- થાય છે શું કે આપણે વધારે પડતી વસ્તુઓ આપણી ડિશમાં લઈ લઈએ છીએ અને ખવાતી હોતી નથી તો આપણે બધા જ એ ખાવાની વસ્તુઓ ફેંકી દઈએ છીએ.'
- જતીન ભટ્ટ 'નિજ'
મોન્ટુને એક સત્તુ કરીને મિત્ર હતો. મોન્ટુ જે ટયુશનમાં જતો એ ટયુશનમાં સત્તુ પણ આવતો. બંને વચ્ચે ભાઈબંધી જામી ગયેલી. ચિન્ટુ અને બીટ્ટુ મોન્ટુનાં મિત્રો એટલે સત્તુ પણ આ લોકો સાથે હળતોમળતો.
એક વાર સત્તુના ઘરે લગ્નપ્રસંગ હતો. સત્તુએ મોન્ટુ, ચિન્ટુ અને બીટ્ટુને જમવા બોલાવ્યા. મોન્ટુ, ચિન્ટુ અને બીટ્ટુ જમવાંમાટે મંડપમાં પ્રવેશ્યા.
ઘણો મોટો મંડપ બાંધેલો હતો. જમવાની પુષ્કળ વસ્તુઓ હતી. પંજાબી, થાઈ, કોન્ટિનેન્ટલ, જાતજાતની મીઠાઈઓ. મોન્ટુ, ચિન્ટુ અને બીટ્ટુ તો જોઈને જ ખુશ થઈ ગયા.
અચાનક મોન્ટુનાં મનમાં એક વિચાર આવ્યો. એણે એ વિચારની ચર્ચા ચિન્ટુ, બીટ્ટુ અને સત્તુ સાથે કરી. ત્રણેય જણા ખૂબ જ ખુશ થયા. આ સારા વિચારના અમલ માટે સત્તુના પપ્પા કેયુરભાઈ અને મમ્મી કાવેરીબેનને ઝડપથી મળવું જરૂરી હતું, કારણ કે જમણવાર શરૂ થવાની તૈયારીમાં હતો.
ચારેય જણા કેયુરભાઈ પાસે ગયા. પોતાનો વિચાર એમને કહી સંભળાવ્યો. તે સાંભળીને કેયુરભાઈ અને કાવેરીબેન ખૂબ જ ખુશ થઈ ગયાં.
ચર્ચા વિચારણા પછી આ વિચારના અમલ માટે ફટાફટ ડિશના કાઉન્ટર પર મોટી સંખ્યામાં મોટાં મોટાં ટિફિન આવી ગયાં. સાથે સાથે સ્ટીલની થાળી-વાટકીઓ પણ મોટી માત્રામાં આવી ગઈ. જમવાનાં ટેબલ પર ખાલી થાળી-વાટકીઓમૂકાઈ ગઈ. મહેમાનોઅચરજથી આ બધું જોવા માંડયા.
હવે મામલો કેયુરભાઈના હાથમાં હતો. એમણે હાથમાં માઈક લીધું:
'મારા વહાલા સગા વહાલાઓ, મારા ખાસ મિત્રો. આપ સૌ મારે ત્યાં પ્રસંગ માણવા આવ્યા છો એ બદલ હું અને કાવેરી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જમણવાર શરૂ થવાની તૈયારીમાં છે એની પહેલાં એક વાત કરવા માગું છું. મારા વહાલા મિત્રો, આપ સૌ જોઈ રહ્યા છો કે પેલા મોટા કાઉન્ટર પર ઘણાં બધાં ટિફિનબોક્સ પડેલાં છે. જમવાના દરેક ટેબલ પર મોટી સ્ટીલની થાળી-વાટકીઓ મૂકેલી છે. હવે આપ સૌ ધ્યાનથી મારી વાત સાંભળજો.'
થોડી વાર અટકીને...
