીને મગર તો વધારે ગુસ્સે થયો. તેણે કહ્યું-
'મને શાંતિથી ગીતો સાંભળવા દે! જો, મંેં નવો જ મોબાઇલ ખરીદ્યો છે! એમાં કેવાં મસ્ત ગીતો વાગે છે! ને તું આ ડ્રાંઉ.. ડ્રાંઉ.. ને ટુરર... ટુરર.. કરીને મારી બધી મજા બગાડી નાખે છે!'
ડૂમ્બુએ ખડખડાટ હસતાં કહ્યું- 'તને ગીતો સાંભળવાનો આટલો બધો શોખ હોય તો મારાં ગીતો સાંભળને! આ મોબાઇલને મૂક બાજુ પર!'
'ના, હોં! મારો નવો નવો મોબાઇલ છે. એમાં કેવાં સરસ ગીતો વાગે છે! ને તું તો એકનાં એક જ રાગડા તાણે છે. તારાં ગીતો મારે જરાય સાંભળવા નથી! તું ચૂપ્પ થઈ જા!' મગરે આંખો કાઢતાં કહ્યું.
એનાથી જરાય ડર્યા વિના ડૂમ્બુ ઊછળકૂદ કરતો બોલ્યો-
'ના રે ના! ના રે ના!
ગીત હું તો ગાવાનો!
વાહ રે વાહ! વાહ રે વાહ!
વરસાદે ભીંજાવાનો!'
મગર તો ગુસ્સાથી રાતોપીળો થઈ ગયો! પણ ડૂમ્બુ જેનું નામ! એમ કાંઇ મગરના કહેવાથી કે એનાથી ગાવાનું બંધ કરાય?
ડૂમ્બુ તો ખૂબ મોટ્ટા અવાજે 'ડ્રાંઉ... ડ્રાંઉ...' ગાવા લાગ્યો. એ સાંભળીને એના બધાય મિત્રો પણ ભેગા થઈ ગયા! ને બધાય મોજથી ગાવા લાગ્યા-
'ટુરર ટુરર ટુરર...
ડ્રાંઉ... ડ્રાંઉ... ડ્રાંઉ...!
તુંયે ભીંજાય-
અને હુંયે ભીંજાઉં!'
આ સમૂહગાન સાંભળીને મગર આખરે કંટાળ્યો... ને એ તો તળાવ છોડીને ભાગી ગયો!
પછી તો ડૂમ્બુ પણ ખુશ અને તેના મિત્રો પણ ખુશ! ય