દાનમાં દાન બલિદાન .
- 'સંરક્ષણની જવાબદારી અમારા નવજવાનો પર છે અને રહેશે, માટે ઊંચામાં ઊંચુ બલિદાન મારૂં જ હોઈ શકે.'
- સૌ પ્રથમ બલિદાન મારૂં જ આપવું જોઈએ
- સાક્ષાત્ અગ્નિદેવના આશિર્વાદ ન મળ્યા તે ન જ મળ્યા.
- હરીશ નાયક
મહારાજા રઘુએ મોટો યજ્ઞા કર્યો.
એ યજ્ઞા સતત ૪૦ દિવસ સુધી ચાલ્યો.
યજ્ઞા ધામધૂમથી કર્યો હતો અને તેમાં કંઈ જ કચાશ રાખી ન હતી. આજુબાજુના સીમાડાઓ ઉપર શત્રુઓ ખાંડા ખખડવ્યા કરતા. તેમની સામે યુદ્ધે ચઢવાનો આ યજ્ઞા થયો.
આ યજ્ઞા દ્વારા મહારાજા રઘુ અગ્નિદેવની આજ્ઞા મેળવવા માગતા હતા.
પણ ૪૦ દિવસ પસાર થઈ ગયા છતાં અગ્નિદેવની કોઈ આજ્ઞા મળી નહિ.
દેવતાઓના આશિર્વાદ મળી ગયા. ઋષિમુનિઓના આશિર્વાદ મળી ગયા, પણ સાક્ષાત અગ્નિદેવના આશિર્વાદ ન મળ્યા તે ન જ મળ્યા.
મહર્ષિ વશિષ્ઠ ચિંતામાં પડી ગયા. તેમણે ખૂબ સરસમાં સરસ રીતે કિંમતી વેદમંત્રો દ્વારા અગ્નિદેવની પ્રાર્થના કરી હતી. અને ત્યારબાદ પણ અગ્નિદેવની મંજુરી ન મળે એ તેમને માટે નવાઈની વાત હતી.
છેવટે સમાધિ લગાવી તેમણે કારણ શોધી કાઢ્યું. તેઓ કહે : 'અગ્નિદેવ યજ્ઞાની પૂર્ણાહુતિમાં એક જીવંત માનવીનું બલિદાન માગે છે. જો આપણે એવું બલિદાન આપીશું તો જ અગ્નિદેવ તમારી પર આશિર્વાદ વરસાવશે.'
હજી વશિષ્ઠ આટલું વાકય બોલી રહ્યા ત્યાં જ સૈન્યના મુખ્ય સેનાપતિએ આગળ આવીને કહ્યું : 'સૈન્યનો વડો હું છું. આ દેશને માટે બલિદાન આપવાનો સૌ પ્રથમ અધિકાર મારો છે.'
એક બીજા સિપાહીએ આગળ આવીને કહ્યું : 'સેનાપતિજી ! યુદ્ધમાં તમારી જરૂર વધારે રહે છે. અમે સૈનિકો તો જીવ હાથમાં લઈને યુદ્ધમાં કુદી પડીએ છીએ, માટે સૌ પ્રથમ બલિદાન મારૂં જ આપવું જોઈએ.'
હજી સૈન્યના આ બે માણસો આવો વિવાદ કરતાં હતાં, ત્યાં જ એક પ્રૌઢ નાગરિકે આગળ આવીને કહ્યું: 'દેશના સંરક્ષણમાં અમારો પણ ફાળો છે, હું મારી જાતને બલિદાન માટે હાજર કરૂં છું.'
અને ત્યારે જ એક નવજુવાન તરૂણે બધાને આઘાપાછા કરીને મહર્ષિ વશિષ્ઠને કહ્યું : 'ગુરૂદેવ! દેશના બલિદાનમાં હંમેશા નવજવાન પેઢીનો જ ઉપયોગ થાય છે. સંરક્ષણની જવાબદારી અમારા નવજવાનો પર છે અને રહેશે, માટે ઊંચામાં ઊંચુ બલિદાન મારૂં જ હોઈ શકે.'
નવજવાનની વાત સાંભળી બધા એક સાથે બોલી ઊઠયા : 'જય જવાન !'
પણ ત્યારે જ યજ્ઞાકુંડનો શાંત અગ્નિ ભભુકી ઉઠયો. જ્વાળાઓ ઠેઠ આકાશ સુધી પહોંચવા લાગી અને એ જ્વાળાઓ દ્વારા અગ્નિદેવ સંદેશ આપતા હોય તેમ આકાશ વાણી થઈ. અગ્નિદેવે કહ્યું : બલિદાન આપવાની તત્પરતામાં જ બલિદાનની ક્રિયા પૂરી થાય છે. દેશને ખાતર તમારે ત્યાંનો એકેએક માનવી તૈયાર છે એ જોઈ અગ્નિદેવ પ્રસન્ન છે, જાવ, મહારાજા રઘુનો વિજય નિશ્ચિત છે આગળ વધો.
અને અગ્નિદેવના આશિર્વાદ મળતાં મહારાજા રઘુના સૈન્યે રણદૂંદૂભી લલકારી.