'હવે મારી, તમારી, સૌની એક આદત છે કે બૂફે ચાલુ થાય એટલે આપણે શિસ્તબદ્ધ લાઈનમાં ઊભા રહીએ છીએ. આપણો વારો આવે એટલે આપણે ડિશમાં જમવાની વસ્તુઓ લઈ લઈએ છીએ. ફરીથી લાઈનમાં ઊભાં ન રહેવું પડે એટલે પહેલી વખતમાં જ આપણે ખાવાની વસ્તુઓ વધારે લઈ લઈએ છીએ. મિત્રો, હું પણ એવું જ કરું છું. જે મારી, તમારી, સૌની એક ખામી કહી શકાય. થાય છે શું કે આપણે વધારે પડતી વસ્તુઓ આપણી ડિશમાં લઈ લઈએ છીએ અને ખવાતી હોતી નથી તો આપણે બધા જ એ ખાવાની વસ્તુઓ ફેંકી દઈએ છીએ.'
થોડો શ્વાસ લઈ એ આગળ વધ્યા, 'મિત્રો, હવે મુદ્દાની વાત. આપ સૌને એક અનુરોધ છે. આપ સૌએ આપની થાળી આપને ફાવે એટલી વસ્તુઓ જ લેવાની છે. ફરીથી લાઈનમાં ન ઊભા રહેવું હોય તો ખાવાની વસ્તુઓ વધારે લઈ શકો છો. ફક્ત, આપે એક જ કામ કરવાનું છે. આપ જે ટેબલ પર બેસશો એ ટેબલ પર મોટી સ્ટીલની થાળી-વાટકીઓ મૂકેલી છે. તમને લાગે કે અમુક વસ્તુ વધારે લેવાઈ ગઈ છે તેને જમતાં પહેલાં પેલી સ્ટીલની થાળીમાં મૂકી દેજો. દાખલા તરીકે કોઈએ પૂરી વધારે લીધી છે તો એ વધારાની પૂરી થાળીમાં મૂકી દેવાની છે. જરૂર પડે એમાંથી પાછી તમારી થાળીમાં પણ લઈ શકાશે. એ પ્રમાણે બધીજ વસ્તુઓ...'
હવે કાવેરીબેને માઈકસંભાળ્યું, 'મારા વ્હાલા સ્વજનો, આપ સૌએ કેયુરની વાત સાંભળી. અમે લોકો થાળીની બધી જ વસ્તુઓ પેલા ટિફિનબોકસમાં ભરી દઈશું. આ બધાં ટિફિન જરૂરતમંદ સંસ્થાઓમાં પહોંચાડી દઈશું. આ પ્રમાણે આયોજન એટલાં માટે કર્યું કે આપણે જ્યારે જાણે-અજાણે ખોરાક છાંડીએ છીએ ત્યારે જરૂરતમંદ લોકોને અન્યાય કરી બેસતાં હોઈએ છીએ. થાળીમાં વસ્તુઓ પહેલાં એટલા માટે મૂકી દેવાની કે જેથી આપણે એમને એંઠી કે છાંડેલી વસ્તુઓ ન આપીએ. આપણે સારું જ કાર્ય કરવું છે તો આપણી ભાવના પણ પવિત્ર હોવી જોઈએ.'
બધાં મહેમાનોએ તાળીના ગડગડાટથી કેયુરભાઈ અને કાવેરીબેનને વધાવી લીધાં.
'મિત્રો, આ તાળીઓના હકદાર અમે નથી, આ ચાર દોસ્તોમોન્ટુ, ચિન્ટુ, બીટ્ટુ અને મારો સન સત્તુ છે. આ આખો આઈડિયા એમનો છે. ફક્ત અમે લોકોએ એમની ખૂબ જ સરસ અને અનુકરણીય વાત સાંભળી, સમજી અને એને અમલમાં મૂકી.'
તાળીઓનો ગડગડાટ ચાલુ જ રહ્યો. બીજા દિવસે દરેક છાપાઓએ આ વાત ચમકાવી. ટીવી ચેનલવાળાઓએ પણ નોંધ લીધી. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરોએ રીલ બનાવીને આખી વાત સોશિયલ મીડિયા પર વાઈરલ કરી.
છેને મજાની વાત!


