Get The App

ગધેડાએ ગધેડા બનાવ્યા .

Updated: Jan 30th, 2026

GS TEAM

Google News
Google News
ગધેડાએ ગધેડા બનાવ્યા                          . 1 - image

- 'વાહ વાહ વાહ વાહ!' આરબે કહ્યું : 'તેં ગધેડું ભાડે રાખ્યું છે, કંઈ ખરીદ્યું નથી. અને એઈ! ગધેડું જો તારું હતું તો રસ્તામાં એનો પરસેવો શું કામ મારી પાસે સાફ કરાવ્યો?

ગરજે ગધેડાને ય બાપ કહેવડાવે એવી માનવ કથા

ગધેડું બિચારું કમનસીબ પ્રાણી છે, કારણ કે...

હરીશ નાયક

ઊંટને રેતીનું વહાણ કેમ કહેવામાં આવે છે? રેતીનું વહાણ માત્ર ઊંટ જ નથી, ગધેડું પણ છે.

ગધેડું કદાચ મોટું વહાણ નહિ હોય, તે છતાં તેને નાનું હોડકું તો કહેવું જ પડશે, કેમ કે રણના જે પ્રદેશમાં ઊંટનો ઉપયોગ થાય છે, ત્યાં ગધેડાનો ઉપયોગ થાય છે જ.

પણ ગધેડું બિચારું કમનસીબ પ્રાણી છે. લોકો એનો લાભ વધારેમાં લધારે લે છે, ઉપરથી બદનામ કરે છે, ડફણાં મારે છે તે જુદાં.

વાત એવા જ એક રણની છે. અરબસ્તાનનું રણ. ભારે મોટું અને સૂકું રણ. ત્યાં એક આરબ રહે. આરબ પાસે એક ગધેડું. આરબનો ધંધો ગધેડું ફેરવવાનો. કોઈ પ્રવાસીને રણમાં થઈને જવું હોય તો આરબ ગધેડા સાથે જાય. ગધેડું પ્રવાસીનો સામાન ઊંચકી લે, આરબ રસ્તો બતાવે કે સાથ આપે.

એક વાર એક પ્રવાસી આવ્યો. રણમાં થઈને તેને જવું હતું. ઘણો સામાન હતો. ઘણો દૂર જવાનું હતું.

એક નજરથી આરબે સામાન જોઈ લીધો. મનમાં વિચાર કર્યો કે સામાન ઘણો છે. વેપારી પણ મોટો લાગે છે. મોટી રકમ માગવા દ. એણે તો ત્રીસને બદલે ઝટ કહી દીધું : 'ત્રણસો રૂપિયા લઈશ.'

પ્રવાસી કહે : 'બસ? મંજૂર. ચાલ ઉપાડ સવારી.'

આરબ તો ઉત્સાહમાં આવી ગયો. ઝટઝટ સામાન તેણે ઉપાડયો. પટપટ કરી સિંચ્યો ગધેડા પર અને 'ડચ ડચ હેઈ..!' કહીને ગધેડાને ડફણું માર્યું.

આંખ મીંચીને ગધેડું ચાલવા લાગ્યું. આગળ આરબ, પાછળ ગધેડું અને છેલ્લે વેપારી પ્રવાસી, એમ ત્રણે જણા ચાલ્યા જાય છે.

મોટું સૂકું આકરું રણ છે. રણ સિવાય બીજું કંઈ જ નથી. આરબ અને વેપારી પણ થોડાક તો ટેવાયેલા છે.

તેમણે પ્રવાસ સવારમાં શરૂ કર્યો હતો. સવારમાં તો સફર સારી ચાલી, પણ ચાર પાંચ કલાકમાં તો સરજદાદા તપી ગયા. જાણે સ્ટવ ઉપર તવી મુકાઈ! આખું રણ ધગધગવા લાગ્યું. તાપ તાપ અને ત્રાસ ત્રાસ.

લૂ ઊડે, ગરમ પવનની ઝાપટ વાગે અને રેતીની કણોનો માર પડે. આંખે ઝાંય વળે, મગજ તો સુમ્મ થઈ જાય!

ચલાયું ત્યાં સુધી બધાએ ચાલ્યા કર્યું, પણ પછી હદ આવી ગઈ. તાપને લીધે તાળવાં તપી ગયાં, પગ દાઝી ગયા. જોડા હતા તે જોડા પણ ગરમ ગરમ લ્હાય જેવા થઈ ગયા હતા. એટલે જોડાની અંદરના પગ તો બટાકાની જેમ બફાતા હતા.

પરસેવાની તો જાણે ઝારીઓ ફૂટતી હતી. એઇ! રેલમછેલ ચાલી જાય! વેપારીને લાગ્યું કે હવે થોભવું પડશે! હવે નહિ ચાલે, પગમાં આંટી પડી જશે. હવે એક ડગલું પણ ચાલશે નહિ.

જરા વિરામ કરવાનું નક્કી થયું. પણ અહીં કેવો વિરામ ને કેવો વિસામો? નીચે ધરતી ગરમ હતી, ઉપર સૂરજ તપતો હતો.

છતાં બે ઘડી બેઠા. પાથરણાં પાથરીને જરાક આડા પડયા. થાક તો ઉતરે!

થોડી વારમાં વેપારી તો ઊંઘી ગયો. પેલો આરબ તો તરફડતો જ હતો. તાવડામાં જેમ ધાણી ફૂટે એમ તે શેકાતો હતો. ઊછળતો હતો.

તેણે જોયું તો વેપારી ગધેડાના છાંયડામાં સૂતો હતો.

તેનાથી બોલી જવાયું : 'વાહ, બચ્ચાજી! ગધેડું મારું અને એના છાંયડામાં આરામ તમે કરો છો?' 

તે ઊભો થયો. બોલ્યો કંઈ જ નહિ, ધીમે રહીને તેણે ગધેડાનું પૂછ્ડું આમળ્યું. ગધેડું ઊઠયું.

ગધેડાને તે દૂર લઈ ગયો. અને ગધેડાના છાંયડામાં પોતે સૂઈ ગયો.

થોડીવારમાં જ વેપારી તો દાઝી ગયો. તેનું શરીર ગરમ થઈ ગયું. સૂરજદાદાએ તેને તપાવી મૂક્યો. ઊભા થઈને તેણે જોયું તો ગધેડું ન હતું. ગધેડાનો છાંયો ન હતો.

એ છાંયામાં તો આરબભાઈ પોઢ્યા હતા. લહેરથી અને લિજ્જતથી સૂતા હતા.

વેપારી તપેલો તો હતો જ, તેનો મિજાજ ગયો. તે કહે : 'એઇ ગધેડાવાળા! ઊઠ...'

'શું કામ ઊઠું?'

'કેમ કે ગધેડાના છાંયડામાં મારે સૂવું છે.'

'જા... જા! ગધેડું મારું છે અને એના છાંયડામાં તારે સૂવું છે, કેમ?'

'ગધેડું મેં ભાડે રાખ્યું છે..'

'અલ્યા, તેં ગધેડાને ભાડે રાખ્યું છે. ગધેડાનો છાંયડો કંઈ તે ભાડે રાખ્યો નથી!'

'મેં ગધેડાની કિંમત આપી એટલે આખું ગધેડું મારું જ. ઠેઠ સુધી મારું જ..'

'વાહ વાહ વાહ વાહ!' આરબે કહ્યું : 'તેં ગધેડું ભાડે રાખ્યું છે, કંઈ ખરીદ્યું નથી. અને એઈ! ગધેડું જો તારું હતું તો રસ્તામાં એનો પરસેવો શું કામ મારી પાસે સાફ કરાવ્યો? એને એક...છૂ કરીને છીંક આવી, ત્યારે નાક શું કામ તેં સાફ કર્યું નહિ? ત્યારે ગધેડું તારું ન હતું. અને હવે તારું થઈ ગયું? વાહ વેપારી વાહ! ગધેડાની ચાકરી કરવાની હોય ત્યારે કહે કે ગધેડું તારું અને છાંયડો ખાવાનો હોય ત્યારે કહે કે ગધેડું મારું..'

વાત વધી. રણમાં પાણી જ સૂકાઈ જતું નથી. મિત્રતા પણ સુકાઈ જાય છે. પેલા વેપારીનો ગુસ્સો ફાટી પડયો. તે જરા કદાવર હતો. તેણે આરબને પકડયો, ખેંચ્યો અને હડસેલો મારીને તેને છાંયડામાંથી દૂર કર્યો. પોતે પડયો છાંયડામાં.

છંછેડાયેલો માણસ નબળો હોય છે, તો પણ બળિયો બની જાય છે. આરબ બળવાન હતો જ. તેણે વેપારીને પકડયો, ખેંચ્યો, માર્યો અને દૂર કર્યો પછી પોતે બેસી ગયો છાંયડામાં.

વાત એકદમ વધી પડી. મામલો અત્યંત ગંભીર બની ગયો. પહેલાં ખેંચાખેંચી ચાલી એ હવે બંને મારામારી પર આવી ગયા.

રણના સંગ્રામમાં યુદ્ધ કરતાં વધુ ઝનૂની હોય છે. બંને જણા જીવ પર આવીને લડવા તો લાગ્યા. મુક્કા મુક્કીથી માંડીને બચકા બચકી સુધીના દાવ ખેલાતા હતાં.

લડવામાં સમયકાળનું પણ તેમને ભાન રહ્યું નહિ. બંને જણા લડતા લડતા પડયા ગધેડા પર. ગધેડું અત્યાર સુધી માણસોની આ હરકત સહન કરતું હતું, પણ હવે તેને માટે વાત અસહ્ય બની. જેવા બંને તેના પર પડયા કે તે ચોંક્યું, ડરીનું ઉછળ્યું, 'હોંચી...હોંચી...' કરતું લાગ્યું દોડવા.

ગધેડું જ ન રહે તો પછી છાંયો ક્યાંથી રહે?

છાંયો જતા બંને માણસોના મન પર પ્રકાશ પડયો. આરબે વેપારી સામે જોયું. વેપારીએ આરબ સામે જોયું. બંને દોડયા ગધેડા પાછળ, ગધેડાને પકડવા.

અને એ તો ભાઈ ગધેડું હતું. દોડયું એટલે દોડયું. ઊંધુ ઘાલીને તેણે તો દોડયા જ કર્યું. દોડયા જ કર્યું. ગધેડાને ભલે તમે રેતીનું વહાણ ના કહો કે હોડકું પણ ના કહો, પણ અત્યારે તો તે મોટરબોટની જેમ દોડતું હતું!

વેપારી કહે : 'ઊભો રહી જા અલ્યા એ ગધેડા!'

આરબ કહે : 'ગધુભાઈ! ઠેરી જાઓ, ઉભા રહી જાઓ, અમારા ગુના માફ કરો!'

વેપારી કહે : 'ઓ ગધેડા દેવ! થોભી જાઓ, અમારા ગુના માફ કરો. જોઈએ તો એકાદ લાત લગાવી ગુસ્સો શાંત કરજો, પણ જાઓ નહિ.'

આરબ કહે : 'અલ્યા એ ગધેસિંહ! આવું કાં કરો? મારો ભાઈ નહિ કે?'

ગધેડું દોડતું હતું, ભાગતું હતું. ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે, એમ બંને માણસો ગધેડા પાછળ, એ ગધેડા બાપા! ઊભા રહી જાઓ. થોભી જાઓ... કરતાં દોડતાં હતાં.

પણ ક્યાં ગધેડાની દોડ અને ક્યાં માણસની દોડ? તેમાંય ગધેડું ચમકેલું હોય, ભડકેલું હોય, પછી થોભે કે?

એ ના ઊભું રહ્યું તે ના જ ઊભું રહ્યું.

આરબ અને વેપારી દોડી દોડીને થાક્યા. જોતજોતામાં ગધેડા અને માનવી વચ્ચેનું અંતર એટલું મોટું થઈ ગયું કે, પકડવાની કોઈ આશા જ રહી નહિ!

છાયા માટે લડવા જતાં બંનેએ કાયા પણ ગુમાવી હતી. અને કાયા ગયા પછી છાયા તો રહે જ ક્યાંથી? કાયા-છાયાની એ માયા તેમની આંખે તમ્મર આણતી હતી.

એકબીજાને વળગીને ડગુમગુ પગે ચાલતા, બંને વિચારતા હતા કે : હવે અમારું શું થશે?

નીચે રણ તપતું હતું. ઉપર સૂરજ તપતો હતો.

નિ:સાસો નાંખીને વેપારી કહે : 'હા..હા...! ગધેડા! તે અમને ક્યાંયના રાખ્યા નહિ!'

નિ:સાસો નાખી આરબ કહે : 'ગધેડાનો ભરોસો કર્યો તેનું જ આ પરિણામ!'

વધુ મોટો નિ:સાસો નાંખી વેપારી કહે : અરેરે! ગધેડા પાસેથી અમે માણસો પણ કંઈ શીખી શક્યા નહિ!

લાંબો અતિ લાંબો નિ:સાસો નાંખીને આરબ કહે : અલ્યા! તારામાં ને મારામાં ગધેડો કોણ? માળો ગધેડો થઈને અમને ગધેડા બનાવી ગયો!